દિલ્હીમાં હેટ્રિક મારનારા બાહોશ મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલનું કદ અને પ્રભાવ હવે વધી રહ્યો છેઃ ભાજપ સામે વિરોધ પશ્રના કાફલાનું નેતૃત્વ કરવા તેમને આગ્રહ કરાય તો નવાઈ નહિ..

0
837

 

 અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ હેટ્રિક મારીને ભલભલા રથી- મહારથીઓના મનોરથ જમીનદોસ્ત કરી દીધા.. હવે દિલ્હીની પ્રદૂષિત હવામાં પણ ઉમંગ, ઉત્સાહ અને જોમની મહેક વરતાઈ રહી છે. દિલ્હીના મતદાતાઓએ કેજરીવાલના કામને મતો આપીને બિરદાવ્યું છે. સામાન્ય માણસની જીવન જરૂરિયાતો સરળ રીતે તેમને મળે , તે માટે કેજરીવાલે અનેક કામ કરી બતાવ્યા હતા. પાણી, વીજળી, આવાસ, શિક્ષણ અને વીજળી અને આરોગ્યની સુવિધા આમ જનતા માટે ખૂબ જરૂરી છે. અરવિંદ કેજરીવાલ દિલ્હીના લોકોની સમસ્યાઓને સમજી શક્યા છે, એ જ મહત્વની વાત છે. આથી જ એમણે લોકોના રોજિંદા જીવનની મુશ્કેલીઓને હળવી કરવા નિષ્ઠાપૂર્વક પ્રયાસો કર્યા હતા એ વાત પુરવાર થઈ ચુકી છે. ગુડ ગવર્નન્સનું આ ઉજળું ઉદાહરણ  છે. આ વિકાસનું મોડેલ અન્ય બિનભાજપી રાજ્યોએ પણ અપનાવવા જેવું છે. વિધાનસભાની ચૂંટણીમાં મતદારો એમની સ્થાનિક સમસ્યાઓનો ઉકેલ લાવી શકે એવા વિધાનસભ્યને મત આપતાં હોય છે. ભાજપ માટે દરેક સમયે એકસરખા મુદા્વાપરવા હવે જોખમી પુરવાર થઈ રહ્યા છે. સબકા સાથ, સબકા વિકાસનો નારો હવે લોકોને અસરકારક લાગતો નથી. એનું મુખ્ય કારણ સમજવું પડે. આમ આદમી પાર્ટીની આ યશસ્વી જીતે દેશના રાજકારણમાં અનેક પરિવર્તનો અને પડકારોની ભૂમિકા રચી દીધી છે. રાષ્ટ્રીય પક્ષ ગણાતા કોંગ્રેસ માટે દિલ્હીની ચૂંટણીનું પરિણામ શોકજનક છે, શરમજનક છે. સ્થાનિક પક્ષો માટે એક નવા ઉત્સાહનું નિર્માણ કરનારું છે. હવે રાજ્યોની પ્રદેશિક પાર્ટીઓ જો સમજી- વિચારીને પ્રજાના પ્રશ્નો હલ કરવાના નિષ્ઠાભર્યા પ્રયાસો કરશે, લોકોની ફરિયાદો સાંભળશે, એનું નિરાકરણ કરશે  તોજ પ્રજા મોટી મોટી બડાશો ફુકનારા પક્ષોને જાકારો આપશે. બહુજન સમાજપાર્ટીના માયાવતીએ જન- કલ્યાણના બદવે સ્વ- કલ્યાણનો માર્ગ અપનાવ્યો એટલે લોકોએ એમને સત્તાથી વિમુખ કરી દીધા. અરવિંદ કેજરીવાલનો વિજય એ લોકતંત્રમાં શ્રધ્ધા ધરાવતા દિલ્હીના લોકોનો વિજય છે એ વાત યાદ રાખવા જેવી છે.