દુનિયા બદલાઈ રહી છે અને તેની સાથે વિશ્વની સંસ્થાઓએ પણ બદલવાની જરૂર છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ G20 સમિટના છેલ્લા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વાને G20ની અધ્યક્ષતા સોંપી હતી. આ સાથે પીએમે સમિટના સમાપનની જાહેરાત કરી. બ્રાઝિલ આવતા વર્ષે G20 સમિટનું આયોજન કરશે. PMએ સંસ્કૃત ભાષામાં કહ્યું – સ્વસ્તિ અસ્તુ વિશ્વસ્ય! એટલે કે સમગ્ર વિશ્વમાં આશા અને શાંતિનો સંચાર થાય. સમિટના છેલ્લા સેશન બાદ પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે દુનિયા બદલાઈ રહી છે અને તેની સાથે વિશ્વની સંસ્થાઓએ પણ બદલવાની જરૂર છે. તેમણે કહ્યું અત્યાર સુધી UNSCમાં એટલા જ સભ્યો છે જેટલા તેની સ્થાપના સમયે હતા. કાયમી દેશોની સંખ્યામાં વધારો થવો જોઈએ.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, નવેમ્બર 2023 સુધી G20ની અધ્યક્ષતાની જવાબદારી ભારતની છે. આ બે દિવસમાં તમે બધાએ ઘણા સૂચનો અને પ્રસ્તાવો આપ્યા. તેમની પ્રગતિને કેવી રીતે ઝડપી બનાવી શકાય તે જોવા માટે અમે જે સૂચન કરીએ છીએ તેની સમીક્ષા કરવાની અમારી ફરજ છે. હું રજૂઆત છે કે નવેમ્બરના અંતમાં G20નું વર્ચ્યુઅલ સેશન યોજીએ. આપણે આ વર્ચ્યુઅલ સેશનમાં સમિટમાં નક્કી કરાયેલા વિષયોની સમીક્ષા કરી શકીએ. હું આશા રાખું છું કે તમે બધા વર્ચ્યુઅલ સેશનમાં જોડાશો. આ સાથે હું G20 સેશનના સમાપનની ઘોષણા કરું છું.


2024ના G20 સમિટ માટે બ્રાઝિલને અધ્યક્ષ બનાવવામાં આવ્યું છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ G20નું પ્રમુખપદ પ્રાપ્ત કર્યા પછી કહ્યું આજે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપતા હું ખૂબ જ ભાવુક થઈ ગયો હતો. મારા રાજકીય જીવનમાં મહાત્મા ગાંધીનું કેટલું મહત્ત્વ છે. અમે એવી દુનિયામાં રહીએ છીએ જ્યાં સંપત્તિ વધુ કેન્દ્રિત છે, જ્યાં લાખો લોકો હજુ પણ ભૂખ્યા રહે છે, જ્યાં સતત વિકાસ હંમેશા જોખમમાં રહે છે, જેમાં સરકારી સંસ્થાઓ હજુ પણ પ્રતિબિંબિત કરે છે. આપણે અસમાનતાના મુદ્દા પર ધ્યાન આપીશું ત્યારે જ આપણે આ બધી સમસ્યાઓનો સામનો કરી શકીશું. આવકની અસમાનતા, આરોગ્ય સંભાળ, શિક્ષણ, ખોરાક, લિંગ-જાતિ અને પ્રતિનિધિત્વની અસમાનતા પણ તેમાં સામેલ છે. તેમણે કહ્યું કે બ્રાઝિલના રાષ્ટ્રપતિની 3 પ્રાથમિકતાઓ હશે.


