દુષ્કર્મના કેસમાં  આજીવન કારાવાસની સજા ભોગવી રહેલા આશારામની જામીનની અરજી સુપ્રીમ કોર્ટે નકારી કાઢી…

 

 

    કરેલા કુકર્મના ફળો સહુએ ભોગવાં જ પડે છે. સગીર વયની યુવતી પર દુષ્કર્મ આચરનારા અને અનેક યુવતીને પોતાની હવસનો શિકાર બનાવનારા ઢોંગી સાધુ આશારામ હાલમાં જોધપુરની જેલમાં જેલની સજા ભોગવી રહ્યા છે. હાઈકોર્ટમાં તેમની જામીનની અરજી રદ થયા બાદ તેમણે પોતાની તબિયતની સારવાર કરાવવા માટે સુપ્રીમ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. જેને આજે ત્રણ ન્યાયાધીશોની ખંડપીઠે નકારી કાઢી હતી. ન્યાયાધીશ અન્દિરા બેનરજી, જસ્ટિસ બી. રામા સુબ્રમણ્યમ અને જસ્ટિસ બેલા એમ ત્રિવેદીની બેન્ચે ઉપરોકત કેસની સુનાવણી કરતા જણાવ્યું હતું કે, આ ગુનેગારના ગુનાને સામાન્ય ગુનાની શ્રેણીમાં  મૂકી ના શકાય. તેમને જેલમાં જ આયુર્વેદિક સારવાર મળે તેની વ્યવસ્થા કરવાનું અમે જેલના વહીવટીતંત્રને આદેશ કરીએ છીએ. 85 વર્ષના પાખંડી આશારામને  સગીરા સાથે દુષ્કર્મ કરવાના ગુના માટે જનમટીપની સજા કરી છે. તેમણે પોતાને આયુર્વેદિક સારવારની જરૂર છે એવું કારણ રજૂ કરીને સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જેને સર્વોચ્ચ અદાલતે નકારી કાઢી હતી.