દુધ ઉત્પાદનમાં ભારત નં.૧, અર્થશાસ્ત્રીઓનું આ તરફ ધ્યાન નથી જતુંઃ વડાપ્રધાન

બનાસકાંઠાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસકાંઠા જિલ્લામાં દિયાદર નજીક સણાદરમાં રૂ. ૬૦૦ કરોડથી વધુ ખર્ચે બનાવેલી બીજી ડેરીનું લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાનના હસ્તે સણાદરામાં ૧૫૧ વીઘામાં નિર્માણ પામેલા બનાસ ડેરી સંકુલ, પોટેટો પ્રોસેસિંગ અને પ્રોડક્ટ યુનિટ તથા દૂધવાણી કોમ્યુનિટી રેડિયો સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત ભાજપના અધ્યક્ષ સી. આર. પાટીલ, બનાસ ડેરીના શંકરભાઇ ચૌધરી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

આ પ્રસંગે વડાપ્રધાને કહ્યું કે દેશનાના નાના ખેડૂતો દર વર્ષે રૂ. ૮.૫૦ લાખ કરોડનું દૂધ ઉત્પાદન કરે છે જે દુનિયામાં સૌથી વધારે છે. એટલું જ નહિ, તેમણે કહ્યું કે દૂધના ઉત્પાદનની કુલ કિંમત ઘઉં અને ચોખાના ઉત્પાદનથી વધારે છે અને નાના ખેડૂતો ડેરી ક્ષેત્રમાં સૌથી મોટા લાભાર્થીઓ છે. ઉદ્ઘાટન સમારોહ દરમિયાન મોદીએ કહ્યું કે, આજે ભારત વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક છે. કરોડો ખેડૂતોની આજીવિકા દૂધ પર નિર્ભર કરે છે. ભારત વાર્ષિક રૂ. ૮.૫૦ લાખ કરોડના મૂલ્યનું દૂધ ઉત્પાદન કરે છે જેના પર મોટા અર્થશાસ્ત્રીઓ સહિત અનેક લોકો ધ્યાન નથી આપતા.

આ પ્રસંગે મોદીએ કહ્યું હતું કે નવું ડેરી સંકૂલ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ છે. એ લગભગ ૩૦ લાખ લીટર દૂધની પ્રક્રિયાને સક્ષમ બનાવશે, લગભગ ૮૦ ટન માખણ, ૧ લાખ લિટર આઇસ્ક્રીમ, ૨૦ ટન કન્ડેન્સ્ડ મિલ્ક (ખોયા) અને ૬ ટન ચોકલેટનું દૈનિક ઉત્પાદન કરશે. બટાટા પ્રોસેસિંગ પ્લાન્ટ ફ્રેન્ચ ફ્રાઇસ, પોટેટો ચિપ્સ, આલુ ટિક્કી, પેટીસ વગેરે જેવા વિવિધ પ્રકારના પ્રોસેસ્ડ બટાટા ઉત્પાદનોનું ઉત્પાદન કરશે જેમાંથી ઘણી અન્ય દેશોમાં નિકાસ કરવામાં આવશે. બનાસ ડેરીના બાયો સીએનજી અને ગોબર ગેસ પ્લાન્ટનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, આ પ્લાન્ટ કચરામાંથી કંચન બનાવશે. તેનાથી સ્વસ્થતા અને સ્વચ્છતાનો સંકલ્પ સાકાર થશે. પશુપાલકોને ગોબરધનમાંથી રૂપિયા મળશે, ખેડૂતોને જૈવિક ખાતર મળશે અને લોકોને વીજળી-ઊર્જા મળશે. આ મોડલ આખા દેશમાં પહોંચે તે આવશ્યક છે તેમ તેમણે ઉમેર્યું હતું.

આ પ્લાન્ટમાં ૩૦ લાખ લિટર પ્રતિદિનની દૂધ પ્રક્રિયા ક્ષમતા છે જે વધારીને ૫૦ લાખ લિટર પ્રતિદિન કરી શકાશે. પ્લાન્ટમાં ૧૦૦ ટન પ્રતિદિન બટર ઉત્પાદન ક્ષમતા, ૧ લાખ લિટર પ્રતિદિન આઇસ્ક્રીમ પ્લાન્ટ, ૨૦ ટન પ્રતિદિન ખોયા તેમજ ૬ ટન પ્રતિદિન ચોકલેટ એન્રોબિંગ પ્લાન્ટની વ્યવસ્થા છે. ડેરી પ્લાન્ટની બાજુમાં સદર સંકુલમાં જ ૪૮ ટન પ્રતિદિન પટાકા પ્રોસેસિંગની ક્ષમતા પણ છે. બનાસ ડેરી સંકુલ, દિયોદરમાં સહકારી ક્ષેત્રમાં સૌપ્રથમવાર બનાસ કોમ્યુનિટી એફએમ રેડિયો ૯૦.૪ સ્ટેશન ઉભુ કરવામાં આવી રહ્યું છે જે લોક શિક્ષણ અને પશુપાલનમાં ખૂબ જ ઉપયોગી થશે.