નવી દિલ્હીઃ છેલ્લા ત્રણ દિવસથી દિલ્હીમાં ખેલાઈ રહેલા હિંસાકાંડમાં પોલીસની નિષિ્ક્રયતાની ટીકા કરનારા દિલ્હી હાઇકોર્ટના જજ એસ. મુરલીધરની રાતોરાત બદલી કરી નાખવામાં આવી હતી. તેમણે અર્ધી રાત્રે પોતાના ઘરમાં કોર્ટ ભરી હતી અને બુધવારે હિંસા પર કાબૂ નહિ મેળવી શકવા બદલ પોલીસની ઝાટકણી કાઢી હતી. માહિતી મુજબ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશના ચીફ જસ્ટિસ શરદ અરવિંદ બોબડે સાથે ચર્ચાવિચારણા કર્યા બાદ મુરલીધરની પંજાબ હરિયાણા હાઇકોર્ટમાં બદલી કરી નાખી હતી. જોકે સરકારી પ્રવક્તાના જણાવ્યા મુજબ, ૧૨મી ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટના કોલેજિયમની બેઠક મળી હતી અને ત્યારે જ જજ મુરલીધરની બદલીનો નિર્ણય લેવાઈ ગયો હતો, એટલે દિલ્હી હિંસાકાંડમાં પોલીસની ટીકા કરવા બદલ તેમની બદલી કરવામાં આવી નથી. ગેરસમજ ન ફેલાય એ માટે આ સ્પષ્ટતા કરવામાં આવી હતી. આ જજ મંગળવારે રાત્રે પોતાને ઘેર કોર્ટ માંડી હતી અને પોલીસને એવી સૂચના આપી હતી કે ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં પહોંચાડો, તેમને મદદ કરો. બુધવારે કોર્ટમાં તેમણે એવું વિધાન કર્યું હતું કે અમે ૧૯૮૪નું પુનરાવર્તન નહિ થવા દઈએ. પોલીસની આકરી ટીકા કરવા ઉપરાંત તેમણે ભાજપના નેતાઓની વિડિયો-ક્લિપ્સ પણ કોર્ટમાં દેખાડી હતી.