થાઇલેન્ડની ગુફાનું રેસ્ક્યુ ઓપરેશનઃ તમામ 13 સહીસલામત

થાઇલેન્ડની પાણી ભરેલી ગુફામાં ફસાયેલાં 12 બાળકો અને તેમના એક કોચ સહિત કુલ 13 જણને સહીસલામત ઉગારી લેવામાં નેવી સિલ્સના ડાઇવરોએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. (ફોટોસૌજન્યઃ થાઈ નેવી સીલ્સ એફબી)

માઈ સાઈઃ થાઇલેન્ડની પાણી ભરેલી ગુફામાં ફસાયેલાં 12 બાળકો અને તેમના એક કોચ સહિત કુલ 13 વ્યક્તિને સહીસલામત ઉગારી લેવામાં આવી છે. અત્યાર સુધીમાં બે દિવસમાં આઠ બાળકોને બહાર કાઢવામાં આવ્યાં હતાં અને મંગળવારે બાકીનાં ચાર બાળકો અને તેમના કોચને આખરે બહાર કાઢવામાં આવ્યાં હતાં. ખરાબ હવામાન વચ્ચે પણ આ ઓપરેશન પૂરું કરવામાં સફળતા મળી હતી. એક અઠવાડિયા સુધી આ રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું. આ સાથે જ થાઇલેન્ડમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. બાળકોને બચાવી લેવાયાં હોવાથી તેમના પરિવારજનોમાં ખુશી ફેલાઈ હતી. અમેરિકા અને બ્રિટન સહિત દસથી વધુ દેશોના 90 નિષ્ણાતોની મદદ આ ઓપરેશનમાં લેવામાં આવી હતી. આ ઓપરેશન દરમિયાન એક તરવૈયાનું મોત થયું હતું, જેમને નાગરિકોએ શ્રદ્ધાંજલિ આપી હતી.
થાઈલેન્ડની ફૂટબોલની ટીમનાં આ બાળકો અને કોચ ગુફા જોવા માટે ગયાં હતાં, પરંતુ વરસાદના કારણે પૂર આવતાં ગુફામાં જ ફસાઈ ગયાં હતાં અને એક ટેકરી પર ચડી ગયાં હતાં, આથી તેમનો જીવ બચી ગયો હતો. નવ દિવસ પછી ખબર પડી કે આ 13 જણ ગુફામાં ફસાયેલા છે. ભોજન વગર બાળકો નવ દિવસ ગુફામાં રહ્યાં હતાં. બાળકોની સાઇકલો ગુફાની બહાર હોવાથી બાળકો ગુફામાં હોવાની શંકા ગઈ હતી. બ્રિટનના ખાસ ડાઇવરોને ગુફામાં ઉતારવામાં આવ્યા અને તેમને આ બાળકો મળી આવ્યાં હતાં. જાણ થયાના એક અઠવાડિયા પછી ચાર બાળકોને બહાર કાઢવામાં આવ્યાં. આ પછી બીજા દિવસે અન્ય ચાર બાળકોને ઉગારાયાં હતાં.
બાળકોના રેસ્ક્યુ ઓપરેશનમાં જે ડાઇવરો આવ્યા હતા તેઓ બાળકોની બહાદુરીથી ખુશ થઈ ગયા હતા. માત્ર એક ટોર્ચલાઇટના આધારે આ બાળકોને બહાર કાઢવામાં આવ્યાં હતાં.ચાર કિલોમીટર સુધી પાણી ભરાયેલું હતું, જેમાં ડૂબીને રસ્તો કાપવામાં છ કલાક સમય થયો હતો.