તેજસ્વિની, સહનશીલ અને કારુણ્યમૂર્તિ માતેશ્વરી જગદંબા સરસ્વતીજી

આદર્શ નારી, સુંદરતાની મૂર્તિ અને પૂજનીય નારાયણીને ઉચ્ચ સ્થાને બેસાડી, અર્વાચીન સાહિત્યકારોએ તેનું નતમસ્તકે પૂજન કર્યું. ચિત્રકારોએ તેને ચિત્રમાં ઉતારી, અર્વાચીન સાહિત્યકારોની કલમ અને વાણી તેમની મહત્તાની ગાથા ગાતાં થાકી નથી. સરસ્વતીચંદ્રની સ્નેહમૂર્તિ કુસુમ, દર્શકની સાધ્વી રોહિણી, આત્મપ્રેમને ઓળખી પુરુષને સન્માર્ગે દોરતી ન્હાનાલાલની જયા, શરદબાબુની વિજયા અને પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની પ્રથમ મુખ્ય સંચાલિકા તેજસ્વિની, સહનશીલ અને કારુણ્યમૂર્તિ માતેશ્વરી જગદંબા સરસ્વતીજી. આ બધાં સ્ત્રીપાત્રો ખરેખર લૌકિક સૃષ્ટિમાં પણ અલૌકિક બની રહ્યાં છે.
મા શબ્દ કેટલો મધુર છે. મા શબ્દ બોલતાં જાણે હૈયું અને મુખ પ્રફુલ્લિત થઈ જાય છે. જનનીની જોડ સખી નહિ જડે રે લોલ’ એવી અજોડ જનનીનું રેખાચિત્ર આપવું એ તો બહુ મુશ્કેલભર્યું છે. આર્યનારીનું જીવન એટલે વાત્સલ્ય, સેવા, ત્યાગ અને બલિદાનનું મહાકાવ્ય.
ખરેખર, પ્રેમની સાક્ષાત્ પ્રતિમા-મા જગદંબા સરસ્વતીનું રેખાચિત્ર શબ્દો વડે રજૂ કરુ છું. તેનાથી તમારી સમક્ષ તે સૂક્ષ્મરૂપે રજૂ થશે. રંગે ઊજળી દૂધ જેવી, આંખો તેજસ્વી, કપાળ ચમકીલું, હંમેશાં પ્રફુલ્લિત અને સ્ફૂર્તિમય દેખાય જાણે પવિત્રતાનું પ્રતીક ગુલાબ જ સમજો. મમતાની પ્રતીતિ કરાવતાં જગદંબા સરસ્વતીનો જન્મ સાધારણ કુટુંબમાં થયો હોવા છતાં પોતાની દૈવી યોગ્યતાઓનાં કારણોસર એમણે જગતમાતાનું પદ પ્રાપ્ત કર્યું હતું. ફક્ત 18 વર્ષની નાની વયે જ બ્રહ્માકુમારી વિદ્યાલયના દૈવી પરિવારને પોતાનું જીવન સમર્પણ કર્યું હતું. તેમનો માતૃભાવ એટલો ઉચ્ચ કક્ષાનો હતો કે દૈવી અલૌકિક ઉપરાંત લૌકિક પરિવાર પણ એમને માતાના જેવો આદર આપતા. એમનું સ્નેહાળ હાસ્ય, મમતાળુ સ્વભાવ અને માયાળુ વર્તન, શ્રેષ્ઠ જીવન માટેની કઠોર સાધનામાં પણ બધાના જીવનમાં અમૃત છાંટણાં કરતું. દરેક વ્યક્તિ માની જેમ તેમનામાં વિશ્વાસ મૂકી પોતાના મનની મૂંઝવણો નિર્ભયતાથી તેમની સમક્ષ રજૂ કરી શકતી હતી.
બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના સંસ્થાપક પ્રજાપિતા બ્રહ્માબાપ પાસેથી એમણે સરસ્વતીની જેમ સર્વજ્ઞાન ધારણ કરવાની અદ્ભુત ક્ષમતા દાખવી હતી. જીવનમાં કદીયે એમણે એક ભૂલ બીજી વખત કરી નથી. વીણા સંગાથે એ પોતાના મધુર અવાજે ગાતાં ત્યારે સાક્ષાત્ વીણાવાદિનીનો જ સાક્ષાત્કાર થતો.
માનું જીવન ખૂબ જ સાદું. સાદું ખાવું, સાદું પીવું, સાદું પહેરવું અને સાદું જીવન એ જ એમનું જીવનસૂત્ર. પવિત્રતાનાં પ્રખર હિમાયતી માએ દિવ્ય ધારણાઓને કારણે પ્રભુપિતાને સાચી રીતે ઓળખ્યા. પરમાત્માને સમર્પિત થવામાં એમણે ક્ષણનો પણ વિલંબ નહોતો કર્યો. જગદંબા સરસ્વતી જીવનવ્યવહારની કેળવણીને વધુ મહત્ત્વ આપતાં. આદર્શ વ્યવહાર અને શુદ્ધ ચારિત્ર્ય વડે જ એ બીજાઓને કેળવણી આપતાં, વિશ્વકલ્યાણ માટેની સાચી સેવા કેમ થઈ શકે તેનાં તેઓ જીવંત ઉદાહરણ હતાં.
મા સરસ્વતી અમૃતવેલે અઢી વાગ્યે ઊઠતા. પ્રભુ સાથે ગાઢ સંબંધની અનુભૂતિમાં લવલીન થવાનો તો તેમનો નિત્યક્રમ બની ગયો હતો. સ્પષ્ટતાથી દરેક મુદ્દાઓની છણાવટ કરતી ગંગાજળ સમાન નિર્મળ વાણી એ એમના વ્યક્તિત્વની વિશિષ્ટતા હતી. પ્રભુપરાયણ જીવન જીવવા અને જ્ઞાનમાર્ગે પોતાની સાથે અન્યોને પણ લઈ જવા જીવનભર સતત તેઓ પ્રયત્નશીલ રહ્યાં હતાં. સ્નેહ, મમતા, ઉત્સાહ, કર્તવ્યપરાયણતા અને સદ્ભાવનાની પવિત્ર મંગલમૂર્તિ મા જગદંબા સરસ્વતીજીએ 24મી જૂન, 1965ના દિવસે 45 વર્ષની નાની ઉંમરે જ અવ્યક્ત સ્થિતિ પ્રાપ્ત કરી પોતાના પાર્થિવ શરીરનો ત્યાગ કર્યો.
બ્રહ્માકુમારી વિદ્યાલયનો દૈવી પરિવાર માની પાલના આપનાર સરસ્વતીને સ્નેહથી મમ્મા કહી બોલાવતા. પરમાત્મા શિવના વિશ્વ પરિવર્તનના કલ્યાણકારી આદેશોના અને બ્રહ્માબાબાના દિનપ્રતિદિનનાં કાર્યોના મુખ્ય સાક્ષી જગદંબા સરસ્વતીજી પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયનાં પ્રથમ મુખ્ય સંચાલિકા જ નહિ, પરંતુ વિદ્યાલયની ઉજ્જવળ કારકિર્દીના આધારસ્તંભ પણ હતાં. 24મી જૂન, 2018ના રોજ તેમની 53મી પુણ્યતિથિએ નતમસ્તકે પ્રણામ કરી તેમને અંતકરણની ભાવાંજલિ.

લેખિકા નડિયાદસ્થિત બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલયના મુખ્ય સંચાલિકા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here