દિલ્હી, રાજસ્થાનમાં લોકડાઉન

 

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં બેકાબૂ બનવા માંડેલા કોરોનાના સંક્રમણને નાથવા માટે સોમવારની રાતથી ૨૬મી એપ્રિલની સવાર સુધી સંપૂર્ણ લોકડાઉન લાગુ કરી દેવાયું છે. ઉપરાજ્યપાલ અનિલ બૈજલ અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની બેઠકમાં આ ફેંસલો કરાયો હતો. સરકારી કચેરીઓમાં અડધા સ્ટાફની છૂટ રહેશે. એ જ રીતે રાજસ્થાનમાં પણ અશોક ગેહલોતની કોંગ્રેસ સરકારે સોમવારથી ત્રીજી મે સુધી સંપૂર્ણ લોકડાઉન લાગુ કરી દીધું છે. રાજસ્થાન સરકારે આ લોકડાઉનને ‘જન અનુશાસન પખવાડિયું’ નામ આપ્યું છે. જરૂરી સેવાઓ સિવાય તમામ સેવા બંધ રહેશે. દિલ્હીમાં તમામ થિયેટર્સ, ઓડિટોરીયમ, સ્પા, જીમ, સ્વિમિંગ પુલ જેવી સુવિધાઓ સંપૂર્ણપણે બંધ રખાશે. મેટ્રો, બસસેવા ચાલુ રહેશે, પરંતુ ૫૦ ટકા યાત્રીઓની છૂટ રહેશે. એટીએમ, પેટ્રોલ પમ્પ ખુલ્લા રહેશે. મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ખાસ પત્રકાર પરિષદ સંબોધતાં જણાવ્યું હતું કે, કોરોના સામેની લડાઇમાં જનતાની મદદ જરૂરી છે. દિલ્હીની હોસ્પિટલોમાં દવાઓ, ઓક્સિજનની અછત છે ત્યારે દર્દીઓ વધતા રોકવા લોકડાઉન જરૂરી છે તેવું તેમણે ઉમેર્યું હતું.