દર વર્ષે આંખનાં હજારો નિઃશુલ્ક ઓપરેશન કરતી સંતરામ હોસ્પિટલ

આપણી ભારતીય સંસ્કૃતિ તથા આપણાં વેદ, પુરાણો, ઉપનિષદો તથા ભાગવત, રામાયણ અને ગીતામાં વિશ્વની સંસ્કૃતિઓને સેવા, તપ, ત્યાગ, સ્વાધ્યાય અને સાદગીમય જીવનનું મૂલ્ય સમજાવ્યું છે. આપણી ઋષિપરંપરા આશ્રમનું તપોમય જીવન અને આપણાં ગુરુકુળો વડે આપણે આપણા ધર્મ અને સંસ્કૃતિને રક્ષ્યાં છે, પરંતુ આજના યુવાધનની પશ્ચિમ તરફની દોટના કારણે આપણે આપણાં નૈતિક મૂલ્યો ગુમાવ્યાં છે. જેમનાં દર્શન માત્રથી શાંતિ મળે તે સંત અને જ્યાં જવાથી મનને શાતા મળે, હાશ વળે તે મંદિર. મંદિરમાં ધૂપસળીની સુગંધ સાથે સેવાની સુગંધ ભળે તો સોને પે સુહાગા. અવધૂત યોગીરાજ સંતરામ મહારાજે નડિયાદ પધારી આ ધરતીને આધ્યાત્મિક બનાવી અને ભક્તિની અસ્ખલિત ગંગા વહેવડાવી આ પરંપરામાં સાતમા મહંત બ્રહ્મલીન પ. પૂ. જાનકીદાસજી મહારાજ અને અષ્ટમ્ મહંત બ્રહ્મલીન પ્રાતઃસ્મરણીય પ. પૂ. નારાયણદાસજી મહારાજે પોતાના સમયગાળામાં મંદિરનો સર્વાંગી વિકાસ કરી માનવસેવાની મહેક ભારતમાં જ નહિ, પણ દેશ-વિદેશમાં પણ ફેલાવી અને સંતરામ મંદિર માત્ર સમાધિસ્થાન ન રહેતાં માનવસેવાનું મંદિર, માનવસેવાનું પિયર બન્યું.
સંતરામ મંદિરનાં સેવાકાર્યો પ્રત્યે માત્ર રાજ્ય સરકારનું જ નહિ, પણ કેન્દ્ર સરકારનું પણ ધ્યાન ગયું અને તેણે સંતરામ મંદિરની સેવાઓને માનવસેવાના ઉચ્ચતમ એવોર્ડ ‘કબીર એવોર્ડ’થી સન્માનિત કરી.


