તેલંગણામાં ભાજપની જીતે રાષ્ટ્રવ્યાપી ચર્ચા જગાડી, ચંદ્રશેખર રાવનો જાદુ મતદારોને રીઝવી ન શક્યો

 

નવી દિલ્હીઃ દેશનાં દસ રાજ્યોમાં થયેલી પેટાચૂંટણીમાં બિહારની જેમ તેલંગાણામાં ભાજપના થયેલા વિજયે રાષ્ટ્રવ્યાપી ચર્ચા જગાડી હતી. દક્ષિણનાં રાજ્યોમાં ભાજપે હજુ પૂરેપૂરો પગપેસારો કર્યો નથી એમ કહીએ તો ચાલે. આમ છતાં દુબ્બાક વિધાનસભા બેઠક ભાજપે પાતળી બહુમતીથી જીતી લીધી હતી. અલગ તેલંગણા રાજ્ય માટે લડત ચલાવનારા નેતા ચંદ્રશેખર રાવનો જાદુ આ વખતે સ્થાનિક મતદારોને રીઝવી ન શક્યો એ વાતનો આંચકો તેમના પક્ષ તેલંગણા રાષ્ટ્ર સમિતિ પાર્ટીને જોરદાર લાગ્યો હતો. ટીઆરએસના ધારાસભ્ય એસ રામાલિંગા રેડ્ડીનું આ વર્ષના ઓગષ્ટમાં અચાનક અવસાન થતાં આ બેઠક ખાલી થઇ હતી. ટીઆરએસ સતત એવા ભ્રમમાં હતી કે આ બેઠક તો અમારી જ છે.  ટીઆરએસની ઉમેદવાર સદ્ગત એસ. રામાલિંગા રેડ્ડીની પત્ની એસ. સુજાતા સામે ભાજપના એમ. રઘુનંદન રાવ ઊભા હતા. સતત રસાકસી વચ્ચે ટીઆરએસ દ્વારા વિજયની ઊજવણીની તૈયારી પણ કરી લેવામાં આવી હતી. સતત રસાકસી પછી ૧૦૩૯ મતોથી એમ. રઘુનંદન રાવને વિજેતા જાહેર કરાયા ત્યારે ટીઆરએસને  જોરદાર આંચકો લાગ્યો હતો. દુબ્બાક બેઠક પર વિજય મળ્યો ત્યારે ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીથી ફોન કરીને રઘુનંદન રાવને અભિનંદન આપ્યા હતા. સાથોસાથ ટ્વીટર પર વડા પ્રધાને લખ્યું હતું કે ભાજપને આશીર્વાદ આપવા માટે હું તેલંગણાની જનતાનો જાહેરમાં આભાર માનું છું.