દુનિયાનું સૌથી વધુ ભરોસાપાત્ર સ્થળ એ મિત્રનો ખભો હોય છે

0
1294

માણસને મળતી મોટા ભાગની વસ્તુઓ સુખ-સગવડો કે વૈભવ વારસામાં મળી જતાં હોય છે, પરંતુ સંપૂર્ણપણે પોતાની પસંદગીની કોઈ બાબત હોય તો તે મિત્રતા છે. મિત્રતા હંમેશાં સ્વપાર્જિત હોય છે. અને એની પસંદગીમાં આપણે સંપૂર્ણપણે મુક્ત હોઈએ છીએ. ઈશ્વરે દરેક માણસને આપેલી આ અણમોલ ભેટ છે. એમાં વડીલોપાર્જિત વારસાઈના દાવપેચ નથી હોતા.
હમણાં એક મિત્રદંપતી પાસે બેઠો હતો. વાત ચાલતી હતી એમની ઉંમરલાયક દીકરી અંગેની. કોલેજમાં ભણતી એમની દીકરી હમણાંથી કોઈ પણ કારણ વગર બસ ગુમસૂમ રહેતી હતી. તેની આ સ્થિતિ અંગે કોઈ કશું જાણી શકતું નહોતું. શહેરના શ્રેષ્ઠ સાઇકોલોજિસ્ટ પણ એમાં નિષ્ફળ રહ્યા હતા. આખરે તેઓએ તેની ખાસ બહેનપણીને આ કામ સોંપ્યું અને આશ્ચર્યજનક રીતે થોડીક જ મિનિટોમાં તેની ઉદાસીનું કારણ જાણવા મળી ગયું. પ્રશ્નનું સુખદ નિરાકરણ થઈ ગયું.
આ કિસ્સામાં એવી કોઈ અસામાન્ય ઘટના નથી. આપણા સૌનો એ અનુભવ હોય છે કે બે મિત્રો કે બે બહેનપણીઓ જ્યારે ભેગાં થાય ત્યારે એમની વચ્ચેનો સંવાદ બિલકુલ પારદર્શક હોય છે. એમાં કંઈ છુપાવવાનું હોતું નથી. માણસમાત્રનું દિલ તેના અંગત દોસ્ત આગળ અનાયાસ ખૂલી જતું હોય છે. આપણા સૌની એવી શ્રદ્ધા હોય છે કે મિત્રને કહેલી કોઈ વાત કે દુઃખનું કારણ હંમેશાં સલામત રહેશે અને એમાંથી કોઈ મદદ ચોક્કસ મળશે. સંસ્કૃતમાં એક સુભાષિત છે કે માણસના દુઃખના સમયમાં એનો શ્રેષ્ઠ મિત્ર કોણ હોઈ શકે? જવાબમાં કહેવાયું છે કે ‘ઘરનો ખૂણો’. મિત્રનું લેબલ લાગે એટલે ઘરનો નિર્જીવ લાગતો ખૂણો પણ જીવંત બની જાય છે અને એમાંથી આશ્વાસન મળે છે.
દુઃખની કોઈ વિકટ ઘડીમાં કે મુશ્કેલીઓથી ઘેરાઈ ગયા હોઈએ ત્યારે સાચા મિત્રનો સધિયારો જીવવાનું પ્રેરક બળ બની જતો હોય છે. મિત્રના ખભે માથું મૂકીને રડવાની બાબત એ વાતની ખાતરી આપે છે કે મિત્રનો ખભો એ દુનિયાનું સૌથી સલામત સ્થળ હોય છે જેનું ઉષ્ણતામાન હંમેશાં સમઘાત હોય છે.
‘મરીઝ’ એવું કહે છે કે હું દુનિયામાં ઘણા બધાનો કરજદાર છું. મારે બધાયનું ઋણ ચૂકવવું છે, પરંતુ એ ઉપકારો એટલા બધા છે કે જો અલ્લાહ એટલે કે ભગવાન ઉધાર આપે તો જ બધાનું ઋણ ઉતારી શકાય. આ બાબત મિત્રોના કિસ્સામાં લાગુ પડતી નથી. એક મિત્ર બીજાને માટે જે કંઈ કરે છે એમાં કેવળ નિઃસ્વાર્થ ભાવના હોય છે. એમાં ‘થેન્ક્યુ’ કે ‘આભાર’ જેવા ઔપચારિક શબ્દોની જરૂરિયાત રહેતી નથી. મિત્રતાની બુલંદ ઇમારતનો પાયો સ્વાર્થરહિત સ્પંદનો ઉપર રચાયેલો હોય છે. સુદામાના તાંદુલ માટે કૃષ્ણનો તલસાટ હોય કે દુર્યોધન માટેનો કર્ણનો આદર એ બન્ને ભલે સામસામા છેડાના મનોભાવો હોય, પરંતુ એમાંથી મહેક મળે છે. એ મિત્રતાની હોય છે. મિત્રતા એક એવો આવિષ્કાર છે જેનો તમે અનુભવ કરી શકો. કોઈ શબ્દ કે માધ્યમ થકી એનું આલેખન કે નિરૂપણ કરવું એ પાણીમાં ડિઝાઇન દોરવા જેવું હોય છે. મિત્રતાનું કોઈ નામ નથી, કોઈ સરનામું નથી. પેલા હિન્દી ફિલ્મી ગીતને થોડા શબ્દફેર સાથે કહીએ તો…
