દુર્ગા પૂજા પર બાંગ્લાદેશમાં કોમી રમખાણો ફાટી નીકળ્યાઃ ત્રણનાં મોત

 

ઢાકાઃ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર ફરી એકવાર હુમલાની ઘટના સામે આવી છે. અહીં દુર્ગાપૂજાના ઉત્સવ દરમિયાન જ હિન્દુ મંદિરોમાં તોડફોડ કરવામાં આવતા રમખાણો ફાટી નીકળ્યા છે. કોમી તોફાનોમાં ત્રણ લોકોનાં મૃત્યુ થયા છે, જ્યારે અનેક લોકો ઈજા પામ્યા હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં બાંગ્લાદેશ સરકારે પરિસ્થિતિને કાબુમાં લેવા માટે ૨૨ જિલ્લામાં અર્ધલશ્કરી દળોને તૈનાત કરી દીધા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઢાકાથી ૧૦૦ કિલોમીટર દૂર કામિલા નામની જગ્યાએ ઈશનિંદાના આરોપ પછી મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે. પોલીસે હિંસાને રોકવાના પ્રયાસ કર્યા હતા પરંતુ તે નિષ્ફળ રહ્યાં હતાં. ચાંદપુરના હાજીગંજ, ચત્તોરગ્રામના બાંસખલી અને કોકસ બજારના પેકુઆમાં હિંસક તોફાનો ફાટી નીકળ્યા છે. પરિસ્થિતિ કાબુ બહાર જતી રહી અને ત્યાર બાદ અનેક દુર્ગા મંદિરો પર રમખાણો ફાટી નીકળ્યા છે. આ રમખાણોમાં ઓછામાં ઓછા ત્રણ લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ચાંદપુરના હાજીગંજ વિસ્તારમાં પોલીસ અને ટોળા વચ્ચેની અથડામણ દરમિયાન ૩ના મોત થયા હતા.

કેન્દ્રીય ધાર્મિક મંત્રાલયે કાયદાને પોતાના હાથમાં ન લેવાની લોકોને અપીલ કરતી બાબત અંગે તાત્કાલિક નોટિસ જારી કરી છે. પ્રશાસને સામાન્ય લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. અધિકારીઓએ કહ્યું છે કે ગુનેગારોને છોડવામાં આવશે નહીં. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે અધિકારીઓને વહેલી તકે ગુનેગારોને પકડવાનો આદેશ આપ્યો છે.

રિપોર્ટ અનુસાર, પરિસ્થિતિ હાથમાંથી બહાર જતી જોઈને બાંગ્લાદેશ સરકારે દેશની પોલીસ રેપિડ એક્શન બટાલિયન (આરએબી) અને અર્ધલશ્કરી દળ એટલે કે બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (બીજીબી)ના આતંકવાદ વિરોધી એકમને તૈનાત કર્યા છે.