દસ આસિયાન દેશોના મહેમાનો સાથે ભારતના 69મા પ્રજાસત્તાક દિનની ઉજવણી

ભારતના 69મા પ્રજાસત્તાક દિન નિમિત્તે 26મી જાન્યુઆરી, 2018ના રોજ ન્યુ યોર્કસ્થિત ભારતીય કોન્સલ જનરલ સંદીપ ચક્રવર્તીના હસ્તે કોન્સ્યુલેટ સંકુલમાં ભારતીય તિરંગો લહેરાવવામાં આવ્યો હતો . (ફોટોસૌજન્યઃ પીટીઆઇ)

નવી દિલ્હીઃ ભારતના 69મા પ્રજાસત્તાક દિનની શુક્રવારે ઉજવણી કરવામાં આવી હતી. યુનાઇટેડ નેશન્સ, અમેરિકા, સાઉથ આફ્રિકા સહિતના દેશોમાં પ્રજાસત્તાક દિન ઊજવાયો હતો.
અમેરિકાસ્થિત ભારતીય રાજદૂત નવતેજસિંહ સરને વોશિંગ્ટનમાં ભારતીય એલચીકચેરીમાં ધ્વજવંદન કર્યા પછી મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ આપી હતી. ન્યુ યોર્ક ઉપરાંત સાન ફ્રાન્સિસ્કો, શિકાગો, હ્યુસ્ટન, એટલાન્ટામાં પણ ભવ્ય ઉજવણી થઈ હતી.
ભારતના પ્રજાસત્તાક દિને પાટનગર નવી દિલ્હીમાં ભવ્ય પરેડ યોજાઈ હતી. આ નિમિત્તે અગ્નિ એશિયાના દેશોના સંગઠન એસોસિયેશન ઓફ સાઉથ ઈસ્ટ નેશન્સ (આસિયાન)ના દસ નેતા અતિથિ તરીકે આ પ્રસંગે હાજર રહ્યા હતા.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમની શરૂઆત ઇન્ડિયા ગેટથી અમર જવાન જ્યોતિથી થઈ હતી.

પ્રજાસત્તાક દિનની પરેડમાં રાજપથ પર ગુજરાતનો ટેબ્લો દર્શાવાયો હતો. (ફોટોસૌજન્યઃ પીટીઆઇ)

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ માટે શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. તિરંગો ફરકાવ્યા પછી રાષ્ટ્રગીત વખતે 21 તોપની સલામી અપાઈ હતી. રાજપથથી લાલ કિલ્લા સુધીના પરેડના આઠ કિલોમીટરના માર્ગ પર સલામતી માટે વિમાનવિરોધી તોપો અને સ્નાઇપર્સ તૈનાત કરાયાં હતાં.

પ્રજાસત્તાક દિનની પરેડ દરમિયાન ભારતીય સેનાએ પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું હતું. પરેડ અને સાંસ્કૃૃતિક કાર્યક્રમો નિહાળવા જનમેદની હાજર રહી હતી. પ્રજાસત્તાક દિનની પરેડ પરેડમાં વિવિધ રાજયોના ટેબ્લો પ્રદર્શિત થયા હતા.