ત્રીજા રાજપૂત બિઝનેસ એક્સ્પોને વર્લ્ડ બુક્સ ઓફ રેકોર્ડમાં સ્થાન

અમદાવાદમાં ત્રીજા રાજપૂત બિઝનેસ એક્ઝિબિશન-2018નું આયોજન કરવામાં આવ્યું હતું. અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની ટીમના અથાગ પ્રયાસોથી આ એકસપોને વર્લ્ડ બુક્સ ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું. તસવીરમાં વર્લ્ડ બુક્સ ઓફ રેકોર્ડ પ્રશસ્તિપત્ર સ્વીકારતા સમાજના અગ્રણીઓ. (ફોટોઃ ગુજરાત ટાઇમ્સ સંકલન)

અમદાવાદઃ અમદાવાદમાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને રાજપૂત બિઝનેસ ફોરમ દ્વારા 16મીથી 18મી ફેબ્રુઆરી, 2018 દરમિયાન અમદાવાદ રિવરફ્રન્ટ પર ત્રીજા રાજપૂત બિઝનેસ એક્ઝિબિશન-2018નું આયોજન કરવામાં આવ્યું હતું. એક્સ્પોનું ઉદઘાટન કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે રાજપૂત સમાજે સમયાનુકુલ પરિવર્તન પારખીને ઉદ્યોગસાહસિકતા અને બિઝનેસ ક્ષેત્રે જે પ્રયાણ કર્યું છે તે રાજયની વિકાસયાત્રાને નવું બળ અને નયા ભારતના નિર્માણમાં મહત્ત્વનું બની રહેશે. તેમણે કહ્યું કે રાજપૂત સમાજ પોતાની વિશ્વસનીયતા માટે વિશ્વભરમાં વિખ્યાત છે ત્યારે પોતાની આ વિશ્વસનીયતાનો ઉપયોગ પોતાના વેપારધંધાના વિકાસ માટે પણ કરે. રાજપૂત સમાજે સમય પારખી રાજપૂતાણી સ્ટોલ ઉભો કર્યો તેની મુખ્યમંત્રીએ પ્રશંસા કરી હતી.

ઉદઘાટન પ્રસંગે કાયદા રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા, બિઝનેસ એક્સ્પોના ચેરમેન-રાજપૂત બિઝનેસ ફોરમના પ્રમુખ કિશોરસિંહ ઝાલા, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના મેનેજિંગ ટ્રસ્ટી ડો. જયેન્દ્રસિંહ જાડેજા, જીઆઇડીસીના ચેરમેન બળવંતસિંહ રાજપૂત, દશરથબા પરમાર, આઇ. કે. જાડેજા તેમ જ મોટી સંખ્યામાં રાજપૂત સમાજનાં ભાઈબહેનો ઉપસ્થિત રહ્યાં હતાં. ઐક્સ્પોમાં 200થી વધુ સ્ટોલ, બીટુબી મીટ્સ, જોબ ફેર, સેમિનાર, કલ્ચરલ મીટ્સનું આયોજન કરાયું હતું. રાજપૂત એક્ઝિબિટ્સ ડિરેક્ટરી અને રાજપૂત બિઝનેસ ડિરેક્ટરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની ટીમના અથાગ પ્રયાસોથી આ એકસપોને વર્લ્ડ બુક્સ ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું.