દીદીએ લોકતંત્રના સ્થાને લૂંટતંત્ર ઊભું કર્યુંઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી

 

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ અને દેશમાં સત્તારૂઢ ભાજપ વચ્ચે સત્તા માટેનો સંગ્રામ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. બંગાળની રાજકીય રણભૂમિમાં રવિવારે ખુદ વડા પ્રધાન પહેલીવાર ઉતરી પડયા હતા. કોલકાતાના ઐતિહાસિક બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ પર ખડા કરાયેલા મંચ પરથી બંગાળની જનતાને સંબોધતાં નરેન્દ્ર મોદીએ બંગાળના મુખ્યમંત્રી પર પ્રહાર કર્યો હતો અને બંગાળીઓનો વિશ્વાસ જીતવાની ખાતરી આપી હતી.

વિશાળ સંખ્યામાં ઉમટેલા બંગાળી સમુદાયથી છલકાઇ ગયેલાં ભરચક મેદાનમાં મમતાની ‘વંશવાદી’ નીતિ પર પ્રહાર કરતાં મોદીએ કહ્યું હતું કે, જનતાની ‘દીદી’ એટલે કે, ‘મોટી બહેન’ બનવાનાં સ્થાને મમતાએ પોતાની ભૂમિકા પોતાના ‘ભત્રીજી’ની ‘ફઇ’ પૂરતી સીમિત બનાવી નાખી. ‘હમ દો હમારો દો’ કહીને મોદીને ગણ્યાગાંઠયા ઉદ્યોગોના મિત્ર ગણાવતા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પર પણ પલટવાર કરતાં મોદીએ કહ્યું હતું કે, દેશના ૧૩૦ કરોડ  લોકો મારા મિત્ર છે. તૃણમૂલ સરકારે લોકતંત્રના સ્થાને ‘લૂંટતંત્ર’ ઊભું કર્યું છે, તેવું કહેતાં વડા પ્રધાને ‘સબકા સાથ સબકા વિકાસ’ના મંત્ર સાથે બંગાળમાં ઘૂસણખોરી ખતમ કરાશે, તેવો કોલ આપ્યો હતો. 

મોદીએ કહ્યું હતું કે, મમતાએ આપનો ભરોસો તોડયો છે, પરંતુ અમે આપનો વિશ્વાસ જીતવા આવ્યા છીએ. ભાષણની શરૂઆતથી જ મમતા પર પ્રહાર કરતાં વડા પ્રધાને કહ્યું હતું કે, બંગાળે પરિવર્તન માટે દીદી પર ભરોસો કર્યો હતો, પરંતુ દીદી અને તેમના સાથીએ ભરોસો તોડી નાખ્યો. મમતા અને તેમના લોકોએ બંગાળને અપમાનિત કર્યું છે. અહીંની બહેન-બેટીઓ પર અત્યાચાર કર્યો છે, તેવા પ્રહારો મોદીએ કર્યા હતા. 

બંગાળમાં બદલાવનો ભરોસો અપાવતાં મોદીએ કહ્યું હતું કે, હું બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં આપ સૌને ‘આશોલ પોરિબોરતોન’નો વિશ્વાસ આપવા આવ્યો છું.  બંગાળના વિકાસ,  બંગાળમાં રોકાણ વધારવાના, બંગાળની સંસ્કૃતિની બહેન, બેટીઓની રક્ષા કરવાના પ્રયાસો માટે વિશ્વાસ અપાવું છું, તેવું તેમણે ઉમેર્યું હતું.