
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના એક દિવસના પ્રવાસે આવેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન સાથેની મુલાકાત બાદ જણાવ્યું હતું કે દુનિયા બદલી ગઈ પરંતુ અમારી મિત્રતા નહીં. રશિયન રાષ્ટ્રપતિએ પણ જણાવ્યું હતું કે ભારત મહાન શક્તિ અને ભરોસેમંદ મિત્ર છે. આ પહેલાં બંને દેશના સંરક્ષણ મંત્રી અને વિદેશમંત્રીઓ વચ્ચેની પહેલી ટુ પ્લસ ટુ બેઠક દરમ્યાન બંને દેશ વચ્ચે એકે રાઈફલ અંગે સોદો થયો હતો જે અનુસાર હવે ભારતમાં ૬ લાખ ૭૧ હજારથી વધુ એકે-૨૦૩ રાઈફલનું નિર્માણ થઈ શકશે.
બંને નેતાઓની મુલાકાતથી ભારત-રશિયાના અર્થતંત્રને ૬ લાખ કરોડ રૂપિયાના બુસ્ટર ડોઝનો માર્ગ મોકળો થયો છે. સૈન્ય ટેક્નોલોજી પરની સંધિ ભારે મહત્ત્વપૂર્ણ મનાય છે. પુતિન એક દિવસની ભારત યાત્રાએ દિલ્હી પહોંચ્યા હતા. હવાઈમથકેથી તેઓ સીધા હૈદરાબાદ હાઉસ પહોંચ્યા હતા જ્યાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું જોશભેર સ્વાગત કર્યું હતું. અહીં બંને દેશના નેતાઓ વચ્ચે વાર્ષિક મંત્રણા યોજાઈ હતી. બેઠક બાદ પુતિન અને મોદીએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે વીતેલા કેટલાંક વર્ષમાં દુનિયામાં ઘણા મૂળભૂત પરિવર્તનો આવ્યાં છે. દુનિયાએ ઘણા ભૂરાજનીતિક પરિવર્તન જોયાં છે પરંતુ ભારત અને રૂસની મૈત્રી અતૂટ રહી છે. તેમણે કહ્યું કે ભારત અને રશિયા વચ્ચેના સંબંધો અનોખા છે અને ભરોસાના પાયા પર ઊભા છે. તેમણે કહ્યું કે કોરોનાને કારણે દુનિયામાં અનેક મોટા પડકાર આવ્યા છે પરંતુ ભારત અને રૂસ વચ્ચેના સંબંધોમાં વધારો સતત જારી છે. અમારી રણનીતિક મોરચા પર ખાસ મિત્રતા સતત વધી રહી છે.
રાષ્ટ્રપતિ પુતિને ભારતને ભરોસાપાત્ર મિત્ર ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે અમે ભારતને એક મહાન તાકાત, મિત્ર દેશ અને ભરોસેમંદ સાથીના રૂપમાં જોઈ રહ્યા છીએ. બંને દેશ વચ્ચેના સંબંધ મજબૂત બની રહ્યા છે અને હું ભવિષ્ય તરફ જોઈ રહ્યો છું. રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું કે હાલમાં બંને દેશ વચ્ચે આશરે ૩૮ અબજ ડોલરનો વ્યાપાર છે. આ ઉપરાંત અમે સૈન્ય અને ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ મોટી ભાગીદારી ધરાવીએ છીએ. આ બેઠકમાં આતંકવાદ વિશે પણ ચર્ચા થઈ હતી અને પુતિને આતંકવાદ સામેના જંગમાં પણ ભારતે સાથ આપવાની ખાતરી આપી હતી. તેમણે કહ્યું કે અમે સ્વાભાવિક રીતે દરેક ચીજને લઈને ચિંતિત છીએ તેમાંથી આતંકવાદ પણ એક છે.