દિલ્હીમાં ઓક્સિજનની કમી અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું મુંબઈ મોડલથી શીખો

 

નવી દિલ્હીઃ દિલ્હીમાં ઓક્સિજનની કમીનો મામલો હવે સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો છે. આ મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું કે, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તેનું પાલન કરવું જોઇએ. અધિકારીઓને જેલ મોકલીને, અપમાનનો કેસ ચલાવીને દિલ્હીવાસીઓને ઓક્સિજન આપી શકાતું નથી, પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન થવું જોઇએ. બંને તરફથી સહયોગ હોવો જોઇએ.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ગઇ વખતે મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશને ઓક્સિજન સપ્લાયમાં ઘણું સારું કામ કર્યું હતું. શું એમની પાસેથી શીખી શકીએ છે? સોમવાર સુધી જણાવો કે દિલ્હીને ૭૦૦ મેટ્રિક ટન ક્યારે અને કેવી રીતે મળશે? કેન્દ્ર સરકારે કહ્યું કે, અમે મુંબઇ પાસેથી એમનો ઓક્સિજન મેનેજમન્ટનો મોડલ માંગ્યો છે, જેથી દિલ્હીની સાથે સાથે અન્ય રાજ્યોમાં પણ લાગુ કરી શકાય. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમે બફર સ્ટોક બનાવવા માટે સંકેત આપ્યા હતા. જો મુંબઇમાં કરી શકાય છે તો ચોક્કસપણે આ દિલ્હીમાં પણ થઈ શકે છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે તિરસ્કારથી કંઇપણ ફાયદો થશે નહીં. તમે જણાવો કે ઓક્સિજનને કેવી રીતે મેળવી શકીએ છીએ? કોર્ટને આ માર્ગ બતાવો. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને કહ્યું કે, અમે દિલ્હીના નાગરિકો પ્રત્યે જવાબદાર છીએ. અમે ૭૦૦ મેટ્રિક ટન માટેના ઓર્ડર પસાર કર્યા છે. અમે પછી તેની સમીક્ષા કરી શકીએ છે. મુંબઇ મોડલનું વિશ્લેષણ કરવામાં આવે. 

જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે, અમે જજ સિવાય નાગરિક પણ છીએ. લોકોને મદદ કરવાના પ્રયાસ કરી રહ્યાં છે. પરંતુ સ્થિતિ એવી છે કે અમે લાચારી અનુભવીએ છીએ. જ્યારે અમને એવું લાગે છે તો બીજા લોકોની શું સ્થિતિ હશે? સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પૂછ્યું કે, અમારા આદેશ બાદ ત્રણ દિવસમાં દિલ્હીને કેટલું ઓક્સિજન આપવામાં આવ્યું. આ અંગે કેન્દ્ર તરફથી જાણકારી આપવામાં આવી કે, ૩ મેના રોજ ૪૩૩ મેટ્રિક ટન, ૪ મે ૫૮૫ મેટ્રિક ટન અને આજ માટે અમે આંકડા મેળવીશું.