દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમને સંબોધન કરનાર મોદી પ્રથમ ભારતીય વડા પ્રધાન

The Prime Minister, Shri Narendra Modi with the President of the Swiss Confederation, Mr. Alain Berset and the Chairman of the World Economic Forum, Professor Klaus Schwab, at the plenary session of the World Economic Forum, in Davos on January 23, 2018.

દાવોસઃ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં 48મી વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (ડબ્લ્યુઇએફ)ની બેઠકને સંબોધન કરી તેને ખુલ્લી મૂકી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન પ્રવચનમાં કહ્યું હતું કે દુનિયા સામે આતંકવાદ, ક્લાઇમેટ ચેન્જ અને રક્ષણવાદ સૌથી મોટા પડકારો છે. દુનિયા આજકાલ આ ત્રણ મુખ્ય પડકારોનો સામનો કરે છે. જે રીતે આર્કટિક ગ્લેશિયર ઓગળે છે તે પછી ક્લાઇમેટ ચેન્જનો સામનો કરવા આપણે સૌએ શું કરવાનું છે તે નક્કી કરવાનો સમય આવ્યો છે. આ માટે ભારતે માર્ચ, 2022 સુધીમાં 175 ગીગાવોટ રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન કરવાનું નક્કી કર્યું છે. 2025 સુધીમાં ભારતને પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવાનું લક્ષ્ય નક્કી કરાયું છે. 1997માં ભારતનું અર્થતંત્ર 400 અબજ ડોલર હતું, જેમાં છ ગણો વધારો થયો છે.
મોદીએ કહ્યું કે 1997માં પહેલી વાર ભારતના પીએમ દાવોસ આવ્યા હતા ત્યારે કોઈ ઓસામા બિન લાદેનને જાણતું નહોતું., હેરી પોટર નહોતો અને ગૂગલનો પણ જન્મ થયો નહોતો. એ વખતે પક્ષીઓ ટ્વિટ કરતા હતા, તો આજે માનવી ટ્વિટ કરે છે. સમય બદલાઈ ગયો છે ત્યારે ટેક્નિકને જોડવા, તોડવાનું કામ સોશિયલ મિડિયા કરે છે.
મોદીએ જણાવ્યું હતું કે જો તમારે અઢળક સંપત્તિની સાથે સાથે સુખાકારી જોઈતી હોય તો ભારતમાં આવો. વેલ્થ સાથે વેલનેસ જોઈએ તો ભારત આવો. ફોરમમાં મોદીએ હિન્દીમાં 50 મિનિટ પ્રવચન આપ્યું હતું અને સભ્યો દ્વારા તેમને સ્ટેન્ડિંગ ઓવેશન આપવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે દાવોસમાં ચાલી રહેલી ડબ્લ્યુઇએફની બેઠકમાં સંબોધન કરનાર નરેન્દ્ર મોદી દેશના સૌપ્રથમ વડા પ્રધાન બન્યા છે