દિવ્ય, ભૌમ, પૈત્ર, માનુષ અને બ્રાહ્મ જેવા પાંચ મહાયજ્ઞ કરવાથી અન્ન શુદ્ધ થાય છે

0
1000

(ગતાંકથી ચાલુ)
બ્રહ્માએ બ્રાહ્મણોના હિત માટે દિવ્ય, ભૌમ, પૈત્ર, માનુષ અને બ્રાહ્મ, આ પાંચ મહાયજ્ઞ નિર્માણ કર્યા છે. પ્રતિદિન આ પાંચ મહાયજ્ઞ કરવાથી અન્ન શુદ્ધ થાય છે. એ પવિત્ર અન્ન જમવાથી મનુષ્ય શુદ્ધ થાય છે. આ પ્રમાણે ન કરવામાં આવે તો આ ચોખા પણ એક એક મૃગ અને એક એક પક્ષી છે એમ માનવું, અને તે આપનાર તથા જમનારનું મહામાંસ છે એમ સમજવું. મારી સુંદર પુત્રી તમારા પુત્રને આપી છે. તે મારી પુત્રી પ્રાણીઓના વધ કરનારની પુત્રી છે એમ તમારાં પત્નીએ કહ્યું. તેથી તમને મળવા માટે હું તમારા નિવાસે આવ્યો છું. તમારા ઘરમાં આચારનું પાલન, દેવ તથા અતિથિઓનું પૂજન અને પિતૃઓનું તર્પણ સારી પેઠે થાય છે કે કેમ તે જોવા માટે આવ્યો છું, પણ આમાંનું એક પણ કાર્ય તમે અહીં કરતા દેખાતા નથી. હું વ્યાધ છું તો પણ જીવોનો ઘાતક નથી. જ્યારે તમે તો અનેક પ્રાણીઓનો વધ કરનારા છો. મેં તમારા પુત્ર સાથે મારી દીકરીનાં લગ્ન કર્યાં તેથી હું મારો ધર્મ ચૂક્યો છું. હવે મારે મોટું પ્રાયશ્ચિત્ત કરવું પડશે.’ આમ કહીને વ્યાધે જાહેર રીતે સ્ત્રી જાતિને શાપ આપ્યોઃ સાસુ ક્યારેય વહુઓમાં વિશ્વાસ રાખશે નહિ અને વહુ સાસુને કદી પણ જીવતી જોવા ઇચ્છશે નહિ.’ આ શાપ આપીને ખરેખર તો વ્યાધે દીકરીના દુઃખનો બદલો લીધો હતો.
એ જ રીતે શુક્રાચાર્યે પણ દીકરીના દુઃખનો બદલો લીધો હતો. પદ્મપુરાણ અને વામનપુરાણ અનુસાર શુક્રાચાર્યની સોળ વર્ષની કન્યા અરજા અનુપમ સૌંદર્ય ધરાવતી હતી. એક દિવસ તે વનમાં ફરતી હતી ત્યારે મધુમત્ત નગરના દંડ રાજાએ તેને જોઈ. જોતાંવેંત સૌંદર્યથી ઘાયલ થઈ ગયો. દંડ રાજાએ અરજા સમક્ષ પ્રેમસંબંધ જોડવાની યાચના કરી. એ સમયે શુક્રાચાર્ય બહારગામ ગયા હતા. એટલે અરજા નમ્રતાથી બોલીઃ ‘રાજન, મારા પિતા ક્રોધી સ્વભાવના હોવાથી તમને બાળીને ભસ્મ કરી મૂકશે. અથવા રાજધર્મને અનુસરીને તમે મારી સાથે બળપૂર્વક અયોગ્ય સંબંધ જોડશો તોય મારા પિતા તમને બાળી નાખશે. માટે તમે ધર્મયુક્ત કર્મ દ્વારા વિનયથી મારા પિતા પાસે મારી માગણી કરો. નહિતર તમે મહાસંકટથી ઘેરાઈ જશો, કારણ કે મારા પિતા ગુસ્સે થાય તો ત્રણે લોકને બાળી નાખવા સમર્થ છે.’
