દિલ્હીવાલોં, આપને ગજબ કર દિયા , આઈ લવ યુ: ચૂંટણીમાં વિજયી બન્યા બાદ અરવિંદ કેજરીલાલના ઉદગાર …

0
1224

 

            આજે મંગળવારે સવારે દિલ્હીનું પ્રભાત કંઈક જુદા મિજાજને લઈને, જુદા ઉલ્લાસ સાથે ઊગ્યું હતું. દિલ્હીની વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાબત સમગ્ર દિલ્હીવાસીઓનાં મનમાં ઉત્સુકતા હતી…દિલ્હીની પ્રજાએ ઉમેદવારના નામ અને કામનું માપ તોળી તોળીને મત આપ્યા હતા. આખરે દિલ્હી વિધાનસભાની 70 બેઠકોના પરિણામો જાહેર થયાંઃ આમ આદમી પાર્ટીને 62 બેઠકો પર જીત મળી, ભાજપને કેવળ 8 બેઠકો પર જીત મળી અને કોંગ્રેસનો ધબડકો થયો …

     આમ આદમી પાર્ટી સતત ત્રીજી વાર બહુમતી મેળવીને સત્તા પર આવી રહી છે…દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, આ વિજય એ તો દિલ્હીના તમામ પરિવારોનો વિજય છે, જે પરિવારે મને તેમનો દીકરો માન્યો છે. આ જીત તો એ સામાન્ય પ્રજાજનોની જીત છે કે, જેમને સતત 24 કલાક વીજળી મળી રહી છે. જેમને પાણીનો પુરવઠો પ્રાપ્ત થઈ રહ્યો છે, જેમના પરિવારજનોનો બીમારીમાં મફત ઈલાજ કરવા માટે મોબાઈલ  – દવાખાના દિલ્હીમાં ઠેર ઠેર શરૂ કરવામાં આવ્યા છે. જ્યાં આવનારા દરદીઓનો નિશુલ્ક ઈલાજ કરવામાં આવી રહ્યો છે. દિલ્હીના ગરીબ અને મધ્યમવર્ગના લોકોના બાળકોને શાળામાં ઉચ્ચ પ્રકારનું – કવોલિટી એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. એ સહુએ મને મને વિજય આપાવ્યો છે. 

      દિલ્હીના લોકોએ આજે નવા પ્રકારના રાજકારણની દિશા ચીંધી છે. આ રાજનીતિ કાર્યની રાજનીતિ છે. દિલ્હીના મતદારોએ સંદેશ આપ્યો છે કે, વોટ એને જ મળશે, જે શાળાઓ બનાવશે. બાળકોના શિક્ષણની ચિંતા કરશે. ચૂંટણીમાં જીત એ પક્ષની જ થશે કે જે રાજકીય પક્ષ લોકોની સારવાર માટે દિલ્હીના મહોલ્લે મહોલ્લે મેડિકલ કલિનિક બનાવશે. દિલ્હીના લોકો એમને જ વોટ આપશે, જે લોકો દિલ્હીમાં ઘેરઘેર પાણી પહોંચાડશે. ધેર ધેર વીજળી પુરવઠો પહોંચાડશે. 

      શ્રી અરવિંદ કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે, જે  આમ લોકો માટે સડકો બનાવશે, તેને જ પ્રજા મત આપશે. દિલ્હીના મતદારોએ આ નવા પ્રકારના રાજકારણનો આરંભ કરી દીધો છે. આ દેશ માટે એક શુભ સંદેશ છે. આ નવી રાજનીતિ જ આપણા દેશને 21મી સદીમાં લઈ જશે. આ મારી જીત નથી, આ તો ભારતમાતાની જીત છે. સમગ્ર દેશની જીત છે. 

   શ્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, આજે મંગળવાર છે. મંગળવાર એ હનુમાનજીનો વાર છે. હનુમાનજીએ આજે દિલ્હી પર કૃપા વરસાવી છે. હવે હું હનુમાનજીને એટલી જ પ્રાર્થના કરું છું કે અમને માર્ગ દર્શાવતા રહેજો. આગામી પાંચ વરસોમાં દિલ્હીના લોકો એક સ્વચ્છ અને સુંદર દિલ્હીની રચના કરી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here