દુનિયાભરમાં વસતા મૂળ ધર્મજના વતનીઓ માટે ગ્લોબલ ઓનલાઇન લિન્કનું લોકાર્પણ


 ધર્મજમાં વૃક્ષારોપણ પ્રસંગે ગામના અગ્રણીઓ-વિદ્યાર્થીઓને સંબોધી રહેલા ગામના આગેવાન રાજેશભાઈ પટેલ. 

ધર્મજઃ ગામની પાદરે વડ હોય અને તેની આસપાસ ચોતરો હોય. આ ચોતરે બેસીને અલક-મલકની ચર્ચાઓ થતી હોય. મોટા ભાગના લોકો તેને ગામગપાટા કહેતા હોય છે. ચરોતર પ્રદેશમાં વૈશ્વિક ગામની ઓળખ ધરાવતા ધર્મજ કેળવણી મંડળના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત વિવિધ 75 કાર્યક્રમોનું આયોજન થયું છે. તે પૈકી ત્રણ કાર્યક્રમોના ત્રિવેણી સંગમ જેવું કામ ગામે કર્યું છે. ગામની પુત્રવધૂઓએ લીલાં વસ્ત્રો પહેરી નેવું વર્ષની ઉંમરનાં, પણ અડીખમ એવાં મંછાબહેન કશીભાઈ પટેલની આગેવાનીમાં 75 વૃક્ષોનું રોપણ કર્યું. ત્યાર બાદ ગામની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા સૌ વિદ્યાર્થીઓ દ્વારા ગામની ગલીઓમાં શિક્ષણરથ યાત્રા કાઢવામાં આવી.


ધર્મજમાં વૃક્ષારોપણ કરી રહેલા ગામના વયોવૃદ્ધ મંછાબહેન કશીભાઈ પટેલ સહિત ગામના આગેવાનો.
ધર્મજ ગામની પ્રગતિ અને દેશવિદેશમાં ખ્યાતિ ગામની શિક્ષણ પ્રત્યે સમય કરતાં વહેલાં આવેલી જાગૃતિને આભારી છે. ત્યારે શિક્ષણની મહત્તા અને સરસ્વતી વંદના સાથે અષાઢી બીજના દિવસે જગન્નાથજીની યાત્રા દ્વારા સંદેશ આપવાનું કામ વિદ્યાર્થીઓએ કર્યું હતું, જેમાં મુખ્ય સંદેશ એ હતો કે કેળવણી એટલે વ્યક્તિની વિચારશક્તિનો વિકાસ, કલ્પનાશક્તિનો વિસ્તાર અને નિર્ણયશક્તિની દઢતા દ્વારા વ્યક્તિનું સર્વાંગી ઘડતર. શિક્ષણ રથયાત્રા ગામમાં ફરીને સૌ ભાગોળે એકત્રીત થયા હતા, જ્યાં અગત્યનો કાર્યક્રમ એટલે ગ્લોબલ ડેટા કલેક્શન ફોર્મની ઓનલાઇન લિન્કનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ઉજવણી સમિતિના સભ્ય એવા રાજેશ પટેલે જણાવ્યું હતું કે 12મી જાન્યુઆરી, 2019ના રોજ ધર્મજ કેળવણી મંડળના અમૃત મહોત્સવનું સમાપન તથા 13મા ધર્મજ ડેની સંયુક્ત ઉજવણી કરવાનું આયોજન કરાયું છે,જેમાં ધર્મજિયન એટલે કે ધર્મજના મૂળ વતનીઓ, ધર્મજની લક્ષ્મીસ્વરૂપા દીકરીઓ તથા મંડળની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓને પણ આમંત્રણ આપવામાં આવશે. તેની તૈયારીના ભાગરૂપે વૈશ્વિક સ્તરેથી ડેટા મગાવવા આ લિન્ક ગામના દાતા પરિવારના મોભી અને શતાયુ ડાહ્યાભાઈ સોમાભાઈ પટેલના હસ્તે ગામના ચોતરેથી લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
આ લિન્કના માધ્યમથી સોળ વર્ષના યુવાનથી લઈ સો વર્ષના વડીલ સૌને જોડતી કડી શરૂ થઈ ગઈ છે. કુલ ત્રણ ભાગ, 21 ફિલ્ડ અને 14 સબ-ફિલ્ડ ધરાવતી આ લિન્કનો ઉપયોગ તદ્ન સરળ છે.
આમ ફરી એક વખત વૈશ્વિક ગામ ધર્મજે અનોખી તથા અનુકરણીય પહેલ કરી ગામના ચોતરેથી વિશ્વની અટારીએ ડોકિયું કર્યું છે. ધર્મજમાં હાલ વસતાં કુટુંબો કરતાં પણ વધુ પરિવાર પરદેશમાં સ્થાયી થયેલા છે. ત્યારે આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી વિશ્વફલક ઉપર પહોંચવાનો આ પ્રયાસ ખરેખર અભિનંદનને પાત્ર છે.

(તમામ ફોટોસૌજન્યઃ રાજેશભાઈ પટેલ, ધર્મજ)