દુનિયાનાં સૌથી યુવાન વડાં પ્રધાન સના મરીન

નવી દિલ્હીઃ ફિનલેન્ડમાં ૩૪ વર્ષનાં સના મરીન નવાં વડાં પ્રધાન બન્યાં છે. તેઓ ફિનલેન્ડના ઇતિહાસની સાથે દુનિયાનાં સૌથી યુવાન વડાં પ્રધાન બન્યાં છે. ફિનલેન્ડમાં અત્યારે પાંચ પક્ષની ગઠબંધન સરકાર છે. પાંચેય પક્ષનાં પ્રમુખ મહિલા છે! લેફ્ટ એલાયન્સનું નેતૃત્વ લી એન્ડરસો પાસે છે, જેઓ ૩૨ વર્ષનાં છે. સેન્ટર પાર્ટીનું સંચાલન કાટ્રી કુલમુની કરે છે, જેઓ પણ ૩૨ વર્ષનાં છે. ગ્રીન લીગ નામની પાર્ટી ૩૪ વર્ષનાં મારિયા ઓહિસ્લો, જ્યારે પીપલ્સ પાર્ટી ઓફ ફિનલેન્ડ ૫૫ વર્ષનાં એના હેનિકસન સંભાળે છે. દેશમાં ટપાલ કર્મચારીઓની હડતાલ ચાલી રહી હતી. એ હડતાલ અટકાવવામાં વડા પ્રધાન એન્ટી રીન નિષ્ફળ રહ્યાં હતાં. માટે સાથીપક્ષોએ તેમનું રાજીનામું માગ્યું હતું. પોતાનું કામ બરાબર ન કરી શકેલાં એન્ટીએ રાજીનામું આપી દેતાં તેમના સ્થાને સનાની નવાં વડાં પ્રધાન તરીકે પસંદગી થઈ છે. વડા પ્રધાનપદે ચૂંટાયા બાદ સના મરીને કહ્યું હતું કે વિશ્વાસ ફરીવાર કાયમ કરવા માટે આપણે ઘણું કામ કરવું પડશે. મેં મારી ઉંમર કે લિંગ વિશે ક્યારેય નથી વિચાર્યું. હું મારા રાજકારણમાં આવવાનાં કારણો અને એ ચીજો વિશે વિચારું છું, જેનો આપણે વિશ્વાસ જીત્યો છે. સનાનો જન્મ ૧૬ નવે.૧૯૮૫ના રોજ ફિનલેન્ડમાં થયો હતો. તેમણે ૨૦૧૨માં વહીવટી વિજ્ઞાનમાં ટેમ્પિયર યુનિ.થી સ્નાતક કર્યું. ૨૦૧૨માં તેમને ટેમ્પિયરનાં નગરપરિષદ માટે ચૂંટવામાં આવ્યાં. તેઓ ૨૦૧૩-૨૦૧૭ સુધી સિટી કાઉન્સિલના ચેરપર્સન રહ્યાં ૨૦૧૫માં સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યાં ત્યારે તેમની રાજકીય કારકિર્દી શરૂ થઈ હતી. એ પછી ૨૦૧૯માં તેમને કેબિનેટમાં સ્થાન આપી ટ્રાન્સપોર્ટ- કોમ્યુનિકેશન મિનિસ્ટર બનાવાયાં.