દિવાળીની રજા માટે પેન્સિલવેનિયાના વિદ્યાર્થીની પિટિશનને સફળતા મળી

0
711

ન્યુ યોર્કઃ દિવાળીની રજા જાહેર કરવા માટે પેન્સિલવેનિયાના એક વિદ્યાર્થીએ કરેલી પિટિશનોને સફળતા મળી છે. બક્સ કાઉન્ટીમાં કાઉન્સિલ રોક સ્કૂલ ડિસ્ટ્રિક્ટ પેન્સિલવેનિયા દ્વારા સાતમી નવેમ્બર, 2018ના રોજ દિવાળીની રજા જાહેર કરવામાં આવી છે, જે સ્કૂલના વિદ્યાર્થી વીર સાહુને આભારી છે.

કાઉન્સિલ રોલ હાઈ સ્કૂલના જુનિયર વિદ્યાર્થી વીર સાહુએ 450થી વધુ હસ્તાક્ષર સાથે ઓનલાઇન પિટિશન કરી હતી, જેમાં દિવાળીને સત્તાવર રજા જાહેર કરવા માટે જિલ્લાના સત્તાવાળાઓને વિનંતી કરી હતી.
આ પિટિશન કરવાનું કારણ જણાવતાં સાહુએ ફોન પર જણાવ્યું હતું કે નાનો હતો ત્યારે દિવાળીની રજા લેતો હતો, પરંતુ

મોટા થયા પછી ખ્યાલ આવ્યો કે દિવાળીના દિવસે પણ કામ કરવું પડે છે.
આ પછી વીર સાહુએ સ્કૂલ બોર્ડ અને ડિસ્ટ્રિક્ટની એકેડેમિક સ્ટાન્ડર્ડ્સ કમિટી સમક્ષ બે અલગ અલગ પિટિશનો કરી હતી. સાહુએ કહ્યુું હતું કે અમેરિકામાં ક્રિસમસ, રોશ હશાનાહ અને યોમ કીપુર જેવા તહેવારોની રજાઓ શાળામાં હોય છે, પરંતુ દિવાળીની રજા હોતી નથી. આથી હિન્દુ વિદ્યાર્થીઓએ દિવાળીના દિવસે સ્કૂલે આવવું પડે છે અને દિવાળી ઊજવી શકતા નથી.

યુનિવર્સલ સોસાયટી ઓફ હિન્દુઇઝમના પ્રેસિડન્ટ રાજન ઝેડે કહ્યું કે જો સ્કૂલો અન્ય ધાર્મિક તહેવારોની રજા જાહેર કરતી હોય તો દિવાળીની રજા શા માટે નહિ?
રાજન ઝેડે પેન્સિલવેનિયાની તમામ પબ્લિક સ્કૂલ ડિસ્ટ્રિક્ટ્સ અને ચાર્ટર સ્કૂલોને દિવાળીની રજા મંજૂર કરવા વિનંતી કરી છે.