દુહા: સંદર્ભ અને સત્ત્વ

0
1825

દુહા, એકત્રીકરણ, પ્રસ્તુતીકરણ અને આસ્વાદ સંદર્ભે વાંચવા-વિચારવાનું બને ત્યારે મારી તરુણ વયનો પ્રસંગ હંમેશાં યાદ આવી જતો હોય છે. ઉચ્ચ અભ્યાસ માટે વતન છોડી વિવિધ શહેરોમાં નગરવાસી બનવાનું આવ્યું, પણ વેકેશનના કે એકાદ સપ્તાહના અનધ્યયનના દિવસોમાં મોટા ભાગે રજાઓમાં જ્યારે-જ્યારે વતનમાં કમળાપુર રહેવાનું બને ત્યારે દાદાજી બપોરના સમયે ઊંઘાડવાને બદલે મારી પાસે અમારો જૂનો હસ્તપ્રત ભંડાર સરખો કરાવરાવે, પુસ્તકો ગોઠવવાનું કાઢે અને સવાર-સાંજ કથા-વારતાકથન માટે મને પલોટે. કેવી રીતે દષ્ટાંતો કહેવાં? કથાને કેવી રીતે ટૂંકાવવી-લંબાવવી અને કથાનકને કંઠસ્થ સ્વરૂપે રજૂ કરવું? વગેરે સમજાવે. સાંજે તેમની કથામાં પ્રત્યક્ષ હાજર રહીને બધું સાંભળવું અને એમ સમય પસાર થતો. મને બરાબર યાદ છે, એક વખત ઓખાહરણના કથાપ્રસંગે મને વચ્ચેથી કથા આગળ ધપાવવા માટે કહ્યું. મેં આખા ગામલોક સમક્ષ જાહેરમાં પ્રથમ વખત જ દાદાજીની તાલીમને કારણે ખૂબ જ પ્રભાવક રીતે કથા કહેલી. પછી તો સાત-આઠ વરસ સુધી ઓખાહરણ, પુરુષોત્તમ માહાત્મ્ય અને ગરુડપુરાણ કે સત્યનારાયણની કથા ખૂબ કરી છે, પણ પ્રથમ વખતની કથા પછી, દાદાજી સાથે રાત્રે મારી કથાકહેણી માટે પ્રતિભાવ મેળવવા પૃચ્છા કરી અને જે પ્રત્યુત્તર પ્રાપ્ત થયેલો તે મારા ચિત્તમાં ચિરસ્મરણીય બની રહેલો છે.
મેં કથામાં એ સમયે પ્રસંગને અનુરૂપ, માનવજીવનમાં મૃત્યુની અનિવાર્યતાની, એની સામેની માનવીની લાચારીને પ્રગટાવતો દાદાજી પાસેથી સાંભળેલો પાલરવભાનો દુહોઃ
હરખ નથી તોય હાલવું, હરમત નથી તોય હા;
નાથ નો કેવાય ના, તારા સંદેશાને શામળા.
રજૂ કરેલો અને એને કથામાં સરળ રીતે વણી લીધેલો. એવું પણ યાદ છે ત્યારે શ્રોતામાંથી હરે નમઃ ને બદલે વાહ બોલી ઊઠેલું પણ ખરું, અને હું ત્યારે પોરસાયેલો પણ હતો.
દાદાજીએ તે રાત્રે કહેલું કે તને દષ્ટાંત, ભજન કે ધૂનને બદલે દુહો ક્યાંથી યાદ આવ્યો? મેં કહેલું કે તમે જ પાલરવભાની વાતો અનેક વખત કરી છે અને એમના દુહા પણ. એમાંના મને ઘણા યાદ છે. તો કહે કે બરાબર, દુહા તને યાદ હોય, પણ તું પેલું યાદ રાખજે કે આપણે કથાકાર છીએ, કલાકાર નથી. દાદાજીનું વાક્ય મને ત્યારે બરાબર સમજાયેલું નહોતું, મેં આજ્ઞાંક્તિ બનીને ક્યારેય પછી તો દુહા રજૂ ર્ક્યા નથી, પણ ત્યારથી દુહા પરત્વેનો મારો પક્ષપાત આરંભાયો.
