દાતા પ્રફુલ્લ પટેલ દ્વારા ચારુસેટ હોસ્પિટલને છ કરોડથી વધુ માતબર દાન

સ્વ. ચંચળબહેન કાંતિદેવ પટેલ નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ (એનઆઇસીયુ), સોનોગ્રાફી યુનિટ અને પીડિયાટ્રિક વિભાગ અને સ્વ. ઇન્દુમતીબહેન પ્રફુલકુમાર પટેલ વેઇટિંગ લાઉન્જનું નામાભિધાન પ્રફુલકુમાર પટેલ અને દાતા પરિવારના હસ્તે કરવામાં આવ્યું હતું. પ્રથમ તસવીરમાં વેઇટિંગ લાઉન્જના નામાભિધાન પ્રસંગે પ્રફુલ્લભાઈ પટેલ, કિરણભાઈ પટેલ, યશ પટેલ, ડો. ઉમાબહેન પટેલ, અંજલિબહેન પટેલ, સુરેન્દ્ર પટેલ, નગીનભાઈ પટેલ, વીરેન્દ્ર પટેલ, શૈલુભાઈ પટેલ સહિત મહાનુભાવો. (જમણે) ડિપાર્ટમેન્ટ ઓફ પીડિયાટ્રિક્સના નામાભિધાન પ્રસંગે ઉપસ્થિત દાતા પરિવારના સભ્યો. (બંને ફોટોઃ અશ્વિન પટેલ, આણંદ)

 

ચાંગાઃ શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળના ઉપક્રમે ચારુસેટ હોસ્પિટલ, ચાંગામાં ચતુર્વિધ નામાભિધાન કાર્યક્રમ અને દાતા પ્રફુલ્લકુમાર પટેલ અને પરિવારના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો.
સ્વ. ચંચળબહેન કાંતિદેવ પટેલ નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ (એનઆઇસીયુ), સોનોગ્રાફી યુનિટ અને પીડિયાટ્રિક વિભાગ અને સ્વ. ઇન્દુમતીબહેન પ્રફુલ્લકુમાર પટેલ વેઇટિંગ લાઉન્જનું નામાભિધાન પ્રફુલ્લકુમાર પટેલ અને દાતા પરિવારના હસ્તે કરવામાં આવ્યું હતું. વિવિધ વિભાગ અને યુનિટના દાતા પ્રફુલ્લકુમારના હસ્તે નામાભિધાન કાર્યક્રમ યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે ચારુસેટ હોસ્પિટલમાં સ્થપાયેલા વિવિધ યુનિટ અને વિભાગ અર્થે પ્રફુલ્લકુમાર પટેલ (પલાણા/બીલીમોરા) તરફથી રૂ. છ કરોડથી અધિક રકમનું માતબર દાન પ્રાપ્ત થયું છે. આ ઉપરાંત ચારુસેટ યુનિવર્સિટીમાં પણ તેમના તરફથી વધુ દાન મળ્યું છે. આ પરિવાર દ્વારા હંમેશાં ચારુસેટ કેમ્પસના બે પ્રોજેક્ટ યુનિવર્સિટી અને હોસ્પિટલ માટે અવારનવાર માતબર દાન મળતું રહ્યું છે.


સહિયારી સામાજિક, શિક્ષણ અને સ્વાસ્થ્ય યાત્રાના ઉદ્દેશ્યને ચરિતાર્થ કરતાં આગળ વધતા શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર સમાજ (માતૃસંસ્થા), શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળ, ચારુસેટ હેલ્થકેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનના સુકાનીઓએ તમામ દાતાઓના ઉદાર દાન થકી 450 બેડની વર્લ્ડ ક્લાસ મલ્ટી સ્પેશિયાલીટી ચારુસેટ હોસ્પિટલનું બીડું ઝડપ્યું છે.