આ જ મહંતપરંપરાને યશસ્વી રીતે આગળ વધારી રહ્યા છે પ્રવર્તમાન મહંત પૂ. રામદાસજી મહારાજ. આપણે ત્યાં કર્તવ્યનું મહત્ત્વ છે. માણસ કે તેની હોશિયારી બોલે તે પહેલાં તેનું કામ જ બોલે છે. દરદીઓમાં પ્રભુનાં દર્શન કરી વિવેક, નમ્રતા અને લાગણીસભર સેવાશુશ્રૂષા એ જ સંતરામ મંદિરની વિવિધ સેવાઓનો આત્મા છે.
બ્રહ્મલીન મહંત પ. પૂ. નારાયણદાસજી મહારાજના આશીર્વાદ અને માર્ગદર્શનથી ચાલતી સદ્વિચાર સમિતિની સ્થાપના 10મી ઓગસ્ટ, 1958ના રોજ થઈ. તેને આજે 60 વર્ષ થયાં.
જનસેવાના સેવાયજ્ઞને અવિરત પ્રજ્વલિત રાખનાર સંતરામ મંદિર, નડિયાદને તબીબી પરીક્ષણો તથા નિદાન, ઉપચાર અને ઓપરેશનો સાથે અતિ આધુનિક સેવાઓ પૂરી પાડનાર તથા રૂપિયા દસ કરોડના ખર્ચે ‘સંતરામ હોસ્પિટ’નું નિર્માણ કરાયું છે. જેમાં તમામ પ્રકારની દરદીને સુવિધા આપવામાં આવે છે. બ્રહ્મલીન પૂ. જાનકીદાસજી મહારાજના શુભાશીર્વાદથી શરૂ થયેલી અને વટવૃક્ષની જેમ પૂ. બ્રહ્મલીન મહંત નારાયણદાસજી મહારાજના સમયકાળમાં વિસ્તરેલી માનવ જનસેવાની પ્રવૃત્તિને વર્તમાન મહંત પૂ. રામદાસજી મહારાજે બદલાતા સમયની સાથે વિસ્તૃત અને અદ્યતન સુવિધાથી સજ્જ બનાવી છે. નડિયાદ શહેરમાં 14મી ઓક્ટોબર, 2008ના રોજ ભૂમિપૂજનની સાથે 19મી ડિસેમ્બર, 2013ના રોજ વાસ્તુવિધિ સાથેની 300 બેડની આ હોસ્પિટલ સાકાર પામી છે, જેનું લોકાર્પણ કાર્ય મહંત પૂ. રામદાસજી મહારાજના આશીર્વાદ સાથે થયું, જ્યાં વર્ષમાં હજારો નહિ, લાખ્ખો દરદીની શસ્ત્રક્રિયા, વિવિધ ડિસ્પેન્સરી, તપાસ અને આધુનિક કસરતોની સેવાઓની સાથે ગ્રામવિસ્તારોમાં પણ તબીબી સેવાઓ ઊર્ધ્વગામી બની છે. અંદાજે દરરોજ 2500થી વધુ દરદીઓ સારવાર-સેવા મેળવે છે એ સંસ્થાને સંતરામ મહારાજની આ ‘સંતરામ હોસ્પિટલ’ અનન્ય અવર્ણનીય બની રહી છે.
આ હોસ્પિટલમાં નેત્રચિકિત્સા માટે નવ તજ્જ્ઞ ડોક્ટરો સેવા આપે છે. સંતરામ નેત્ર ચિકિત્સાલય છેલ્લાં કેટલાંય વર્ષથી અવિરત વિનામૂલ્યે આંખનાં ઓપરેશનની સેવા આપે છે. આ અદ્યતન હોસ્પિટલ થવાથી ફેકો મશીનથી ઓપરેશનની સુવિધાઓ પ્રાપ્ત થશે. આ ઉપરાંત એક્સ-રે, સોનોગ્રાફી, લેબોરેટરી, સીટીસ્કેન, એમઆરઆઇ, ઇસીજી એમ્બ્યુલન્સ સેવા, ઓક્સિજન બેન્ક, નિઃશુલ્ક ઔષધકેન્દ્ર, ફિઝિયોથેરપી જેવી સુવિધાઓ આમ જનતાને પૂરી પાડવામાં આવે છે. આમ, સંતરામ મંદિર દ્વારા આરોગ્ય, શિક્ષણ, સંસ્કાર, યુવાઘડતર તથા આપત્તિ સમયે સમાજસેવાની પ્રશંસનીય સેવાઓ કરવામાં આવે છે.
ગુજરાત સરકાર તરફથી સંતરામ નેત્ર ચિકિત્સાલય (નડિયાદ)ને 2006થી 2009 સુધીના વર્ષ માટે રાષ્ટ્રીય અંધત્વ નિયંત્રણ કાર્યક્રમમાં ગુજરાતમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવામાં આપેલા પ્રથમ નંબરનું યોગદાન માટે પ્રશસ્તિપત્ર સન્માન સાથે આપવામાં આવ્યું છે.
કોઈ પણ પ્રકારે પ્રાણીમાત્રની સેવા એ જ સાચું ઈશ્વરપૂજન છે તે સંદેશ દેશ-વિદેશમાં સંતરામ મંદિર તેમની વિવિધ માનવસેવા દ્વારા ફેલાવે છે અને ફેલાવતું રહેશે. સંતરામ હોસ્પિટલમાં આંખનાં દરેક જાતનાં દરદોની તપાસ અને સારવાર તથા ઓપરેશન કરાય છે અને દવાઓ પણ આપવામાં આવે છે. વળી, દરદી તથા તેની સાથેના સગા (બરદાસી)ને મફત રહેવા, જમવા, ચા-નાસ્તો વગેરે પણ આપવામાં આવે છે.
સંતરામ હોસ્પિટલમાં આંખની તપાસ તથા ઓપરેશન માટે અદ્યતન સાધનો વસાવવામાં આવ્યાં છે, જેમાં ઓપ્થેલ્મોસ્કોપ, ઇનડાયરેક્ટ ઓપ્થેલ્મોસ્કોપ, ઓટોકી ફ્રેકો મીટર, કીરોટોમીટર, લેન્સોમીટર, નોન-કોન્ટેક્ટ ટોનોમિટર, સિનોપ્ટોફોર, પેરોમીટર, સ્લીટ લેમ્પ, યાગ લેસર, એ સ્કેલ તથા ફેકો મશીન છે. સંતરામ આરોગ્ય સેવાની રાહબરી હેઠળ પ્રતિવર્ષ નડિયાદમાં અને ગુજરાતમાં તથા ગરીબ આદિવાસી વિસ્તારોમાં વિવિધ રોગોના નિઃશુલ્ક આરોગ્ય કેમ્પો, જેવા કે હર્નિયા, ચામડીના રોગો તથા અન્ય રોગોના તથા વિકલાંગોને કેલિપર્સ આપવાના કેમ્પો વર્ષમાં ઘણા યોજવામાં આવે છે, જેની પાછળ અંદાજે 20થી 25 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે.

લેખક સાહિત્યકાર છે.