થેલેસેમીયા અને હિમોફીલીયાના દર્દીઓની વહારે મહેસાણા જેસીઝ ચેરિટેબલ ટ્રસ્ટ

 

 

મહેસાણાઃ મહેસાણા જેસીઝ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના ૧૭ ઓક્ટોબર, ૧૯૮૦ના રોજ કરવામાં આવેલ. તે ચક્ષુ કલેક્ટ કરી રેડક્રોસ સોસાયટી, ધોળકા બ્રાન્ચ, અમદાવાદને મોકલી આપવામાં આવતી. ત્યાર પછી સંસ્થાના ટ્રસ્ટીઓને વિચાર આવેલ કે દર્દીઓને ઇમરજન્સીમાં લોહીની જરૂરિયાત પડે છે તેથી તેમણે ઉત્તર ગુજરાતમાં બ્લડ બેંક બનાવવાનો વિચાર કર્યો અને ૧૪ ઓક્ટોબર, ૧૯૮૪ના રોજ બ્લડ બેંકની સ્થાપના કરી. જેથી દર્દીઓને ઇમરજન્સીમાં બ્લડ મેળવવામાં તકલીફ ના પડે અને તેમનું અમુલ્ય જીવન બચાવી શકાય. તે સમયે સંસ્થા ભાડાના મકાનમાં કાર્યરત હતી. દાતાઓના દાન થકી ૨૨-૧૧-૨૦૦૦ના રોજ સંસ્થાને પોતાના મકાનમાં શીફ્ટ કરવામાં આવી.

થેલેસેમીયાના ૪૮ દર્દીઓને દર મહિને બેથી ત્રણ બ્લડ બોટલની જરૂરિયાત હોય છે તે સંસ્થા દ્વારા વિનામુલ્યે પૂરી પાડવામાં આવતી તેમજ હિમોફીલીયાના ૫૪ દર્દીઓને ફ્રેશ ફ્રોઝન પ્લાઝમાની જરૂરિયાત હોય છે તેમને પણ સંસ્થા દ્વારા વિનામુલ્યે પૂરી પાડવામાં આવતી. સરકારશ્રી દ્વારા આવા દર્દીઓને વિનામુલ્યે આપવું તે ૨૦૧૬માં જાહેર કરવામાં આવેલ પરંતુ આપણી સંસ્થા દ્વારા ૧૯૯૬થી મફત પૂરું પાડવામાં આવે છે અને આવા દર્દીઓને સરળતાથી મળી રહે તે માટે સંસ્થા સતત કાર્યશીલ છે અને બ્લડ બેંકમાં કોમ્પોનન્ટ સેન્ટર ૨૦૦૪થી શરૂ કરવામાં આવેલ છે જેથી દર્દીઓને અલગ અલગ કોમ્પોનન્ટ સરળતાથી મળી રહે. 

સંસ્થાને ૧-૧૨-૨૦૦૯માં વર્લ્ડ એઇડ્સ ડે નિમિત્તે ટોપ પરફોમન્સ એવોર્ડ, ૧-૧૨-૨૦૧૨ના રોજ એક્સેલન્ટ પરફોમન્સ એવોર્ડ આપવામાં આવેલ તેમજ શ્રી સત્યાવીસ સમાજ સરદાર યુવક મંડળ, કડી દ્વારા ૨૦૧૭માં સેવા અને સમાજ ઉત્કર્ષનો એવોર્ડ આપવામાં આવેલ તેમજ વર્ષ ૨૦૧૬, ૧૭, ૧૮, ૧૯માં થેલેસેમીયા બાળકોને સપોર્ટ કરવા બદલ થેલેસેમીક્સ ગુજરાત તરફથી એવોર્ડ આપવામાં આવેલ છે.

સંસ્થા દ્વારા અત્યાર સુધી ૩૨ દેહદાન સ્વીકારીને અમદાવાદની બી. જે. મેડિકલ કોલેજ, એન.એચ.એલ. મેડિકલ કોલેજ, અને જી.એમ.એ.આર.એસ. મેડિકલ કોલેજ, હિંમતનગર, જી.એમ.એ.આર.એસ. મેડિકલ કોલેજ, ધારપુર અને જી.એમ.એ.આર.એસ. મેડિકલ કોલેજ વડનગર મોકલી આપેલ જેથી મેડિકલના વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદરૂપ થઈ શકાય. તેમજ સંસ્થા પાસે દેહદાન માટેના સંકલ્પ પત્ર ૩૭૪ ફોર્મ ભરેલા પેન્ડીંગ છે.