G-20 સમિટના છેલ્લા દિવસે ભારત મંડપમમાં વન ફ્યૂચર સેશન શરૂ થયું. G20નું આ ત્રીજું સેશન છે. આ પહેલા જી-20 દેશોના નેતાઓએ વન અર્થ, વન ફેમિલી સેશનમાં ભાષણ આપ્યું હતું. સમિટ શરૂ થઈ તે પહેલા બ્રાઝિલ અને ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિઓએ પ્રધાનમંત્રી મોદીને છોડ ભેટમાં આપ્યા હતા. જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડન વિયેતનામના પ્રવાસે રવાના થયા હતા. આ પહેલાં G-20 દેશોના નેતાઓએ રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. અહીં મહાત્મા ગાંધીનું પ્રિય ભક્તિ ગીત ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઇ જાને રે…’ સાંભળ્યું હતું. વડાપ્રધાન મોદીએ તમામ નેતાઓનું ખાદીની શાલ પહેરાવી સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ તમામ નેતાઓને રાજઘાટ વિશે પણ માહિતી આપી હતી. સાથે જ, સાબરમતીના બેકડ્રોપ પર મહાત્મા ગાંધીની કહાની પણ જણાવી હતી.
સમિટના પ્રથમ દિવસે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. રશિયા-યુક્રેન યુદ્ધ પછી G-20ની પ્રથમ સંયુક્ત ઘોષણા પત્ર સામે આવ્યો. આ સિવાય ભારત, યુરોપ અને મિડલ ઈસ્ટ વચ્ચે ખૂબ જ મહત્ત્વપૂર્ણ આર્થિક કોરિડોર પર એક ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પછી તમામ મહેમાનોએ રાષ્ટ્રપતિ ડિનરમાં હાજરી આપી હતી. ઘણા મહેમાનો ભારતના પરંપરાગત પોશાકમાં જોવા મળ્યા હતા.


મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા માટે બ્રિટનના પીએમ ઋષિ સુનક, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન, રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ, ઈટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની, જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ, દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ, જાપાનના પ્રધાનમંત્રી ફ્યુમિયો કિશિદા, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન, કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો, સ્પેનના ઉપરાષ્ટ્રપતિ નાદિયા કેલ્વિનો, ઈજિપ્તના ઉપરાષ્ટ્રપતિ નાદિયા કેલ્વિનોનો સમાવેશ થાય છે. મિસ્રના રાષ્ટ્રપતિ ફતાહ અલ-સીસી, સિંગાપોરના વડાપ્રધાન લી સિએન લૂંગ, નેધરલેન્ડના વડાપ્રધાન માર્ક રુટ્ટે, મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જુગનાથ, ઓમાનના નાયબ વડાપ્રધાન અસદ બિન તારિક બિન તૈમુર અલ સઈદ, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના, યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ, વિશ્વ બેંકના પ્રમુખ અજય બંગા, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ)ના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનોમ સામેલ છે.
દિલ્હી અક્ષરધામ મંદિરના ડાયરેક્ટર જેએમ દવેએ જણાવ્યું હતું કે બ્રિટિશ પીએમ ઋષિ સુનકે મને કહ્યું હતું કે અમારે દર્શન કરવા છે. તમે અમને સમય જણાવો. ત્યારે અમે કહ્યું કે જ્યારે મન થાય ત્યારે આવજો. તેમણે કહ્યું હતું કે અમારે મંદિર જોવાનું છે. વહેલી સવારે જ તેઓ મંદિર પહોંચી ગયા અને તેમણે મંદિરમાં આરતી ઉતારી હતી. સંતોને મળ્યા. તેઓએ તમામ દેવતાઓની મૂર્તિઓ આગળ ફૂલો મૂક્યાં. તેમની પત્નીએ પણ પૂજા કરી હતી. ઋષિ સુનકે કહ્યું કે મને જ્યારે પણ તક મળશે હું આવતો રહીશ. તેમણે પોતાનો સમય મુખ્ય મંદિરમાં વિતાવ્યો. તેમણે મંદિરની બહાર પગરખાં ઉતાર્યા અને ખુલ્લા પગે આગળ વધ્યા. અમને લાગ્યું કે તેઓ સનાતનના ખૂબ જ નજીક છે.
બીજા સત્રની શરૂઆતમાં, પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્ર અધ્યક્ષ તરીકે તમામ સભ્ય દેશોની સંમતિથી નવી દિલ્હી ઘોષણાપત્ર પસાર કર્યો. ઘોષણાપત્ર પસાર થયા બાદ વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું તમામ દેશોએ નવી દિલ્હી ઘોષણાપત્રનો સ્વીકાર કર્યો છે. તમામ નેતાઓ એ વાત પર સહમત થયા છે કે G20 રાજકીય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટેનું પ્લેટફોર્મ નથી. ઘોષણાપત્રમાં યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ 4 વખત કરવામાં આવ્યો છે.


