ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં ભાજપ સરકાર રચે એવી સંભાવના – ન્યૂઝ એકસના એક્ઝિટ પોલનું તારણ

0
911
Reuters

ત્રિપુરામાં છેલ્લા 25 વરસોથી સત્તારૂઢ ડાબેરીઓની સરકારને  હાંકી કાઢીને ભાજપ સત્તાના સૂત્રો હસ્તગત કરશે એવું તારણ ન્યૂઝ એકસના સર્વે દ્વારા કરવામાં આવયું છે. તાજેતરમાં ત્રિપુરા, નાગાલેન્ડ અને મેધાલયમાં યોજાયેલી ચૂંટણીઓમાં ભારતીય જનતા પક્ષનો વિજય થશે એવું ન્યૂઝ એકસના એક્ઝિટ પોલમાં જણાવવામાં આવ્યું છે. એવું અનુમાન કરવામાં આવી રહ્યું છેકે, ભાજપ અને આઈપીએફટીના ગઠબંધનને ત્રિપુરામાં અંદાજે 35 જેટલી બેઠકો મળી શકશે. ડાબેરી સામ્યવાદી પક્ષ આવખતે સત્તા ગુમાવે એવો વરતારો કરવામાં આવી રહ્યો છે. નાગાલેન્ડમાં ભાજપે એનડીપીપી સાથે ચૂંટણી -જોડાણ કર્યું હતું. ન્યૂઝ એકસના એક્ઝિટ પોલમાં જણાવ્યા અનુસાર, ભાજપ અને તેના સાથીદાર પક્ષને 27થી 32 બેઠકો પર જીત મળી શકવાની સંભાવના છે. કુલ 60 બેઠકો ધરાવતી નાગાલેન્ડની વિધાનસભામાં કોંગ્રેસને શૂન્યથી 2 સુધીની બેઠકો પ્રાપ્ત થશે. મેધાલયમાં પણ ભાજપને ફાયદો થશે. એકસિસ માય ઈન્ડિયા દ્વારા કરાયેલા ચૂંટણીના પરિણામ વિષયક સર્વેક્ષણમાં જણાવ્યા અનુસાર, મેઘાલયમાં ભાજપને 30 બેઠકો, જયારે કોંગ્રેસને માત્ર 20 જેટલી બેઠકો મળે એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે. મોટાભાગના ચૂંટણી પરિણામ વિષયક સર્વેક્ષણોમાંથી એવું તારણ નીકળે છે કે ઉપરોકત ત્રણે રાજ્યો – ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં ભારતીયજનતા પક્ષની સરકાર રચાવાની મજબૂત શક્યતાઓ દેખાઈ રહી છે.