દિલ્હી અક્ષરધામ સ્વામિનારાયણ મંદિરમાં પ. પૂ. પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની ઊજવણી

નવિ દીલ્હીઃ રાજધાની દિલ્હી સ્થિત અક્ષરધામના સર્જક પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની ઊજવણી કરવામાં આવી હતી. જેમાં ૮ હજારથી વધુ ભકતો, મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વિશેષત વિદ્વાન સંપાદક, પ્રતિષ્ઠિત પત્રકાર, લોકપ્રિય રાજનેતા, સન્માનિત વકીલ, ન્યાયાધીશ અને પ્રતિષ્ઠિત અધિકારી સમૂહે આ ઉત્સવનો લાભ પ્રાપ્ત કરી કૃતાર્થતા અનુભવી હતી. પ્રમુખસ્વામીનું બીજાના ભલામાં આપણું ભલુ એ જીવનસૂત્ર હતું. લોકહિત માટે તેમણે ૧૭ હજારથી વધુ ગામોમાં વિચરણ કર્યુ. ર.પ લાખથી વધુ ઘરોમાં પધરામણી કરી ઘર પાવન કર્યા. ૭.પ લાખથી વધુ પત્રો લખીને ભકતોના પ્રશ્નોનું સમાધાન કર્યુ. ૧ હજારથી વધુ સુશિક્ષિત યુવાનોને સાધુ કર્યા. દેશ-વિદેશના ૧૧૦૦થી પણ વધુ મંદિર તથા અક્ષરધામ જેવા સંસ્કૃતિના સ્મારકોને ભેટ આપી. અક્ષરધામ પરિસરમાં સાંજે ૬ વાગ્યે ધૂન, પ્રાર્થના બાદ સંસ્થાના વરિષ્ઠ સંતોએ ઉત્સવનો મંગલદીપ પ્રગટાવ્યો હતો. અક્ષરધામ પરિસરને કેસરીયા રોશનીથી ઝળહળતું કરાયું હતું. મંદિરના પ્રાંગણમાંથી અને દિલ્હીના દૂરદૂરના વિસ્તારો સુધી તેની આભા નિરખી શકાતી હતી. મહોત્સવના આરંભમાં બાળકો દ્વારા દિવ્યમ, ભવ્યાતિ ભવ્યમ સ્વાગત નૃત્યના તાલે વાતાવરણને દિવ્ય બનાવ્યું હતું. પૂ. ધર્મવત્સલ સ્વામીએ પૂ. પ્રમુખ સ્વામી મહારાજની ગુરૂભક્તિના સંવાદોની ઝાંખી કરાવી, પૂ. મુનિવત્સલસ્વામી અને પૂ. અક્ષરવત્સલ સ્વામીએ પૂ. પ્રમુખસ્વામી મહારાજની વિશિષ્ટ કાર્યશૈલી પ્રસ્તુત કરી હતી. પૂ. આનંદસ્વરૂપ સ્વામીએ પૂ. પ્રમુખસ્વામી મહારાજની અહંશૂન્યતા વિશે અનુભવેલા પ્રસંગોનો અદ્ભૂત લાભ આપ્યો હતો. આ પ્રસંગે પૂ. પ્રમુખસ્વામીએ કરેલી સેવાની ગાથા ગાતા સંવાદો અને નૃત્યોની પ્રસ્તુતિ ઉર્જાપ્રેરક હતી. મંચસ્થ મહાનુભાવોએ અક્ષરધામની ગરિમા ગંગાથી સૌને આનંદિત કર્યા હતા. પૂ. ઇશ્વરચરણ સ્વામીએ પ્રેરક ઉદબોધન થકી પ્રમુખસ્વામી મહારાજના જન્મોત્સવ પર્વ સ્વામીના ચરણોમાં અહોભાવપૂર્વક વંદના કરી હતી. કાર્યક્રના અંતમાં સુરત ખાતે બિરાજતા પૂ. મહંત સ્વામીના વિશાળ સ્ક્રીન પર દર્શન થયા. તેઓશ્રીએ આશિર્વાદ પાઠવતા જણાવ્યું હતું કે, પ્રમુખસ્વામી મહારાજ મનથી અલિપ્ત હતા. તેઓ સદા માનતા કે બધું ભગવાન અને ગુરૂ જ કરે છે અને એમના આશિર્વાદથી જ બધું થાય છે. અંતે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ભાવસભર વંદના કરતું નૃત્ય રજુ થયું હતું. સૌએ મહાપ્રસાદીનો લ્હાવો લઇને ધન્યતા અનુભવી હતી.