નવા વર્ષે ઇસરોના ચેરમેન કે. સિવન દ્વારા ચંદ્રયાન-૩ મિશનને લઈ કરાઈ મોટી જાહેરાત

નવી દિલ્હીઃ નવા વર્ષે ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠને પોતાના નવા સંકલ્પોને જાહેર કર્યા છે. વર્ષના પહેલા દિવસે ઇસરોના ચેરમેન કે. સિવને દેશને ખુશખબર આપતાં કહ્યું હતું કે મિશન ચંદ્રયાન-૩ના પ્રોજેક્ટને મંજૂરી મળી ગઈ છે અને એ દિશામાં કામ પણ શરૂ થઈ ગયું છે.
આ સાથે જ તેમણે કહ્યું હતું કે ગગનયાન મિશનનું કામ લગભગ પૂરું થઈ ગયું છે. ગગનયાન મિશનની ડિઝાઇનિંગનું કામ પૂરું થયું.
ચંદ્રયાન-૨ અંગે કે. સિવને વધુમાં કહ્યું હતું કે આ દિશામાં મોટી પ્રગતિ થઈ છે. જોકે એનું લેન્ડિંગ ધાર્યા મુજબ સફળતાપૂર્વક ન થઈ શક્યું, પરંતુ ઓર્બિટર હજુ પણ કાર્યરત છે. એ આગામી સાત વર્ષ સુધી કામ કરતું રહેશે અને સાયન્સ ડેટા આપતું રહેશે. આ સાથે જ તેમણે કહ્યું હતું કે બીજા સ્પેસ પોર્ટ માટે જમીન સંપાદનની કામગીરી શરૂ થઈ ગઈ છે અને આ પોર્ટ તામિલનાડુના ટુથુકુડીમાં હશે.
ઇસરોએ ચંદ્રયાન-૨ના ઓર્બિટર દ્વારા ચંદ્રની સપાટીની જે તસવીરો લેવાયેલી હતી ઐ ગયા ઓક્ટોબરમાં બહાર પાડી હતી. હાઇ રિઝોલ્યુશન કેમેરા દ્વારા લેવાયેલી તસવીરોમાં ચંદ્રની સપાટી ખૂબ જ સ્પષ્ટ જોવા મળી. અત્રે જણાવવાનું કે ઓર્બિટર ચંદ્રની કક્ષાના સતત ચક્કર લગાવી રહ્યું છે અને એ આગામી ૭.૫ વર્ષ સુધી કામ કરતું રહેશે. હકીકતમાં લેન્ડર વિક્રમે ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર ઊતરવાનું હતું, પરંતુ એના સોફ્ટ લેન્ડિંગ પહેલાં જ ભારતીય અંતરિક્ષ અનુસંધાન (ઇસરો) સાથેનો એનો સંપર્ક તૂટી ગયો હતો. (ગુજરાત ટાઇમ્સ સંકલન)