અરજાએ આ રીતે દંડને સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ દંડ ન માન્યો. એણે અરજા નામનું ફૂલ બળજબરીથી સૂંઘ્યું. મસળ્યું. ને ચાલ્યો ગયો. અરજા રડવા લાગી. આશ્રમ પાસે બેસીને પિતાની રાહ જોવા લાગી. થોડી વારમાં શુક્રાચાર્ય આવી પહોંચ્યા. તેમણે ધૂળથી ખરડાયેલી અને હૈયાફાટ રુદન કરતી લાડકી દીકરી અરજાને જોઈ. વીતક જાણ્યું. પુત્રીની અવદશા જોઈને શુક્રાચાર્યના ક્રોધનો પારો સાતમા આસમાને પહોંચ્યો. રણટંકાર કરતા હોય એમ ગર્જ્યાઃ ‘એ દુષ્ટ દંડનો વિનાશ થશે એમાં સંશય નથી, કારણ કે તેણે બળતા અગ્નિની જ્વાળાનો સ્પર્શ કર્યો છે. હવે દંડના નગર પર ધૂળનો ભયંકર વરસાદ થયો. મારી દીકરી અરજાને ધર્મભ્રષ્ટ કરી એ કારણથી સાત દિવસમાં દંડ રાજા રાજ્ય, સૈન્ય, સેવકો અને વાહનો સહિત નાશ પામશે.’
એમ જ થયું. સાત દિવસની અંદર દંડ અને તેનું નગર ભસ્મરૂપ થઈ ગયું. દંડનો દેશ ધૂળની વૃષ્ટિના કારણે વેરાન અને ઉજ્જડ બની ગયો. ત્યારથી એ નિર્જન પ્રદેશ દંડકારણ્ય નામે જાણીતો થયો. જોકે ખરેખર તો દંડકારણ્ય એ શુક્રાચાર્યે પુત્રી અરજા પ્રત્યેના સ્નેહના કારણે દંડ રાજાને દીધેલા દંડનું પ્રતીક જ હતો.
એ જ શુક્રાચાર્યે પોતાની બીજી પુત્રી દેવયાની પ્રત્યેના પ્રેમને કારણે પહેલાં રાજા વૃષપર્વા અને ત્યાર પછી યયાતિને દંડ દીધો હતો. શ્રીમદ્ ભાગવત પુરાણ અને મત્સ્ય મહાપુરાણ અનુસાર દાનવોના રાજા વૃષપર્વાની રાજકન્યા શર્મિષ્ઠા દૈત્યગુરુ શુક્રાચાર્યની દીકરી દેવયાની અને બીજી સખીઓ સાથે જળક્રીડા કરી રહી હતી. પાણીમાંથી બહાર નીકળીને શર્મિષ્ઠાએ અજાણતાં જ દેવયાનીનું વસ્ત્ર પહેરી લીધું. દેવાયની ગુસ્સે થઈ ગઈ. તેણે શર્મિષ્ઠાને ઠપકો આપ્યો. એટલે શર્મિષ્ઠા પણ ક્રોધે ભરાઈ. એણે ઠેકડી ઉડાડીઃ ‘દેવયાની, તું ભિખારણ છે. તારા પિતા નીચા આસને બેસીને ભાટની જેમ મારા પિતાની સ્તુતિ કરે છે. હું દાન આપનારની દીકરી છું. તું દાન લેનારની દીકરી છે…’ આમ કહીને શર્મિષ્ઠાએ દેવયાનીને કૂવામાં ધકેલી દીધી. અને ત્યાંથી ચાલી ગઈ. થોડા સમય પછી ત્યાંથી પસાર થઈ રહેલા યયાતિ રાજાએ દેવયાનીને કૂવામાંથી બહાર કાઢી.
