
ગુપ્તચર એજન્સીઓની સહાયથી દિલ્હીમાં ત્રાસવાદી હુમલો કરવાની યોજના નિષ્ફળ બનાવવામાં આવી હોવાના સમાચાર સત્તાવાર માહિતી સૂત્રોએ આપ્યા હતા. મામલામાં એક અફઘાની આત્મઘાતી હુમલાખોરની ઘરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. આ આતંકવાદી પર સુરક્ષા એજન્સીઓ 2017ના સમયગાળાથી ચાંપતી નજર રાખી રહી હતી. સુરક્ષા એજન્સીઓની સાવચેતી અને સૂઝને કારણે દિલ્હીમાં થનારો આ ત્રાસવાદી હુમલો ટાળી શકાયો છે. સમગ્ર દિલ્હીને અસ્તવ્યસ્ત કરી નાખવાની તેમની યોજના સદંતર નિષ્ફળ નીવડી છે. પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, આઈએસ દ્વારા તૈયાર કરવામાં આવેલો આ ત્રાસવાદી દિલ્હીમાં ઈજનેરી કોલેજના સ્ટુડન્ટ તરીકે લાજપતનગરમાં રહેતો હતો. તેની ધરપકડ બાદ તેને અફઘાનિસ્તાન મોકલી દેવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, એ આતંકવાદી અત્યારે અફઘાનિસ્તાનમાં અમેરિકી સૈન્ય બેઝમાં કેદ છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર, 12 આઈએએસ ત્રાસવાદીઓનું આ જૂથ પાકિસ્તાનમાં તાલીમ લીધા બાદ ભારતમાં અનેક સ્થળે બોમ્બ ધડાકા કરવાનું હતું.