તુર્કીમાં મળેલ બેઠકમાં બંને દેશો વચ્ચે સાર્થક વાતચીત

 

તુર્કીઃ તુર્કીમાં મળેલી બેઠક બાદ એવું પ્રતીત થઇ રહ્યું છે કે હવે યુક્રેન પર રશિયન હુમલા પોતાના અંતિમ તબક્કામાં છે. રશિયાએ કહ્યું કે તુર્કીના ઇસ્તાંબુલમાં સાર્થક વાતચીત બાદ કીવની આસપાસ સૈન્ય ગતિવિધિઓને ઘટાડી દેશે. વાસ્તવમાં તેના બદલમાં યુક્રેને આંતરરાષ્ટ્રીય ગેરંટી સાથે તટસ્થ રહેવાનું આશ્વાસન આપ્યું છે.

રશિયા દ્વારા યુક્રેન પર શરૂ કરાયેલા હુમલાઓ બાદ પહેલી વાર રશિયાએ નરમ વલણ દાખવવાના સંકેત આપ્યા છે. રશિયાના નાયબ રક્ષા મંત્રી એલેક્ઝેન્ડર ફોમિને આજે કહ્યું કે યુદ્ઘ સમાપ્ત કરવાના હેતુથી ચાલી રહેલી વાતચીતમાં વિશ્વાસ વધારવા માટે મોસ્કોએ કીવ અને ચેર્નીહીવની પાસે અભિયાનમાં મૌલિક રીતે ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે.

તેમણે કહ્યું કે રશિયન દળો કીવ અને ચેર્નીહીવની દિશામાં સૈન્ય ગતિવિધિઓમાં ઘટાડો કરશે. તુર્કીમાં રશિયા અને યુક્રેનના પ્રતિનિધિમંડળે યુદ્ઘનો અંત લાવવા માટે વાતચીત કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે યુક્રેન નાટોમાં સામેલ થવાની પોતાની જીદ છોડી શકે છે. જે બાદ જ રશિયા પોતાના સૈનિકોને પરત બોલાવવાની જાહેરાત કરશે. બંને પક્ષોએ ભવિષ્યમાં પણ આવી બેઠકો કરવાને સમર્થન આપ્યું છે. યુક્રેની વાર્તાકાર ઓલેક્ઝેન્ડર ચાલીએ કહ્યું કે જો અમે આ પ્રમુખ જોગવાઇઓને મજબૂત કરવાની વ્યવસ્થા કરીએ છીએ તો યુક્રેન વાસ્તવમાં સ્થાયી તટસ્થતાના રૂપમાં જોવા મળશે. અને કોઇ પણ ગઠબંધનમાં સામેલ નહિ થઇએ અને યુક્રેનને એક બિનપરમાણુ રાષ્ટ્ર તરીકે જાળવી રાખીશું. તેમણે એ પણ કહ્યું કે અમે અમારા વિસ્તારમાં વિદેશી સૈન્ય મથકોનું આયોજન નહીં કરીએ, સાથે જ અમારા વિસ્તારમાં સૈન્ય ટુકડીઓને તૈનાત નહીં કરીએ. અમે કોઇ પણ સૈન્ય રાજકીય ગઠબંધનમાંપ્રિવેશ નહિ કરીએ. એટલું જ નહીં, ગેરંટર દેશોની સહમતિથી જ સૈન્ય અભ્યાસ થશે.