દુનિયામાં ૫૪,૯૪,૨૮૭ લોકો કોરોના મહામારીથી પીડિત, મૃત્યુઆંક ૩.૫ લાખની નજીક

 

વોશિંગટનઃ દુનિયાભરના દેશોમાં પ્રસરી ચૂકેલી કોરોના મહામારી સતત ભયાનકરૂપ ધારણ કરતી જાય છે. વિશ્વસ્તરે કોરોનાથી પીડિતોની સંખ્યા દિવસે-દિવસે ચિંતાજનક રીતે વધી રહી છે. અમેરિકાની જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા અપાયેલી માહિતી મુજબ દુનિયાભરમાં કોરોનાના દર્દીઓનો આંકડો વધીને ૫૫ લાખની નજીક પહોંચી ગયો છે. આ આંકડો ૫૪,૯૪,૨૮૭ છે જેમાં મુત્યુ પામનારાઓની સંખ્યા ૩,૪૬,૨૨૯ સુધી પહોંચી ચૂકી છે. 

વિશ્વમાં કોરોના મહામારીથી ખતરનાક રીતે પ્રભાવિત દેશ અમેરિકામાં સંક્રમણથી મૃત્યુ પામનારાઓનો આંકડો ૧ લાખ સુધી પહોંચવા આવ્યો છે. અહીં કોરોનાગ્રસ્ત દર્દીઓના મોતનું પ્રમાણ પણ વધારે છે. જેથી અમેરિકાનો મૃત્યઆંક ૯૮,૨૧૮ પણ દુનિયાના અન્ય દેશોની સરખામણીએ સૌથી વધુ છે. અમેરિકામાં કોરોનાથી પીડિત કુલ ૧૬,૬૨,૩૦૨ કેસ સામે આવી ચૂક્યા છે અને એમાં સતત વધારો થતો જણાય છે.  

કોરોના મહામારીથી બીજો સૌથી પ્રભાવિત દેશ બ્રાઝિલ છે જ્યાં કોરોનાથી પીડિતોનો આંકડો ૩,૭૪,૮૯૮ સુધી પહોંચ્યો છે. બ્રાઝિલ પછી રશિયામાં ૩,૫૩,૪૨૭ કોરોના સંક્રમણના કેસ સામે આવ્યા છે. સૌથી વધુ કેસોના ઉતરતા ક્રમાંક ચોથા સ્થાને બ્રિટન છે અહીં ૨,૬૨,૫૪૭ કેસ સામે આવ્યા છે. જે પછી ૨,૩૫,૪૦૦ કેસ સ્પેનમાં, ૨,૩૦,૧૫૮ ઇટાલી, ૧,૮૩,૦૬૭ કેસ ફ્રાન્સમાં, જર્મનીમાં ૧,૮૦,૬૦૦ કેસ, તૂર્કીમાં ૧,૫૭,૮૧૪ કેસ, જે પછી ભારતમાં ૧,૩૭,૭૨૪ કેસ, પછી ઇરાનમાં ૧,૨૩,૯૭૯ કેસો સામે આવી ચૂક્યા છે. 

વિશ્વસ્તરે મૃત્યુઆંકમાં સૌથી વધારે અમેરિકા છે જે પછી બ્રિટનમાં ૩૬,૯૯૬ કોરોનાગ્રસ્ત લોકો દમ તોડી ચૂક્યા છે. યુરોપીયન દેશોમાં આ આંકડો સૌથી વધુ છે. કોરોના મહામારી ઇટાલીમાં ૩૨,૮૭૭ લોકોને ભરખી ચૂકી છે, જ્યારે ફ્રાન્સમાં ૨૮,૪૬૦ લોકો કોરોના સંક્રમણથી મૃત્યુ પામ્યા છે. સ્પેનમાં મૃત્યુઆંક ૨૬,૮૩૪ છે જ્યારે બ્રાઝિલમાં ૨૩,૪૭૩ મૃત્યુઆંક છે.

ભારત સહિત પાંચ દેશમાં કોરોનાનો સૌથી મોટો ખતરો હવે પછીના દિવસોમાં ખતરનાક બની શકે છે, જેમાં ભારત, રશિયા, પુરૂ, ચીલી અને બ્રાઝિલમાં અમેરીકાની જેમ કેસો વધી રહ્યા છે, પેરૂ-ચીલીમાં દરરોજ પાંચ હજારથી વધારે કોરોનાના કેસ જ્યારે રશિયામાં દરરોજ આઠ થી ૧૦ હજાર કેસ વધી રહ્યા છે.