દક્ષિણ ભારતના સુપરસ્ટાર થલાઈવા રજનીકાંતના રાજકારણને રામ-રામ

 

નવી દિલ્હીઃ દક્ષિણ ભારતના સુપરસ્ટાર રજનીકાંતની રાજકારણમાં પ્રવેશવાની ધૂંધળી શક્યતા પર પણ પૂર્ણવિરામ મુકાઇ ગયું છે. તેમણે સોમવારે રાજકારણમાં પ્રવેશ માટે તૈયાર કરાયેલા મંચ રજની મક્કલ મંદરમને વિખેરી નાખ્યો છે અને દોહરાવ્યું છે કે, ભવિષ્યમાં રાજકારણમાં પ્રવેશવાની તેમની કોઈ ઇચ્છા નથી.

રજનીકાંતે મંદરમના કાર્યકરો સાથે મારે રાજકારણમાં પ્રવેશવું કે નહીં એવી ચર્ચા કર્યા પછી મંદરમને વિખેરવાની જાહેરાત કરી હતી. તેમણે અગાઉ રાજકીય પક્ષ શરૂ કરવાના પ્રસ્તાવને ટાંકીને જણાવ્યું હતું કે, સંજોગોને કારણે અમે જે વિચાર્યું હતું એ થઈ ન શક્યું. હું ભવિષ્યમાં રાજકીય ક્ષેત્રે સંકળાવાનો કોઈ ઇરાદો ધરાવતો નથી. એટલે રજનીકાંત મક્કલ મંદરમને વિખેરી નાખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, તમિલનાડુની ચૂંટણી પહેલાં રજનીકાંતે રાજકીય પક્ષ શરૂ કરવાની યોજના ઘડી હતી પણ થોડા સમય પછી તેમણે આ વિચાર માંડી વાળ્યો હતો.

રજનીકાંતે જણાવ્યું હતું કે, રજની મક્કલ મંદરમના હોદ્દેદારો હવે અગાઉની જેમ રજનીકાંત ફેન્સ ફોરમ (રજનીકાંત રસીગર નરપાની મંદરમ) હેઠળ કામ કરશે. જેની શરૂઆત લોકોના કલ્યાણ માટે કરવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મેં ગયા વર્ષે રાજકીય ક્ષેત્રે પ્રવેશ નહીં કરવાનો નિર્ણય લીધા પછી મંદરમના સ્ટેટસ અંગે સ્પષ્ટતા કરવાની મારી ફરજ છે. રજનીકાંતે રાજકીય એન્ટ્રીની પૂર્વતૈયારી તરીકે રજની મક્કલ મંદરમની રચના કરી હતી.

રજનીકાંત રસીગર નરપાની મંદરમ બિનરાજકીય સંસ્થા હતી, જેનું રજની મક્કલ મંદરમમાં રૂપાંતર કરાયું હતું અને ૨૦૧૮માં નવી એન્ટિટીની સ્થાપના કરાઈ હતી. નવી સંસ્થા માટે જિલ્લા અને રાજ્ય સ્તરે પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી. ઉપરાંત, રાજકીય પક્ષના લોન્ચિંગને ટેકો આપવા સ્વતંત્ર શાખાઓ પણ શરૂ કરાઈ હતી.

રજનીકાંતે સોમવારે પદાધિકારીઓ સાથેની બેઠક પહેલાં પત્રકારો સાથે વાતચીત કરી હતી. જેમાં તેમને મંદરમ તેમજ રાજકારણમાં પ્રવેશ અંગે પ્રશ્નો પુછાયા હતા. એટલે રજનીકાંત પદાધિકારીઓ સાથેની  બેઠક પછી બહાર નીકળ્યા ત્યાં સુધી ચાહકોની ઇંતેજારી વધી ગઈ હતી. બેઠક પછી રજનીએ ફરી એક વખત રાજકારણમાં નહીં પ્રવેશવાની વાત સ્પષ્ટ કરી  હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here