દેવયાની અપમાનથી સળગી રહી હતી. એણે દૂતી મારફત પિતા શુક્રાચાર્યને સંદેશો પાઠવ્યોઃ ‘શર્મિષ્ઠાએ મારું હડહડતું અપમાન કર્યું છે. એટલે હવે હું વૃષપર્વાના નગરમાં પગ મૂકીશ નહિ…’ શુક્રાચાર્ય દેવયાનીને મળ્યા. તેની દશા જોઈને દુઃખી થયા. તેમણે દીકરી સાથે નગર છોડીને બીજે ઠેકાણે જવાનો દઢ સંકલ્પ કર્યો. વૃષપર્વાએ આ જાણ્યું. એટલે દોડતા શુક્રાચાર્ય પાસે પહોંચ્યા. નગર ન છોડવાની વિનંતી કરી. શુક્રાચાર્યે કહ્યુંઃ ‘હવે હું તમારી સાથે નહિ રહી શકું. હું મારી પ્રાણપ્રિય કન્યાનું અપમાન કેમે કરીને સહન ન કરી શકું. જો તમને તમારા કલ્યાણની ચિંતા હોય તો મારી દીકરી દેવયાનીને પ્રસન્ન કરો, કારણ કે મારું જીવન તેના પર નિર્ભર છે. તેણે તમારા નગરમાં પગ ન મૂકવાની હઠ લીધી છે. એટલે હું પણ એ નગરમાં નહિ આવું.’
વૃષપર્વા શુક્રચાર્ય સાથે દેવયાની પાસે ગયા. એ કહે એમ કરવાની તૈયારી દર્શાવી. દેવાયની બોલીઃ ‘એક હજાર કુમારી કન્યાઓની સાથે તમારી કુંવરી શર્મિષ્ઠાને મારી દાસીના રૂપમાં જોવા માગું છું. મારા પૂજ્ય પિતાજી જ્યાં મારા વિવાહ કરશે ત્યાં શર્મિષ્ઠાએ મારી દાસી બનીને મારી સાથે આવવું પડશે.’ વૃષપર્વાએ દૂત સાથે શર્મિષ્ઠાને સંદેશો મોકલ્યો. શર્મિષ્ઠા પાલખીમાં બેસીને આવી પહોંચી. દેવયાનીને કહ્યુંઃ ‘હું સંકલ્પ કરું છું કે આજથી હું એક હજાર કન્યા સાથે તમારી દાસી તરીકે તમારી સાથે રહીશ. તમારા પિતા જ્યાં તમને આપશે ત્યાં પણ હું તમારી સાથે આવીશ. જે કોઈ ઉપાય કરવો પડે એ કરીને, અનેક કષ્ટ સહન કરીને પણ પોતાના દુઃખી પરિવારને સુખી બનાવવા પ્રયત્ન કરવો જોઈએ. એટલે હું તમારી દાસી બનીને તમે રહેશો ત્યાં રહીશ અને તમે કહેશો એમ કરીશ.’
દેવયાની ખુશ થઈ. સંતુષ્ટ થઈ. વૃષપર્વાની નગરીમાં પ્રવેશ કરવા તૈયાર થઈ. શુક્રાચાર્ય પણ દેવયાની સાથે નગરમાં આવવા તૈયાર થયા. પછી દેવયાનીની ઇચ્છાથી શુક્રાચાર્યે તેને યયાતિ સાથે પરણાવી. દેવયાનીના સુખને નજર સામે રાખીને તેમણે યયાતિને શિખામણ આપી કે, શર્મિષ્ઠાને ક્યારેય શય્યાસંગિની ન બનાવશો… યયાતિએ વચન આપ્યું. પણ ભમરો ફૂલથી ક્યાં સુધી દૂર રહે? યયાતિ અને શર્મિષ્ઠાનું મિલન થયું. બન્ને ચોરી ચોરી મળતાં રહ્યાં, પણ એક દિવસ દેવયાનીને જાણ થઈ જ ગઈ. એનો ક્રોધ દાવાનળની જેમ ભભૂકી ઊઠ્યો. એ શુક્રાચાર્ય પાસે દોડી ગઈ. ફરિયાદ કરી. શુક્રાચાર્ય ગુસ્સે થઈ ગયા. તેમણે યયાતિને શાપના રૂપમાં દંડ દીધો ઃ ‘હવે તમે ભોગ નહિ ભોગવી શકો. તમને તત્કાળ વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થશે.’ એ જ ક્ષણે યયાતિ વૃદ્ધ બની ગયો, પણ પછી દેવયાનીની હઠને લીધે જ યયાતિને શાપમુક્ત થવાનો ઉપાય પણ દર્શાવ્યો.’ (ક્રમશઃ)

લેખિકા વરિષ્ઠ પત્રકાર અને સંશોધક તથા ગાંધી શ્રમ સંસ્થાનમાં સમાજવિજ્ઞાન વિભાગમાં પ્રાધ્યાપિકા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here