દિવાળીના દિન આવતા જાણી..

.

સ્વ. ઇન્દુલાલ ગાંધીની ‘ભાણી’ નામની એક કવિતા છે. આ કવિતાની પ્રથમ બે પંક્તિઓ નીચે મુજબ છેઃ
દિવાળીના દિન આવતા જાણી,
ભાદરમાં ધુએ લૂગડાં ભાણી.
એક વાર દીપાવલીના દિવસોમાં ઉપરની બે પંક્તિઓ પરથી મને નીચેની પંક્તિઓ સૂઝી હતીઃ
દિવાળીના દિન આવતા જાણી,
બાવાં-જાળાં જુઓ પાડતી ભાણી.
મૂળ કવિતામાં ‘ભાણી’નો અર્થ છે ‘ભાણી’ નામની ગરીબ સ્ત્રી. મારી કવિતામાં – જોકે કવિતામાં તો ન કહેવાય – કારણ કે, અત્યાર સુધી આગળ કશું સૂઝ્યું નથી, પણ મારી પૂરી નહિ થયેલી અને મોટા ભાગે પૂરી નહિ થનારી એવી કવિતાની ઉપરની બે પંક્તિઓમાં ‘ભાણી’નો અર્થ – સ્ત્રી. પણ ના – કોઈ પણ સ્ત્રી એવો અર્થ તો નહિ કરી શકાય; કારણ કે, અમેરિકા, રશિયા, ઇંગ્લેન્ડ જેવા દેશોમાં સ્ત્રીઓ બાવાં-જાળાં પાડે છે કે નહિ – દિવાળીના દિવસોમાં નહિ તો નાતાલના દિવસોમાં બાવાં-જાળાં પાડે છે કે તેની મને ખબર નથી. ભૂગોળના પ્રાધ્યાપક એવા એક મિત્રને પૂછ્યું તો કહે, ‘ભૂગોળના કોઈ પુસ્તકમાં આ અંગે કશું વાંચવામાં આવ્યું નથી, પણ તમે ગૂગલ પર સર્ચ કરો!’
લગભગ અર્ધો-પોણો દિવસ કોમ્પ્યુટર સામે બેસી રહેતા એક મિત્રને પૂછ્્યું તો કહે, ‘હું પ્રયત્ન કરીશ.’ પરંતુ આજ સુધી એમના તરફથી કશી માહિતી મળી નથી. ભારતનાં જુદાં-જુદાં રાજ્યોમાં સ્ત્રીઓ દિવાળી ઉપર બાવાં-જાળાં પાડે છે કે નહિ તેની માહિતી પણ, જાણકારોને પૂછવા છતાં, મળી શકી નથી. એટલે હાલ તરત તો મારી કવિતાની ‘ભાણી’ એટલે ‘ગુજરાતી સ્ત્રી’. દરેક ગુજરાતી સ્ત્રી કોઈ ને કોઈ ‘મામા’ની ‘ભાણી’ તો હશે જ. મામો નહિ હોય તેનેય કાણો મામો (અહીં પાછો ‘કાણો’નો અર્થ ‘અર્ધ અંધ’ નહિ, પણ ‘કહેણો – કહેવાનો મામો’ એવો છે.) તો હશે જ એટલે ‘ભાણી’નો અર્થ ‘ગુજરાતી સ્ત્રી’ એવો કરી શકાય એવો અમારા એક ભાષાવિજ્ઞાની મિત્રનો મત છે.
