દાનિશ સિદ્દીકીને ફરી મળ્યો પુલિત્ઝર પુરસ્કાર

 

પુલિત્ઝરઃ પત્રકારત્વ, સંગીત, ડ્રામા જેવા અલગ અલગ ક્ષેત્રોમાં પુલિત્ઝર પ્રાઈઝ અંગે જાહેરાત કરવામાં આવી. પુરસ્કાર વિજેતાઓની યાદીમાં ભારતીય પત્રકાર અદનાન અબિદી, સના ઈરશાદ મટ્ટુ, અમિત દવે, અને દિવંગત દાનિશ સિદ્દીકીને પણ મરણોપરાંત એવોર્ડ અપાયો છે. પુલિત્ઝર એવોર્ડ પત્રકારત્વના ક્ષેત્રે અમેરિકાનો સૌથી મોટો એવોર્ડ ગણાય છે. દિવંગત દાનિશ સિદ્દીકી, અદનાન અબિદી, સના ઈરશાદ મટ્ટુ, અને અમિત દવેને કોરોનાકાળમાં ભારતમાં ફોટોગ્રાફી માટે એવોર્ડ અપાયો છે. રોયટર્સના ફોટોગ્રાફર દાનિશ સિદ્દીકીનું અફઘાનિસ્તાનમાં ગત વર્ષે તાલિબાનના હુમલામાં મોત થયું હતું.

સિદ્દીકીને મરણોપરાંત એવોર્ડ અપાયો છે. ૩૮ વર્ષના દાનિશ સિદ્દીકી અફઘાનિસ્તાનમાં ડ્યૂટી પર હતા. ગત વર્ષે જુલાઈમાં કંધાર શહેરના સ્પિન બોલ્ડક જિલ્લામાં અફઘાન સૈનિકો અને તાલિબાન વચ્ચે થયેલા ઘર્ષણને કવર કરવા દરમિયાન તેમની હત્યા થઈ હતી. દાનિશને બીજીવાર આ પુરસ્કાર મળ્યો છે. આ અગાઉ વર્ષ ૨૦૧૮માં પણ ફીચર ફોટોગ્રાફી માટે પુલિત્ઝર ઈનામ મળી ચૂક્યું છે. તેમણે મ્યાંમારના અક્લિયતી રોહિંગ્યા સમાજ પર થઈ રહેલા અત્યાચારને દુનિયા સમક્ષ રજુ કર્યા હતા. પુલિત્ઝર પ્રાઈઝની શરૂઆત ૧૯૧૭થી થઈ છે. સિદ્દીકીએ દિલ્હીની જામિયા મિલિયા ઈસ્લામિયાથી ઈકોનોમીમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. ત્યારબાદ જામિયાની જ એજેકે માસ કમ્યુનિકેશન રિસર્ચ સેન્ટરથી ૨૦૦૭માં ફોટો જર્નાલિઝમની ડિગ્રી લીધી હતી.