ત્વચાની આરપાર જોઈ શકાય તેવો કેમેરા વિકસાવવામાં ત્રણ ભારતીય-અમેરિકનોની મદદ

ન્યુ યોર્કઃ ધ નેશનલ સાયન્સ ફાઉન્ડેશન દ્વારા પાંચ યુનવર્સિટીના સંશોધકો માટે સંયુક્ત દસ મિલિયન ડોલરના એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે જેમાં ત્રણ ભારતીય અમેરિકનોનો સમાવેશ થાય છે. કાર્નેગી મેલોન યુનિવર્સિટીની અખબારી યાદીમાં આ માહિતી આપવામાં આવી છે.
કાર્નેગી મેલોન યુનિવર્સિટીના શ્રીનિવાસ નરસિંહા, રાઇસ યુનિવર્સિટીના આસુતોષ સભરવાલ અને મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીના રમેશ રાસકર પાંચ વર્ષના કાર્યક્રમનો હિસ્સો બનશે, જે ત્વચાની આરપાસ દેખાતો કેમેરા વિકસાવવામાં મદદરૂપ થશે.
આ પ્રોજેક્ટનું નેતૃત્વ રાઇસ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવશે.
પ્રોજેક્ટના એસોસિયેટ ડિરેકટર અને સીએમયુની રોબોટિક ઇન્સ્ટીટયુટના કોમ્પ્યુટર વિઝન રિસર્ચર-પ્રોફેસર નરસિંહાએ જણાવ્યું હતું કે ત્વચાની ઊંડાઇમાં આરપાર નિહાળી શકાય તેવી બાયોઇમેજ વિકસાવવામાં આવી રહી છે. અમે પાંચથી દસ ગણા ઊંડે જવા માગીએ છીએ. દરેક વધારાના મિલિમીટર આપણે ત્વચાની અંદર જઇએ, ત્યારે આ ટેકનોલોજી ખૂબ ઉપયોગી સાબિત થશે.
સભરવાલે જણાવ્યું હતું કે ટ્રાન્સફોર્મેટિવ રિસર્ચ માટે અમને સહાય મળશે, અને અમારો ધ્યેય ખૂબ જ મિનિએચર્ડ, લાઇટ-બેઝ્ડ માઇક્રોસ્કોપ સર્જવાનો છે. સભરવાલ ગ્રાન્ટ વિશેના પ્રિન્સિપાલ ઇન્વેસ્ટીગેટર તેમજ રાઇસ યુનિવર્સિટીમાં ઇલેકટ્રીકલ એન્ડ કોમ્પ્યુટર એન્જિનિયરિંગના પ્રોફેસર છે.
રોબોટિક્સના આસિસ્ટન્ટ પ્રોફેસર આયોનિસ કીયોલેકાસે જણાવ્યું હતું કે કાર્નેગી મેલોન યુનિવર્સિટીના સંશોધકો ધુમ્મસ, બરફ અને ભારે વર્ષાની આરપાર નિહાળવા માટે સમાન ટેકનિકનો ઉપયોગ કરી રહ્યા છે અને હવે તેઓ બાયોઇમેજિંગનો અભ્યાસ કરી રહ્યા છે.
નેશનલ સાયન્સ ફાઉન્ડેશને તાજેતરમાં કોમ્પ્યુટિંગ પ્રોગ્રામની જાહેરાત કરી છે જેમાં સીએમયુમાં ચાર કો-ઇન્વેસ્ટીગેટર્સ તેમજ રાઇસ-હાર્વર્ડ યુનિવર્સિટી-મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી-કોર્નેલ યુનિવર્સિટીમાં સાત કો-ઇન્વેસ્ટીગેટર્સનો સમાવેશ થાય છે.