દિવાળીના દિવસો પાસે આવે છે ને ભાણીઓને શૂરાતન ચડે છે – બાવાંજાળાં પાડવાનું. ઈસવી સન પૂર્વેની ભાણીઓને પણ આવું શૂરાતન ચડતું ને એકવીસમી સદીની ભાણીઓને પણ એવું જ શૂરાતન ચડે છે. હાથમાં ખુલ્લી તલવાર લઈ, ઘોડા પર બેસી સમરાંગણમાં છૂમેલાં ઝાંસીનાં રાણી જેવું જ શૂરાતન હાથમાં ઝાડુ લઈ, લાકડાના ઘોડા પર ચડી, ગૃહાંગણમાં બાવાં-જાળાં પાડતી ભાણીઓમાં પ્રગટે છે. ગૃહાંગણ સમરાંગણમાં ફેરવાઈ જાય છે. જે રૂમનાં બાવાં-જાળાં પાડવાનાં હોય એ રૂમનો સામાન ડ્રોઇંગ રૂમમાં વચ્ચોવચ ખડકાય છે. ડેડ સ્ટોકનું તો જાણે સમજ્યા, પણ લિવિંગ સ્ટોક – જીવતા સામાનનો પ્રશ્ન ઘણો મૂંઝવણભર્યો હોય છે. ગૃહરાજા ઉપર ગૃહરાણીના હુકમો છૂટે છે – ‘પાંચ કલાક બહાર જતા રહો’, ‘ત્રણ કલાક પેલા રૂમમાં ને રૂમમાં રહો…’ વગેરે વગેરે. બાવાં-જાળાં પાડવાના દિવસોમાં એક મિત્રને ઘેર ગયો તો એ ઊર્ધ્વાસન (ઊંચા આસન) પર બેઠા હતા. પલંગ, એના પર પાટ, એના પર પંદર ગાદલાં અને એના પર મિત્ર! બાકીના બેય રૂમનાં બાવાં-જાળાં પાડી લેવામાં ન આવે ત્યાં સુધી મિત્રને ઊર્ધ્વાસન પરથી નીચે ઊતરવાની મનાઈ ફરમાવવામાં આવી હતી!
બાવાં-જાળાં પાડવાના મુદ્દા પર પતિના બે પ્રકાર જોવા મળે છેઃ પહેલો પ્રકાર છે – ‘ગુડ ફોર નથિંગ – કશાય કામના નહિ એવા.’ (મારો સમાવેશ આ પહેલા પ્રકારમાં કરવામાં આવે છે.) આવા ‘ગુડ ફોર નથિંગ’ હસબન્ડોની બાવાં-જાળાંના દિવસોમાં બહાર નિકાસ કરી દેવામાં આવે છે. આવા અમારા એક કામચલાઉ નિષ્ટકાસન પામતા – સાદા શબ્દોમાં કહીએ તો કામચલાઉ ધોરણે હાંકી કાઢવામાં આવતા – એક મિત્ર દર વરસે પાંચ રજા લે છે. એમણે ‘બાવાં-જાળાં નિષ્ટકાસન મંડળી’ની રચના કરી છે. એમાં અગિયાર સભ્યો છે. આ નિષ્ટકાસિત – હાંકી કઢાયેલા – મિત્રો આ દિવસોમાં પ્રવાસે જાય છે, ને જલસા કરે છે. આવા બીજા અનેક પતિઓ આ મંડળીમાં જોડાવા આતુર છે, પણ એમની પત્નીઓ મંજૂરી નથી આપતી!
અમારા બીજા એક મિત્રની પાંચ સાળીઓ શહેરમાં છે. એમનાં પત્ની અને બીજી એની પાંચ બહેનો – આજેય બહેનોએ સિન્ડિકેટ બનાવી છે. પાંચમાંથી ત્રણ બહેનોને ત્યાં એકસાથે બાવાં-જાળાં પડે અને આ ત્રણેયનાં બાળકો-પતિઓ બીજી ત્રણ બહેનોને ત્યાં એટલો વખત રહે. આવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. છેલ્લાં ત્રણ વરસથી આ વ્યવસ્થા સફળતાપૂર્વક ચાલી રહી છે. આ વ્યવસ્થાને કારણે સાઢુભાઈઓને એકબીજા આગળ હૈયું ખોલવાની તક મળે છે. પરિણામે એકને ડાયાબિટીસમાં ને બીજા ત્રણને બ્લડપ્રેશરમાં ઘણી રાહત રહે છે.
