દિલ્હી હિંસાઃ રાષ્ટ્રપતિ વડા પ્રધાનને રાજધર્મની રક્ષા કરવાના આદેશ કરે

 

નવી દિલ્હીઃ દિલ્હી હિંસાના મામલે કોંગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધી સહિતના નેતાઓ આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા હતા.

સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને આવેદનપત્ર આપીને અમિત શાહને ગૃહમંત્રીપદેથી હટાવવા માટે માગ કરી હતી. તેમણે કહ્યું હતું કે હિંસા રોકવા માટે કેન્દ્ર સરકારે કશું કર્યું નથી. આશા છે કે રાષ્ટ્રપતિ યોગ્ય કાર્યવાહી કરશે. દિલ્હી હિંસા દેશ માટે મોટી ચિંતા અને બદનામીનો વિષય બની છે.

સોનિયા ગાંધીની સાથે પૂર્વ વડા પ્રધાન ડો. મનમોહન સિંહ પણ પહોંચ્યા હતા. તેમણે દિલ્હી હિંસાને સરકારની મોટી નિષ્ફળતા ગણાવી હતી. કોંગ્રેસી નેતાઓના પ્રતિનિધિમંડળમાં ગુલામ નબી આઝાદ, પી. ચિદમ્બરમ્, મલ્લિકાર્જુન ખડગે, અહેમદ પટેલનો સમાવેશ થતો હતો.

સોનિયા ગાંધીએ કહ્યું હતું કે હિંસામાં કરોડોનું નુકસાન થયું છે. લૂંટફાટ, પથ્થરમારો અને ખૂન થયાં છે. પોલીસ અને ગૃહમંત્રી હિંસા રોકવામાં નિષ્ફળ ગયા છે. આશા છે કે રાષ્ટ્રપતિ કાર્યવાહી કરશે. લોકોનાં જીવ, સ્વતંત્રતા અને સંપત્તિની રક્ષા માટે અમે માગ કરી છે.