કટ્ટરતાવાદી ઈસ્લામી ત્રાસવાદી સંગઠન અલ- કાયદાના સરદાર અને અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર અમાનુષી હુમલાના સૂત્રધાર ઓસામા બિન લાદેનને અમેરિકાના બહાદુર અને કુનેહબાજ લશ્કરે પાકિસ્તાનના અબેટાબાદમાં ઘુસીને ઠાર માર્યો હતો ત્યારે અમેરિકાના પ્રમુખપદે બરાક ઓબામા હતા.
સત્તાવાર સમાચાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ગત શનિવારે અમેરિકન આર્મીના ડેલ્ટા કમાન્ડોએ ઉત્તર- પશ્ચિમ સીરિયામાં આખી રાત સુધી ઓપરેશન જેકપોટ અંતર્ગત, સૌથી ખતરનાક અને વોન્ટેડ આતંકવાદી અબુ બકર – અલ બગદાદીને ઠાર મારીને મિશન પૂર્ણ કર્યું હતું. અબુ બકર અલ- બગદાદીને ઠાર મારવામાં આવ્યો હોવાની વાતની પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પુષ્ટિ કરી હતી.
હવે પ્રમુખે આ ત્રાસવાદી અબુ બકર અલ- બગદાદીને ઠાર મારવામાં આવ્યો હોવાની બીનાને સમર્થન આપ્યું , ત્યારબાદ હવે આ પ્રકરણ સમાપ્ત થયું હોવાનું માનવામાં આવે છે.
2003માં અમેરિકાની સેના ઈરાકમાં દાખલ થઈ તે સમયે બગદાદી એક મસ્જિદમાં મૌલવી હતો.તેનું નામ ઈબ્રાહિમ અવાદ ઈબ્રાહિમ અલ-બદ્રી હતું. પરંતુ જેમ જેમ એ કટ્ટરપંથી ઈસ્લામીઓની વિચારધારાને માનતો થયો ત્યારથી તેમે પોતાની જાતને અબુ બકર અલ- બગદાદી તરીકે ઓળખાવાની શરૂ કરી હતી. આઈએનએસના અહેવાલમાં જણાવ્યા અનુસાર, તેમે બગદાદ વિશ્વ- વિધ્યાલયમાંથી ઈસ્લામ ધર્મના વિષયમાં અનુસ્નાતકનવી પદવી હાંસલ કરી હતી. એટલું જ નહિ, એને ઈસ્લામ ધર્મ પર પીએચડી પણ કર્યું હતું. શરીઆતમાં બગદાદી ઈસ્લામના પ્રચારક તરીકે કાર્ય કરતો હતો. 2010માં ઈરાકમાં અલ- કાયદાના અગ્રણી તરીકે પોતાની ઓળખ ઊભી કરી હતી. પરંતુ એ ખૂબ મહત્વાકાંક્ષી હોવાને કારણે તેણે આએસઆઈએસ નામનું આતંકી સંગઠન ઊભું કર્યું હતું.
બીબીસીના અહેવાલ અનુસાર, 2011ના ઓકટોબર મહિનામાં અમેરિકાએ એને આતંકી ઘોષિત કરીને , એને જીવતો કે મૃત પકડવા બદલ એક કરોડ ડોલરનું ઈનામ પણ જાહેર કર્યું હતું.
આ જુલ્મી, નિર્દયી , ક્રૂર અને હેવાનિયતવાળા કૃત્યો કરનારા આતંકીએ અનેક નિર્દોષ લોકોની હત્યા કરી હતી. અનેક લોકોને રિબાવીને, અસહ્ય યાતનાઓ આપીને એમને મોતને ઘાટ ઊતાર્યા હતા.