આ પ્રસંગે યોજાયેલા સમારોહમાં સીએચઆરએફના ઉપપ્રમુખ અને કેળવણી મંડળના ટ્રસ્ટી વીરેન્દ્ર પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું. સીએચઆરએફના ખજાનચી અને કેળવણી મંડળના ઉપપ્રમુખ કિરણ પટેલે મહેમાનોનો પરિચય કરાવ્યો હતો. માતૃસંસ્થા-સીએચઆરએફના પ્રમુખ નગીનભાઈ પટેલ દ્વારા અને કેળવણી મંડળ અને ચારુસેટના પ્રમુખ સુરેન્દ્ર પટેલ દ્વારા દાતા પ્રફુલકુમાર પટેલનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
ચારુસેટ હોસ્પિટલનાં ચીફ ઓપરેટિંગ ઓફિસર (સીઓઓ) ડો. ઉમા પટેલ દ્વારા ચારુસેટ હોસ્પિટલની રૂપરેખા આપવામાં આવી હતી. માતૃસંસ્થા અને સીએચઆરએફના મંત્રી ડો. એમ. સી. પટેલ દ્વારા સહિયારી સ્વાસ્થ્ય યાત્રાની ઐતિહાસિક પાર્શ્વભૂમાં આજ પર્યંતની વિકાસગાથા – સ્થાપનાથી આરંભ કરીને ભવિષ્યની યોજનાઓની વિસ્તૃત વિગતો આપી હતી. તેમણે પ્રફુલ્લકુમાર પટેલના અમૂલ્ય સાથ અને સહયોગ માટે આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે પ્રફુલ્લકુમાર પટેલનું જીવન હંમેશાં મહેનત, વિશાળ દષ્ટિ અને ઉદારતા જેવા ઉમદા ગુણોથી ભરપૂર અને પ્રેરણાદાયી રહ્યું છે.
દાતા પરિવાર વતી પ્રતિભાવ આપતાં પ્રફુલ્લકુમાર પટેલનાં પુત્રી અંજલિબહેન કિરણભાઈ પટેલે (કમ્ફી પરિવાર) જણાવ્યું કે મારાં મોટાં કાકી ચંચળબા અને માતા ઇન્દુમતીબહેનની સ્મૃતિમાં દાનનો સંકલ્પ પિતાજીએ પરિપૂર્ણ કર્યો છે તે વાતનો ગર્વ અનુભવું છું. જ્યારે દાતા પ્રફુલ્લકુમાર પટેલે તેમના સન્માનના પ્રત્યુત્તર સ્વરૂપે ચારુસેટ હોસ્પિટલના નિર્માણમાં કંઈક અંશનો સહભાગી બનવા બદલ કેળવણી મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો અને હોસ્પિટલની સેવાની સુવાસ વિશ્વભરમાં પ્રસરે તેવી શુભકામના પાઠવી હતી.

આ પ્રસંગે ચારુતર વિદ્યામંડળના નવા ચૂંટાયેલા ચેરમેન ભીખુભાઈ પટેલ (ભરોડા) અને ઉપપ્રમુખ મનીષભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ચારુતર વિદ્યામંડળના ચેરમેન ભીખુભાઈ પટેલે ચારુસેટ હોસ્પિટલને રૂ. 25 લાખનું દાન જાહેર કર્યું હતું.
ચારુસેટના પ્રમુખ સુરેન્દ્ર પટેલે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. માતૃસંસ્થા અને સીએચઆરએફના પ્રમુખ નગીનભાઈ પટેલે સૌને સર્વ પ્રકારે સહિયારી સ્વાસ્થ્ય યાત્રામાં ભાગ લેવા આહ્વાન કર્યું હતું. કેળવણી મંડળ, માતૃસંસ્થા અને સીએચઆરએફના સહમંત્રી ધીરુભાઈ પટેલે આભારવિધિ કરી હતી.

આ પ્રસંગે કેળવણી મંડળના ટ્રસ્ટી વિષ્ણુભાઈ પટેલ, ઉપપ્રમુખ કિરણભાઈ પટેલ (કમ્ફી ફર્નિચર), જોઇન્ટ સેક્રેટરી મધુબહેન પટેલ, નવનીતભાઈ પટેલ (અજરપુરા), માતૃસંસ્થાના સહમંત્રી જશભાઈ પટેલ, સહિત કેળવણી મંડળ, માતૃસંસ્થા અને સીએચઆરએફના હોદેદારો-કારોબારી સભ્યો, ચારુસેટ હોસ્પિટલના ડોકક્રો તથા તમામ સ્ટાફ, બીલીમોરાથી દિગેન્દ્રનગર કેળવણી મંડળ પરિવારના અને કમ્ફી પરિવારના સભ્યો, સ્નેહીજનો-મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.