‘સિર્ફ અહેસાસ હૈ યે રૂહસે મહેસૂસ કરો,
દોસ્તી કો દોસ્તી રહને દો કોઈ નામ ન દો.
લિખતે-લિખતે લવ હો જાયે…
જાહેરાતની દુનિયા છે. પેનના લસરકાની વાત કરવામાં પણ લવ આવી જાય છે. કલ્પના રોમાંચક લાગે છે. અને એનો હેતુ પણ પ્રોડક્ટને અસરકારક રીતે રજૂ કરવાનો જ છે. આમ જોઈએ તો લખવાને અને પ્રેમને શું સંબંધ? સાવ ના હોય એવું પણ નથી, પરંતુ સામાન્ય રીતે આંખોથી આંખો મળવી કે અલપઝલપ મન મળી જવા થકી જ પ્રેમ થઈ જતો હોય છે. અહીં લખતાં-લખતાં પ્રેમ થઈ જવાની વાત છે. ખરેખર ખયાલ અચ્છા હૈ!
પરંતુ આપણે અહીં વાત કરવી છે ખરેખર લખનારાઓની, પેનના પ્રેમીઓની. એવું કહેવાય છે કે ‘પેન ઇઝ માઇટિયર ધેન સ્વોર્ડ’ અર્થાત્ કલમની તાકાત તલવાર કરતાં પણ અધિક છે અને એનાં સંખ્યાબંધ ઉદાહરણો પણ મોજૂદ છે. કલમ ચલાવનાર વિદ્વાન સર્વત્ર પૂજાય છે એવું આપણા સુભાષિતોમાં કહેવાયું છે. આ કલમ અને એના થકી જીવનારા લેખકો કોઈક જુદી જ માટીના ઘડાયેલા હોય છે. ‘જય જય ગરવી ગુજરાત’ના ગૌરવશાળી રચયિતા અને આપણી ભાષાના શક્તિશાળી લેખક ‘નર્મદ’ કલમને ખોળે માથું મૂકી આજીવન ખુમારીથી જીવ્યા હતા. નર્મદની કલમ એવી ચાલતી કે એના ઝપાટે ભલભલા ચડી જતા. અંધશ્રદ્ધા, વહેમ, સામાજિક નબળાઈઓ ઉપરનો તેનો પુણ્યપ્રકોપ, દેશપ્રેમ અને જુસ્સો નર્મદને અલગ ગરિમા આપે છે. કલમ માટે, કવિતા માટે કે શબ્દ માટે એ જીવનભર ઝઝૂમ્યો હતો અને સાચા અર્થમાં એ શબ્દનો બંદો હતો, ચાહક હતો.
અધ્યાત્મ અને ફિલોસોફીના ક્ષેત્રમાં મણિલાલ નભુભાઈ દ્વિવેદીનું નામ એક જમાનામાં ‘ઓથોરિટી’ ગણાતું. આજે પણ આ વિષયમાં એમનાં લખાણો એટલાં જ અધિકૃત ગણાય છે. મણિલાલની સંસ્કૃત શીલ ધરાવતી ભાષા અને અઘરી તથા દુર્ગમ ગણાતી આધ્યાત્મિક થિયરીઓને સરળ ભાષામાં મૂકવાની શૈલી એ કલમનો આગવો આયામ છે. મણિલાલને મળવા માટે દેશવિદેશના વિદ્વાનોની લાઇન લાગતી. જર્મન વિદ્વાનો એમને મળવા ખાસ એમના વતન નડિયાદમાં આવતા. આપણા યુગપ્રવર્તક સ્વામી વિવેકાનંદ પણ એમની સાથે જ્ઞાનગોષ્ઠિ કરવા માટે એમના ઘેર પધાર્યા હતા. નિખાલસતા અને દંભરહિત લખાણ જોવું હોય તો મણિલાલનું આત્મવૃત્તાંત જોવા જેવું છે. પ્રકાંડ વિદ્વાન મણિલાલે પોતાની નબળાઈઓ અને સ્ખલનોનું સત્યના ભરોસે આલેખન કર્યું છે. મણિલાલ જેવા શબ્દપ્રેમી મળવા મુશ્કેલ છે.
શબ્દના અસબાબ સાથે જીવનારની વાત અનોખી હોય છે. આવા ચીલો ચાતરનારા અને પોતાની રીતે જીવનારા લોકો પ્રત્યે આપણે થોડાક કુતૂહલથી અથવા થોડાક ઉપહાસથી જોઈ લેતા હોઈએ છીએ. હકીકતમાં જીવન જીવવાનો કસબ કે ફિલસૂફીમાં એ અવ્વલ નંબરે હોય છે. આપણે ધન, વૈભવ કે સફળતાના જે માપદંડો નક્કી કર્યા છે એમાં શબ્દની સફળતા કે લેખન વૈભવની ઉપલબ્ધિને સ્થાન આપ્યું નથી. અલબત્ત, લખવું એ પણ એક ગજબની ઉપલબ્ધિ હોય છે અને સામાન્ય રીતે ‘અનપ્રોડક્ટિવ’ લાગતી આ પ્રવૃત્તિમાંથી ઘણું બધું અને આશ્ચર્યજનક ભાથું પણ પ્રાપ્ત થતું હોય છે. શબ્દનું જગત નિરાળું હોય છે.
શબ્દને સહારે જિંદગી જીવનારાઓની અલગ દાસ્તાન હોય છે, નોખી પહેચાન હોય છે.

લેખક વરિષ્ઠ સરકારી અધિકારી છે.