દિલ્હીમાં ઠંડીનો ૧૧૯ વર્ષનો રેકોર્ડ તૂટ્યોઃ ૧૦૦થી વધુ લોકોનાં મોત

નવી દિલ્હીઃ દેશભરમાં અને ખાસ કરીને ઉત્તર ભારતમાં હાડ થિજાવતી ઠંડીનું મોજું ફરી વળ્યું છે, સોમવારે દિલ્હીમાં એટલી ઠંડી પડી કે તાપમાને ૧૧૯ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યોે. દિલ્હીમાં સોમવારે મહત્તમ ૯.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
દિલ્હીમાં વર્ષ ૧૯૦૧થી અત્યારસુધીનું સૌથી નીચું તાપમાન માનવામાં આવે છે, જ્યારે ઉત્તર ભારતનાં અન્ય શહેરોમાં પણ તાપમાન નીચું રહ્યું હતું, જેમ કે શ્રીનગરમાં માઇનસ ૬.૫ ડિગ્રી તાપમાન પહોંચી જતાં અહીંનું પ્રખ્યાત દાલ સરોવર થીજી ગયું હતું. જમ્મુમાં પણ ૩૭ વર્ષનું સૌથી નીચું ૨.૪ ડિગ્રી તાપમાન રાત્રે નોંધાયું, જ્યારે દિલ્હીમાં તાપમાન ીચું રહેતાં દિવસભર ભારે ધુમ્મસભર્યું વાતાવરણ રહ્યું હતું. દિલ્હીમાં ૧૯૦૧ બાદ આજે સૌથી નીચું તાપમાન રહ્યું, જેણે ૧૧૯ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો. ઠંડીની સાથે દક્ષિણપૂર્વ મધ્યપ્રદેશમાં ચક્રવાતી માહોલ છે, જ્યારે મધ્ય મહારાષ્ટ્ર, વિદર્ભ, મરાઠાવાડા, દક્ષિણી આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, તેલંગાણામાં એક-બે સ્થળે હળવો વરસાદ થયો હતો. અંદામાન-નિકોબારમાં વરસાદ પડ્યો હતો. જમ્મુમાં પહેલાંથી તાપમાને ૩૭ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. જમ્મુ-કાશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર, પ. બંગાળ, આસામમાં ઠંડી ચાલુ રહેવાની શક્યતાઓ છે. આ વર્ષે ઠંડીની સૌથી વધુ અસર ઉત્તર પ્રદેશના જનજીવન પર જોવા મળી છે. બે જ દિવસમાં ઉત્તર પ્રદેશમાં ઠંડીને કારણે ૬૫થી વધુનાં મોત થયાં છે, બિહારમાં ૪૦થી વધુ લોકોનાં મોત થયાં છે. એવાં ઘણાં રાજ્યો છે, જ્યાં તાપમાન રાત્રે માઇનસ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું, જેથી જે લોકો ફૂટપાથ પર સૂતા હોય તેમનાં જ વધુ મોત નીપજ્યાં હતાં. એવાં પણ રાજ્યો છે, જ્યાં મોટાં શહેરોમાં રેન બસેરા જેવી કોઈ સુવિધા ન હોવાથી આ ઠંડીમાં ગરીબ- મજૂરવર્ગ સૌથી વધુ મોતને ભેટે છે.