દિલ્હી હિંસામાં મૃતકોની સંખ્યા વધીને ૩૬, નાળામાંથી વધુ બે મૃતદેહ મળ્યા

 

નવી દિલ્હીઃ ઉત્તર-પૂર્વ દિલ્હીમાં છેલ્લા ત્રણ દિવસ સુધી ચાલેલાં ભીષણ તોફાનોને પગલે ફાટી નીકળેલી અરાજકતાની સ્થિતિ બાદ બુધવારે હાલત પ્રમાણમાં કાબૂમાં રહી હતી, પણ ભારેલા અગ્નિ જેવો તનાવ બરકરાર રહ્યો હતો. દિલ્હીના જે વિસ્તારો જાફરાબાદ, મોજપુર, ચાંદબાગ, ગોકુલપુરીમાં તોફાનો થયાં હતાં ત્યાં શાંતિ તો છે, પણ ભયનો માહોલ યથાવત્ છે. મોટા ભાગની દુકાનો હજુ બંધ છે. ગુરુવારે ગગનપુરી વિસ્તારના નાળામાંથી વધુ બે મૃતદેહો મળી આવ્યા હતા. બુધવારે આઇબીના કોન્સ્ટેબલ અંકિત શર્માની લાશ મળી હતી.

સીએએમુદ્દે શરૂ થયેલી બબાલ કોમી હિંસામાં પલટાઈ ગઈ હતી અને હુલ્લડોનો મૃત્યુઆંક વધીને ૩૬ થયો હતો, જ્યારે ઇજાગ્રસ્તોનો આંકડો વધીને ૨૦૦થી ઉપર પહોંચી ગયો હતો. બુધવારે સવારે પણ સંખ્યાબંધ સ્થળો પર આગજની અને પથ્થરમારાના બનાવોએ દહેશત ફેલાવી રાખી હતી. આ બધા વચ્ચે દિલ્હીનાં તોફાનો વિશે મૌન તોડતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શાંતિની અપીલ કરીને ભાઈચારો બનાવી રાખવા કહ્યું હતું. તો બીજી બાજુ, ગૃહમંત્રી અમિત શાહે પણ કોમી તનાવ પર નિયંત્રણ મેળવવા ઉચ્ચ સ્તરીય બેઠકો યોજી હતી. દિલ્હીમાં સ્થિતિને પૂર્વવત બનાવવાની જવાબદારી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલના હવાલે કરી દેવામાં આવી હતી. બુધવારે સવાર પડતાંની સાથે જ ફરી એકવાર ભજનપુરા વિસ્તારમાં તોફાનીઓ માર્ગો પર ટોળે વળ્યા હતા અને પથ્થરો હાથમાં લઈને આડેધડ ફંગોળતા જોવા મળ્યા હતા. પથ્થરમારો કરવાની સાથે કેટલીક દુકાનોને પણ બાળી નાખી હતી. તો બીજી બાજુ, ચાંદબાગમાં ગટરમાંથી એક આઇબી અધિકારીનો મૃતદેહ મળી આવ્યો હતો. મંગળવારે તે જ્યારે પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે લોહી તરસ્યા ટોળાનો તેઓ શિકાર બની ગયા હોવાનું કહેવામાં આવે છે.