દાદાજી ભારે મર્મી અને ઓછાબોલા હતા. કોઈ વાતને બે-ત્રણ વખત કહી હોય એવું સ્મરણમાં નથી. તેઓ પોતે માનતા કે, એક વખત કીધે જેને ગળે ન ઊતરે અને તે વારંવાર કહીને ગળે ઉતરાવવાનો પણ કશો અર્થ નહિ. મને હવે સમજાય છે કે મોટા ભાગે કોઈ ધર્મકથાનકયુક્ત ગ્રંથ દુહાબંધમાં નથી, એટલે જ, છપ્પા, કવિત અને વિવિધ દેશી, ઢાળમાં જ ચાલે છે. જ્યારે મનોરંજનમૂલક રચનાઓ મોટા ભાગે દુહાબંધમાં જ હોય છે. દુહા તરફની અપાર પ્રીતિએ મને એના સંગ્રાહક બનવા તરફ, એના સ્વરૂપના સતત અભ્યાસ તરફ વાળ્યો છે. કદાચ પાલરવભાના તમામ દુહાઓ એકત્ર કરવાનું હાથ પણ ધરાયું એની પાછળ અસંપ્રજ્ઞતાપણે પેલો દાદાજીવાળો સંવાદ પણ ધરબાયો હોય. મને જણાયું છે કે દુહો ભારે સમૃદ્ઘ સ્વરૂપ છે અને સહસ્ત્રાધિક વર્ષોથી, પરંપરામાં જળવાતો, કહેવાતો, રચાતો આવ્યો છે. રાજ કે જનસમુદાયમાં કથાના દેશી, ઢાળ, ઘોળ કે કવિત કરતાં દુહો ભારે જોડાઈ ગયો છે. લોકકંઠે, લોકજીભે અમર બેસણાં તો દુહાનાં જ છે, એને સમાજની સ્વીકૃતિ પણ ભારે સાંપડી છે. બહુમૂલ્યવાન જણાયા છે દુહાનો માધ્યમ તરીકે સ્વીકારનારા સર્જકો.
પાલરવભા પંચાળના, પણ શામળા નામછાપથી દુહા સર્જન દ્વારા વિશ્વનું નાગરરકત્વ પ્રાપ્ત કરી શક્યા. એમનો કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડ ભગવાન તો બહુ પ્રખ્યાતિ પામ્યો છે. પાલરવભાએ વિપુલ માત્રામાં દુહાઓ રચેલા. એમાં મૃત્યુના મર્મને ઉદ્ઘાટિત કરતા દુહાઓ એમની કલ્પનાશક્તિ અને અભિવ્યક્તિ કૌશલ્યના ઉજ્જ્વળ ઉદાહરણરૂપ છે. એના થોડાં ઉદાહરણો જોઈએઃ
હવેલીએ હીંચકતો, (એક દી) હાકેમ હિંડોળો,
(ઈ) કરમી કરગઠિયે, મેં સૂતા જોયા શામળા…(1)
સાટા જલેબી સુખડી, (ઈ) ખાંતેથી ખાતા,
ઈ ભૂપત વણ ભાતા, સરગે હાલલ્યા શામળા…(ર)
પોતાના વળ્યા પાછા, વહાલા વોળાવ્યે,
આંતમ રાજા એકલો, સરગે હાલ્યો શામળા…(3)
આંસે ઊંધા હાલતા, તાતા થઈને તે,
સમશાને સીધા તે, સૂતા જોયા શામળા…(4)
કે છે ત્યાં કાકો નહિ, મા ન મળે માધા,
સગપણના સાંધા, સરગાપુરામાં શામળા…(પ)
મારી અંતવેળાએ એકલો, નટવર આવીશ નહિ,
મોળી રાધામાને, સાથે લાવજે શામળા…(6)
મોગલ સલ્તનતના સમયમાં ભવ્ય સુખસાહ્યબી ભોગવતા હાકેમ-સૂબાને ઉદ્બોધન કરીને પાલરવભા આમ તો સમસ્ત સમાજને કહે છે કે હવેલીએ હિંડોળે હીંચકતા હાકેમ-સૂબાઓને પણ સૂકા લાકડાના-કરગઠિયામાં સૂઈને સળગતા મેં જોયા છે. આમ કહીને માનવની મૂળભૂત નિયતિ-અંતિમ અવસ્થાને ચીંધીને ત્યાં કેવી સમાનતા છે એનો નિર્દેશ કરે છે.