જયશંકરને આતંકવાદ અને G20માં આફ્રિકન યુનિયનના સમાવેશ પર પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તેના પર વિદેશ મંત્રીએ કહ્યું તમારે આ સમિટની તુલના બાલી સમિટ સાથે ન કરવી જોઈએ. બાલી એક વર્ષ પહેલાં હતું, હવે નવી દિલ્હી છે. યુક્રેનનો મુદ્દો અને ખાદ્ય સુરક્ષા જેવા મુદ્દાઓનો ઉલ્લેખ 7 ફકરામાં કરવામાં આવ્યો છે. મોદીએ જકાર્તામાં અને તે પહેલાં (તેમણે યુક્રેનનું નામ ન લીધું) તેમના સાથી નેતાઓ સાથે પણ વાત કરી હતી. આફ્રિકન યુનિયનના પ્રમુખ (સેનેગલના પ્રમુખ) ગયા વર્ષે બાલીમાં મોદીની મુલાકાતે આવ્યા હતા. ત્યારે તેમણે મોદીને કહ્યું કે અમને G20માં સ્થાન કેમ નથી મળતું? મને યાદ છે કે વડાપ્રધાને ત્યારે તેમને કહ્યું હતું હું તમને નવી દિલ્હીમાં G20 નું સભ્યપદ મેળવવાની ખાતરી આપું છું.
ભારતમાં આયોજિત જી-૨૦ બેઠકમાં રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન અને ચીનના પ્રમુખ શી જિનપિંગની ગેરહાજરી ઊડીને આંખે વળગી હતી. જિનપિંગના નહીં આવવાનું કારણ જાહેર થયું નથી, પરંતુ રશિયન પ્રમુખ પુતિન યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી દેશ છોડીને ક્યાંય જઈ નથી રહ્યા. તાજેતરમાં દક્ષિણ આફ્રિકામાં યોજાયેલા બ્રિક્સ સંમેલનમાં પણ તેઓ ગયા નહોતા. ટીકાકારોનું કહેવું છે કે રશિયન પ્રમુખ પુતિનને તેમની ધરપકડ થવાનો ડર છે. આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટે યુક્રેનમાં વોર ક્રાઈમ બદલ પુતિન વિરુદ્ધ ધરપકડ વોરન્ટ જાહેર કર્યું છે. આ પૃષ્ઠભૂમિમાં બ્રાઝિલના પ્રમુખ લૂલા ડી સિલ્વાને સવાલ કરાયો હતો કે પુતિન આગામી વર્ષે બ્રાઝિલ આવશે તો તેમની ધરપકડ થશે?


તૂર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગાને કહ્યું હતું કે જો ભારત જેવો દેશ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો કાયમી સભ્ય બનશે તો તૂર્કીને ગર્વ થશે. તે મીડિયાને સંબોધી રહ્યા હતા. એર્દોગાને આ દરમિયાન પ્રધાનમંત્રી મોદી સાથે દ્વિપક્ષીય મંત્રણા પણ કરી હતી. P5 એટલે કે યુએનએસસીના પાંચ કાયમી સભ્યો ચીન, ફ્રાન્સ, રશિયા, બ્રિટન અને અમેરિકાના સંદર્ભમાં તૂર્કીના રાષ્ટ્રપતિએ કહ્યું કે દુનિયા આં પાંચ દેશોથી ઘણી મોટી છે. તેમણે કહ્યું કે અમને ગર્વ થશે કે ભારત જેવો દેશ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો કાયમી સભ્ય બની જાય. આ ફક્ત અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, ચીન અને રશિયા માટે જ નથી. અમે સુરક્ષા પરિષદમાં ફક્ત આ પાંચ દેશોને જ રાખવા નથી માગતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આફ્રિકન યુનિયનને G20 પરિવારમાં ઔપચારિક રીતે સામેલ કર્યા પછી અજલી અસોમાનીને ગળે લગાવ્યા. જી-20 સમિટમાં ગૌરવની એ ક્ષણોને યાદ કરતા અજલી અસોમાનીએ જણાવ્યું હતું કે, ‘હું તો રડી પડવાનો હતો. મારા માટે એ ઘણી ભાવનાત્મક ક્ષણ હતી. મેં તો એવું જ વિચાર્યું હતું કે આ મુદ્દે અનેક વિચારવિમર્શ થશે, દલીલો થશે અને પછી નિર્ણય લેવામાં આવશે, પરંતુ સમિટની શરૂઆતમાં જ જાહેરાત કરવામાં આવી હતી કે અમે G20 ના સભ્ય છીએ.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here