દુનિયામાં હયાત માત્ર ૩ સફેદ જિરાફમાંથી ૨ની હત્યા થઈ ગઈ

0
953

 

કેન્યાઃ આફ્રિકામાં ૨૦૧૭માં એક જિરાફ અને એના બચ્ચાની તસવીર ઇન્ટરનેટ પર છવાઈ ગઈ હતી, કારણ કે આ જિરાફ અન્ય જિરાફની જેમ બ્રાઉન નહિ, પણ એકદમ સફેદ રંગનાં હતાં. જોકે હવે દુઃખદ અહેવાલ એવો આવ્યો છે કે આવાં માત્ર ત્રણ જિરાફ પૈકી માદા અને એના બચ્ચાની શિકારીઓ દ્વારા હત્યા કરવામાં આવી છે.

ઉત્તર પૂર્વી કેન્યાના એક ગામમાં એમના મૃતદેહ મળી આવ્યા છે. આવું એક માત્ર જિરાફ જીવતું છે અને હવે દુનિયામાં આ એક જ સફેદ રંગનું જિરાફ રહી ગયું છે.

વન વિભાગના કહેવા પ્રમાણે, મરનારાં બે જિરાફ ત્રણ મહિના પહેલાં દેખાયાં હતાં. આખા કેન્યા માટે આ દુઃખદ દિવસ છે.

આફ્રિકા વાઇલ્ડલાઇફ ફાઉન્ડેશનના કહેવા પ્રમાણે, એમ પણ જિરાફની વસતિ ઘટી રહી છે. માસ અને ચામડી માટે શિકારીઓ એમને મોતને ઘાટ ઉતારી રહ્યા છે. ૧૯૮૫માં જિરાફની સંખ્યા ૧.૫૫ લાખ હતી, હવે ઘટીને ૯૭૦૦૦ થઈ ગઈ છે.

મરનારાં સફેદ જિરાફ એક પ્રકારની જેનેટિક ખામી ધરાવતાં હતાં, જેને કારણે એમની ચામડીનો રંગ સફેદ હતો. (ગુજરાત ટાઇમ્સ સંકલન)