બીજો પ્રકાર છે – બાવાં-જાળાં પાડવાના દિવસોમાં પત્નીને મદદ કરનારા પતિદેવોનો. આના પાછા બીજા બે પેટાપ્રકારો છેઃ એક પ્રકાર છે પત્નીને હૃદયપૂર્વક મદદ કરનારા પતિદેવોનો (સ્વાભાવિક રીતે આવા પતિદેવોની સંખ્યા બહુ જ ઓછી હોય છે); બીજા છે કમને – પરાણે જોતરાયેલા પતિદેવોનો (સ્વાભાવિક રીતે આવા પતિદેવો જંગી બહુમતી ધરાવે છે). આ પતિદેવોના પાછા બે પેટાપ્રકારો છેઃ એક ભલે કમને – પણ જોડાયા પછી નિષ્ઠાપૂર્વક કામ કરે છે. બીજો પ્રકાર છે ડાંડ પતિદેવોનો! એ લોકો કામ કરે છે ખરા, પણ કામમાં ડાંડાઈ કરે છે. આ ડાંડ પતિદેવોના પાછા બે પેટાપ્રકારઃ પહેલા પ્રકારના પતિ ડાંડ તો ખરા જ, પણ પાછા અણઘડેય ખરા. એટલે કામમાં તો હૃદયપૂર્વકની ડાંડાઈ કરે જ, પણ પોતાના અણઘડપણાથી ઘરમાં નુકસાન પણ કરે! અમારા આવા એક ડાંડ મિત્ર દર વરસે દિવાળીની સાફસૂફી દરમિયાન ચારપાંચ રકાબીઓ ફોડે છે; પાંચસાત કપને કર્ણવિહીન (નાકાં વગરનાં) બનાવે છે; ત્રણચાર ઇલેક્ટ્રિક બલ્બ ફોડે છે; સ્ટીલનાં વાસણોમાં ચિરંજીવ ગોબા પાડે છે… વગેરે વગેરે. અમારા બીજા આવા ડાંડ અને અણઘડ મિત્રને એક વાર દિવાળીના દિવસોમાં પાંચ ઓશીકાં ગોઠવી એના પર પ્લાસ્ટરવાળો પગ લટકાવીને ત્રણ મહિના પડ્યા રહેવું પડેલું. બનેલું એવું કે એમનાં પત્ની એમને ટ્યુબલાઇટ સાફ કરવાની કામગીરી સોંપી ઘરથી નજીક આવેલા ગલ્લે શાક લેવા ગયાં. મિત્રે થોડો સમય તો મેગેઝિન વાંચવામાં ગાળ્યો. પછી પત્નીનો આવવાનો સમય થયો એટલે મિત્ર એક ઊંચું ટેબલ લઈ એના પર ચડી ટ્યુબલાઇટ સાફ કરવા લાગ્યા. પત્નીએ આવીને બેલ વગાડી. પત્ની પોતાને ઓન ટેબલ એટલે કે ઓન ડ્યુટી જોઈ શકે એવી સદ્ભાવનાથી મિત્રે ટેબલ પરથી જ હાથ લંબાવી સ્ટોપર ખોલવાનો હેરતભર્યો પ્રયોગ કર્યો. એમાં એમનાથી ટેબલના છેડે આવી જવાયું. ટેબલે પોતાના માલિકને બદલે સર આઇઝેક ન્યુટન તરફ પોતાની વફાદારી બતાવી ગુરુત્વાકર્ષણનો નિયમ પાળવાનો આગ્રહ રાખ્યો, પરિણામે મિત્ર પણ ટેબલ સાથે ભોંયતળિયા તરફ આકર્ષાયો. ટ્યુબલાઇટને આધારે ન લટકી શકાય એટલું તો મિત્ર સમજતા જ હોય છતાં, ‘ડૂબતો તરણું ઝાલે’ – એ કહેવત સાચી પાડવા મિત્રે ટ્યુબલાઇટ ઝાલી; પરંતુ, એમને લટકી રહેવામાં મદદ કરવાને બદલે ટ્યુબલાઇટે પણ નીચે પડવામાં એમનો સંગાથ કર્યો. આમ છતાં, એ વીરપુરુષે થોડું ઘસડાઈ, એક પગે ઊભાં થઈ, બારણું ખોલ્યું અને પત્નીનું ભાવભીનું સ્વાગત કર્યું. હું એ દિવસોમાં એમની ખબર કાઢવા ગયો ત્યારે મિત્રે મને ખાનગીમાં કહ્યું, ‘એકંદરે આપણે ફાયદામાં છીએ. બાવાં-જાળાં પાડવામાંથી મુક્તિ મળી ને આટલો બધો આરામ મળ્યો, અને પ્રભુકૃપાથી હજુ થોડા દિવસ મળશે.’
હે પ્રિય પુરુષવાચકો! તમે આમાંથી કયા પ્રકારમાં આવો છો?

ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા પ્રકાશિત લેખકના પુસ્તક ‘ૐ હાસ્યમ’માંથી સાભાર.