એમ જ બીજા દુહામાં પણ હંમેશાં સાટાં જલેબી, સુખડીનું ભાતું બાંધીને નિરાંતે ખાતા લોકોને અંત સમયે તો વગર ભાતાએ સ્વર્ગપુરીના રસ્તે ચાલી નીકળવાનું છે એમ નિર્દેશ થયેલો છે. પાલરવભા એકલતાપણાની વિગતને ત્રીજા દુહામાં પણ ભારે માર્મિક રીતે મૂકે છે. સગાં-વહાલાં થોડે સુધી વળાવવા આવે, પણ પછી અંતે તો આતમ રાજવીને એકલું જ સ્વર્ગની વાટે નીકળવાનું છે.
ખૂબ ક્રોધી, જોહુકમી કરનારા અને દરેક બાબતમાં મદને કારણે ઊંધું ચાલનારાઓ સ્મશાનમાં સીધા થઈને પડ્યા રહે છે અને સળગી મરે છે. માનવીની વૃત્તિઓ – દાબ પણ કેવો અંતે શમી જાય છે એનો નિર્દેશ ભારે સૂઝથી અહીં થયેલો છે. એ જ ભાવને પાંચમા દુહામાં ત્યાં કોઈ કાકો, કે મા નથી અને સગપણના સાંધા અર્થાત્ સગપણનો અભાવ અનુભવાશે. પાલરવભા ભારે મોટા ગજાના કવિ છે. આવું બધું પરરસ્થિતિનું નિદર્શન કરીને, અંતે ચબરાકીથી પોતાની કલ્પનાશક્તિનો પરરચય અહીં કરાવે છે. પિતા તો બરછટ હોય, પણ માતા ભારે કોમળ હૃદયની અને પુત્રપ્રીતિ ધરાવનારી હોય. એ કારણે પાલરવભા અહીં અંતકાળે માત્ર કૃષ્ણદર્શનની અપેક્ષા સેવતા નથી. કહે છે કે મારી રાધામા સાથે જ આવજો. એકલા કૃષ્ણને નહિ આવવાનું કહેતા પાલરવભા એક નાનકડા દુહા દ્વારા કેવું મોટું સત્ય સૂચવે છે.
દુહાઓ ભલે સાવ લઘુ લાગે, પણ એ તીખારા જેવા તાતા અને તેજસ્વી છે, તથા એમાં અગ્નિનું તેજ પ્રગટાવવાની તાકાત છે. પાલરવભાના આવા હજારેક દુહાઓ સંપાદિત કરીને સ્વર્ગ ભુલાવું શામળા શીર્ષકથી રાજકોટના પ્રવીણ પુસ્તક ભંડાર દ્વારા પ્રકાશિત કર્યા છે.

લેખક લોકસાહિત્ય, ચારણી સાહિત્ય અને સંતસાહિત્યના જાણીતા વિદ્વાન છે. તેમણે ગુજરાતી ડાયસ્પોરા સાહિત્ય વિશે પણ ખૂબ કામ કર્યું છે.