દાદા હરિની વાવ

0
3389

અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી માતા ભવાનીની વાવથી તદ્દન નજીકમાં લગભગ 500-700 મીટર દૂર દાદા હરિરની વાવ આવેલી છે. આ વાવ માતા ભવાનીની વાવથી ઘણી મોટી તેમ જ મોટા વિસ્તારમાં આવેલી છે. લોકજીભે તે દાદા હરિની વાવ તરીકે જાણીતી છે.

ઐતિહાસિક પાર્શ્વ-ભૂમિકાઃ આ વાવ સુલતાન મહંમદ બેગડાના સમયમાં બાંધવામાં આવેલી છે. મહંમદ બેગડાનો જન્મ ઈ. સ. 1446માં થયો. 13 વર્ષની ઉંમરે તેને અમદાવાદની ગાદી પર ઈ. સ. 1458-59માં બેસાડવામાં આવ્યો. તેણે 54 વર્ષ રાજ કર્યું અને 67 વર્ષની ઉંમરે ઈ. સ. 1511માં તેનું અવસાન થયું. ઈ. સ. 1458માં આ વાવ બાંધવામાં આવી છે. મહંમદ બેગડાના કુટુંબમાં ઘરની દેખરેખ બાઈ હરિર સુલતાની રાખતી હતી અને તમામ ગૃહકામ તેના હસ્તક હતું. શાહી જનાનખાના (સ્ત્રીસમુદાયનો આવાસ જે ઓઝલમાં રહેતી હોય છે)નાં વડાં તરીકે બાઈ હરિર સુલતાની દ્વારા આ વાવ, મસ્જિદ તેમ જ મકબરો બંધાવવામાં આવ્યાં છે. આ મકબરામાં તેને દફનાવવામાં આવી હતી. વાવનો ઉપયોગ શાહી જનાનખાના દ્વારા કરવામાં આવતો હતો.

સ્થાપત્યઃ સમગ્ર સ્થાપત્યમાં વાવ, મસ્જિદ અને મકબરાનો સમાવેશ થાય છે. રસ્તા પરથી પ્રવેશીએ તો પહેલાં વાવમાં જવાનો પ્રવેશ આવે છે. આ પ્રવેશની બાજુમાંથી કેડી – રસ્તો વાવની પાછળ રહેલી મસ્જિદ અને મકબરા તરફ જાય છે. વાવ, પૂર્વ-પશ્ચિમ દિશામાં પથરાયેલી છે. પૂર્વમાં પ્રવેશદ્વાર પર વિશાળ છત્રી બાંધવામાં આવેલી છે. ત્યાંથી પગથિયાં ઊતરીને પશ્ચિમમાં રહેલા કૂવા સુધી જવાય છે. તે પાંચ માળની છે અને તેની ઉપર પાંચ મંડપ બાંધવામાં આવેલા છે.

જમીનથી પ્રથમ પગથિયાથી, છેક નીચે કૂવા સુધીના ઊતરવાના પગથિયાની પહોળાઈ એકસરખી રહે છે. લંબાઈ કુલ 72.5 મીટરની છે અને ઊતરવાનાં પગથિયાં બિલકુલ સીધી લીટીમાં જ ઊતરે છે. પાંચ માળની ઊંડાઈ ધરાવતી આ વાવ અંદર તરફથી શિલ્પકારીગીરીવાળા ઘણા બધા સ્તંભો પર રહેલી છે. દરેક માળ પર ઘણી જગ્યા રાખવામાં આવી છે, જેથી ઘણા લોકો એકસાથે ભેગા થઈ શકે. દરેક માળ પર હવાની અવરજવરની પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલી છે.
મુખ્ય પ્રવેશદ્વારની છત્રી ઉપરાંત જમીન પર, વાવનાં પગથિયાંની કુલ લંબાઈની મધ્યમાં, બે નાના ચંદરવા જેવી છત્રીઓ પગથિયાંની બન્ને બાજુએ બાંધેલી છે, જ્યાંથી વાવમાં અધવચ્ચે નાની ગોળ નિસરણીથી ઊતરી શકાય છે. આમ વાવમાં જમીનની સપાટીથી મુખ્ય પ્રવેશદ્વાર સહિત ત્રણ નિસરણીઓથી નીચે જવાય છે તે આ વાવનું આગવું ફીચર – લાક્ષણિકતા છે.

દરેક માળમાં બાજુની દીવાલો, ગોખલા અને થાંભલા પર કોતરણીઓ જોવા મળે છે. કૂવો અષ્ટકોણનો દેખાવ આપે છે. કૂવા પર પડતા તમામ માળના ઝરૂખા અષ્ટકોણીય છે. જમીન ઉપરથી કૂવાની બન્ને બાજુ ગોળ ફરતી નિસરણી છે, જે સીધી જ કૂવા પર પહોંચાડે છે. આ બન્ને નિસરણીઓની ઉપર જમીન પર ચાર થાંભલાની છત્રી બાંધવામાં આવેલી છે. કૂવો ઉપરથી આકાશ તરફ ખુલ્લો છે. વાવની પાછળના ભાગમાં મસ્જિદ અને મકબરાની બે અલગ અલગ ઇમારતો આવેલી છે. બન્ને પર સુંદર શિલ્પકામ કરવામાં આવેલું છે. મસ્જિદમાં બહારની બાજુ પડતો ઝરૂખો ખૂબ જ સરસ નકશીકામ ધરાવે છે.

લેખકઃ ગુજરાત સરકારના પૂર્વ અધિકારી અને ભૂસ્તરશાસ્ત્રી છે.