૩૦-૧-૨૦૧૪ના રોજ સંસ્થાના ચેરમેન તરીકે નવીનભાઈ જે. બારોટ (એડવોકેટ)એ હોદ્દો સ્વીકારેલ તે પહેલા તેમણે સતત ૧૪ વર્ષ વાઇસ ચેરમેન તરીકેની સેવા આપેલ પછી તેમણે ચેરમેન તરીકે હોદ્દો સ્વીકારેલ અને માનવસેવા એજ પ્રભુ સેવા એ ઉક્તિને સાર્થક કરવાનો નિર્ણય કરેલ જ્યારે ઉત્તર ગુજરાતમાં બલ્ડ કોમ્પોનન્ટ સેન્ટર માટે સંસ્થાને ૧૬ બેગ માટેનું મશીન રેફ્રીજેટેજ સેન્ટ્રીફ્યુઝની જરૂરિયાત ઊભી થતાં ચેરમેન નવીનભાઈ બારોટ દ્વારા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સમક્ષ માગણી કરતા તેમણે ૪૨,૪૮,૦૦૦ રૂપિયાનું મશીન મહેસાણા અને ઉત્તર ગુજરાતના દર્દીઓને સરળતાથી રક્તના કોમ્પોનન્ટ મળી રહે તે માટે ૧૦૦ ટકા ગ્રાન્ટ તેમના ફંડમાંથી મંજૂર કરી સંસ્થાને ફાળવી આપેલ. જેથી સંસ્થા દ્વારા આ મશીનથી એક બ્લડ બોટલમાંથી ત્રણ બોટલ બ્લડ છુટુ પાડી જે દર્દીને જે પ્રમાણેનું કોમ્પોનન્ટ બ્લડ જોઈએ તે મળી રહે છે. મેનેજર દિનેશ પટેલે જણાવ્યું કે સંસ્થા દ્વારા આજુબાજુના ગામના દર્દીઓને સરળતાથી બ્લડ મળી રહે તે માટે અલકા હોસ્પિટલ ખેરાલુ, સિવિલ હોસ્પિટલ, વિજાપુર, સિવિલ હોસ્પિટલ, કડી, ભાગ્યોદય હોસ્પિટલ કડી, વસંતપ્રભા હોસ્પિટલ, વડનગર તેમજ સતલાસણા મુકામે બ્લડ સ્ટોરેજ સેન્ટર બનાવવામાં આવેલ છે.

કોરોના વાઇરસને કારણે લોકડાઉનના સમયમાં આ સંસ્થાએ ૨૪-૩-૨૦૨૦થી ૧૭-૦૫-૨૦૨૦ સુધીમાં કુલ ૫૨૮ દર્દીઓને ૧૬૫૭ બ્લડ બોટલ ઇસ્યુ કરી માનવ જીંદગી બચાવેલ છે તેમજ કેન્સર હોસ્પિટલ અમદાવાદના દર્દીઓને ૫૨૫ પ્લેટલેટ સારવાર માટે આપવામાં આવેલ. આ કાર્ય માટે મહેસાણા જેસીઝ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સર્વોદય બ્લેડ બેંકના ચેરમેન નવીનભાઈ જે. બારોટ તેમજ તેમની ટીમ સતત મોનીટરીંગ કરી ૨૪ કલાક દર્દીઓને બલ્ડ મળી રહે તે માટે મહેસાણા સર્વોદય બ્લડ બેંક ૨૪ કલાક ખુલ્લી રાખવામાં આવેલ. મહેસાણા શહેરની જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશનની સંસ્થા જાયન્ટ્સ મહેસાણા, દીપ સેવા ટ્રસ્ટ, ઓ.એન.જી.સી. પરિવારના યુનિયનના સભ્યો તેમજ મીતેશભાઈ પટેલ, તેજસભાઈ શાહ, તનુ મોટર્સ, બુટ્ટાપાલડી ગામના યુવાનો તેમજ તિરૂપતિ શાહીબાગ રાધનપુર રોડ, સદાનંદ સોસાયટી નાગરપુર તેમજ ભાગ્યોદય સોસાયટી ગંજબજારની પાછળ મહેસાણા શહેરની નિજાનંદ ગૃપ અને પ્રકરૃત મંડળના સભ્યો, કસલપુરા અને આંબલીયાસણ અને ગુંજાળા ગામના યુવાનોએ બ્લડ બેંકમાં આવી આ માનવસેવા રથને આગળ વધારવામાં યોગદાન આપેલ. મહેસાણા શહેરની સહયોગી સંસ્થાઓ દ્વારા આ મીની રક્તદાન કેમ્પનું આયોજન કરી ‘માનવ સેવા એજ પ્રભુસેવા’ની ઉક્તિને સાર્થક કરેલ છે. આ કાર્યને સતત વેગ મળી રહેશે તેવી મહેસાણા શહેરના રક્તદાતાઓએ સંકલ્પ કરેલ છે.