દસથી વધુ રાજયોમાં દલિતોનું ભારત બંધ હિંસકઃ સુપ્રીમનો સ્ટેનો ઇનકાર

(ડાબે) ઉત્તર પ્રદેશના લખનૌના હજરતગંજમાં વિરોધ પ્રદર્શન-સૂત્રોચ્ચારો કરી રહેલા દલિત સમુદાય અને દલિત સંસ્થાઓના કાર્યકરો. (ફોટોસૌજન્યઃ હિન્દુસ્તાનટાઇમ્સડોટકોમ) (જમણે) દલિતો દ્વારા વિવિધ રાજ્યોમાં ટ્રેનો રોકવામાં આવી હતી. (ફોટોસૌજન્યઃ સેવનસીન્યુઝ)

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી-એસટી કાયદાની જોગવાઈઓ હળવી કરવાના વિરોધમાં દેશભરના દલિતોએ સોમવારે ભારત બંધનું આપેલું એલાન દસ રાજ્યોમાં હિંસક બન્યું હતું, જેમાં દસનાં મોત થયાં હતાં. ભારત બંધ દરમિયાન અનેક રાજ્યોમાં દલિતોનાં ટોળાં માર્ગો પર આવ્યાં હતાં અને ઠેર ઠેર પથ્થરમારો-આગજની-વાહનો-સરકારી મિલકતોને આગ લગાડવા જેવા બનાવો બન્યા હતા. દેશભરમાં 10થી વધુ રાજ્યોમાં હિંસાની આગ ફેલાઈ હતી, જેમાં મધ્ય પ્રદેશમાં છ, ઉત્તર પ્રદેશમાં બે, રાજસ્થાન-બિહારમાં એક-એક વ્યક્તિ સહિત કુલ દસનાં મોત થયાં હતાં. બિહારમાં વૈશાલીમાં ટોળાએ એમ્બ્યુલન્સ વાન રોકતાં નવજાત બાળકનું મોત થયું હતું. મધ્ય પ્રદેશમાં મુરૈના અને ગ્વાલિયરમાં કરફ્યુ લાદવામાં આવ્યો હતો.
રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં બે જૂથો સામસામે આવતાં 30થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. પંજાબમાં બંધના કારણે સીબીએસઇની પરીક્ષા બંધ રખાઈ હતી. ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા, પંજાબ, રાજસ્થાનમાં માર્ગો જામ કરાયા હતા અને 100થી વધુ ટ્રેનો રોકવામાં આવી હતી. રાષ્ટ્રીય જનતા દળ, કોંગ્રેસ સહિત અનેક રાજકીય પક્ષોએ બંધને ટેકો આપ્યો હતો.
ત્રણ રાજ્યો પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશે હિંસાને કાબૂમાં રાખવા કેન્દ્ર સરકારની મદદ માગી હતી. પંજાબમાં હાઈવે બ્લોક કરાતાં વાહનવ્યવહારને માઠી અસર પડી હતી. છત્તીસગઢમાં બળજબરીથી બજારો બંધ કરાયાં હતાં. ઝારખંડમાં હજારો દેખાવકારોએ રસ્તાઓ બ્લોક કર્યા હતા. ઉત્તર પ્રદેશના મેરઠ, ગોરખપુર, મથુરા, આગ્રામાં ઠેર ઠેર તોફાનો થયાં હતાં.
દલિત સંગઠનોની માગણી છે કે સુપ્રીમ કોર્ટે એસસી-એસટી કાયદામાં જે સુધારા કર્યા છે તે રદ કરી કાયદો વધુ કડક બનાવવામાં આવે અને દલિતો પર અત્યાચાર કરતા કસૂરવારોને કડક સજાની જોગવાઈ કરવામાં આવે.

દરમિયાન સુપ્રીમ કોર્ટે એસસી-એસટી એક્ટ અંગે તેના 20મી માર્ચના ચુકાદાના અમલ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો છે. કોર્ટે કહ્યું કે કેન્દ્ર સરકારે આ ચુકાદા સામે કરેલી રિવ્યુ પિટિશન પર વિચારશે અને દસ દિવસ પછી સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટે આ સાથે જ આ મામલે સોમવારે બંધના એલાન વખતે હિંસા કરનારાઓની ઝાટકણી કાઢતાં કહ્યું કે આવા લોકોએ તેનો ચુકાદો યોગ્ય રીતે વાંચ્યો જ નથી અને સ્થાપિત હિત ધરાવતા લોકો દ્વારા તેઓ ગેરમાર્ગે દોરવાઈ ગયા છે. જસ્ટિસ એ. કે. ગોયલ અને જસ્ટિસ યુ. યુ. લલિતની બેન્ચે ભારપૂર્વક કહ્યું કે અમે એસસી-એસટી એક્ટની કોઈ જોગવાઈમાં ફેરફાર કર્યો નથી, પરંતુ જે નિર્દોષોની ધરપકડ થાય છે તેમના હિતનું રક્ષણ કર્યું છે. 10મી માર્ચે આ જ બેન્ચે ચુકાદો આપ્યો હતો.
બીજી બાજુ દલિત આંદોલનના વિરોધમાં રાજસ્થાનમાં નવેસરથી હિંસા ફાટી નીકળી હતી અને પાંચ હજારથી વધુના ટોળાએ બે દલિત નેતાઓનાં ઘર સળગાવ્યાં હતાં. (ગુજરાત ટાઇમ્સ સંકલન)

ગુજરાતમાં ઠેર ઠેર તોડફોડ, આગજની, ચક્કાજામ

અમદાવાદઃ દલિત સંગઠનો દ્વારા સોમવારે ભારત બંધના એલાનને અમદાવાદ સહિત ગુજરાતભરમાં ભારે પ્રતિસાદ મળ્યો હતો. અમદાવાદના સારંગપુર, અમરાઈવાડી, ચાંદખેડા, ગોમતીપુર, શાહીબાગ સહિતના 10થી વધુ વિસ્તારોમાં આગજની, પથ્થરમારો સહિતના બનાવો બન્યા હતા. 15 બીઆરટીએસ, 25 એએમટીએસ બસોને નુકસાન થયું હતું. ત્રણ સ્થળે પથ્થરમારો થયો હતો. 50 વાહનોમાં તોડફોડ કરાઈ હતી. શહેરમાં ઠેર ઠેર ટાયરો સળગાવી માર્ગો બ્લોક કરાયા હતા અને વાહનવ્યવહાર ખોરવાયો હતો. વડોદરામાં રેલવે સ્ટેશન પર બે માલગાડી રોકવામાં આવી હતી. સુરતમાં પોલીસે લાઠીચાર્જ કરી દુકાનો બંધ કરાવવા નીકળેલા 50ની અટકાયત કરી હતી. ભૂજ અને ગાંધીધામમાં દલિત સંગઠનો દ્વારા ચક્કાજામ થયું હતું. આ સિવાય નખત્રાણા, મુન્દ્રા, ભચાઉ, અંજાર, માધાપર, નલિયા, રાપર સહિતના વિસ્તારો શાંતિપૂર્ણ બંધ રહ્યા હતા. રાજકોટ-અમદાવાદ-લીમડી હાઈવે ચક્કાજામ થયો હતો. સુરેન્દ્રનગરમાં ટ્રેન રોકવામાં આવી હતી. ભાવનગરમાં દસ સિટી બસો પર પથ્થરમારો થયો હતો. પાલનપુરમાં દલિતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતુ.ં