તીવ્ર ગરમી છતાં કોરોનાનું જોર યથાવત , રાજ્યમાં નવા ૩૬૪ કેસ, ૨૯નાં મોતગાંધીનગરઃ

ગુજરાતમાં વૈશાખ મહિનાની તીવ્ર ગરમી છતાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. કોરોના ઉપર આબોહવાની કોઇ અસર થતી નથી એ હવે ધીમે ધીમે સ્પષ્ટ થઇ રહ્યું છે. છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના નવા સંક્રમિત ૩૬૪ દર્દીઓ નોંધાયા છે તો સારવાર હેઠળના ૨૯ દર્દીઓના મૃત્યુ થયાં છે, એમાં સૌથી વધુ અમદાવાદમાં અનુક્રમે ૨૯૨ દાખલ અને ૨૫ના મૃત્યુનો સમાવેશ થાય છે. શહેરમાં બે દિવસની સરખામણીએ મૃત્યુઆંક વધી ગયો છે.

સૌથી નોંધપાત્ર બાબત એ છે કે, રાજ્યમાં સંક્રમણની શરૂઆત થઇ ત્યાર પછી બુધવારે ૫૪મા દિવસે એકમાત્ર ગ્રીન ડિસ્ટ્રીક્ટ અમરેલીમાં સુરતથી સંક્રમણ પહોંચતા ગુજરાતના તમામ જિલ્લાઓમાં વાઇરસે પગપેસારો કરી લીધો છે.

બીજી તરફ સુરતમાં નવા ૨૩ કેસ અને ત્રણ દર્દીના મૃત્યુ થયા છે. પાટણમાં એક દર્દીનું મોત થયું છે જ્યારે બે નવા કેસ નોંધાયા છે. આ સિવાય વડોદરામાં નવા ૧૮ કેસ, ભાવનગર અને જામનગરમાં વધુ ૩-૩, પંચમહાલ, બનાસકાંઠા, ખેડા, અરવલ્લી, મહીસાગર, જૂનાગઢમાં એક-એક કેસ નવા નોંધાયા છે.

દેવભૂમિ દ્વારકામાં અજમેર શરીફથી આવેલા મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી એમના સંપર્કમાં આવેલા અન્ય લોકોને શંકાસ્પદ લક્ષણો પછી ટેસ્ટ કરાવાતા એક સાથે સાત જણાના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે.

છેલ્લા ચોવીસ કલાકમાં ૩૧૬ દર્દીઓ સાજા થતાં ડિસ્ચાર્જ અપાયો છે. આ સંખ્યા વધીને ૩૫૬૨ થઇ છે આ ટકાવારી ૩૮.૪૩ ટકા સુધી પહોંચી છે. અલબત્ત, રાજ્યમાં કુલ પોઝિટિવ કેસનો આંક ૯૨૬૮ થયો છે એમાંથી ૫૬૬ દર્દીના અત્યાર સુધીમાં મૃત્યું થતાં બાકી રહેલા દર્દીમાં ૩૯ ક્રિટીકલ હોઇ વેન્ટીલેટર પર છે જ્યારે ૫૧૦૧ દર્દી સ્ટેબલ છે. છેલ્લા ચોવીસ કલાકમાં ૨૭૬૦ ટેસ્ટ સાથે કુલ આંક ૧,૨૨,૨૯૭ થયો છે. એમાંથી ૯૨૬૮ પોઝિટિવ કેસ મળ્યા છે.

રાજ્યના આરોગ્ય અગ્રસચિવ ડો. જયંતિ રવિએ મેડિકલ બુલેટિનમાં જાહેર કર્યું છે કે, રાજ્યમાં કોરોનાથી સંક્રમિત ગંભીર દર્દીઓમાં એક ટુસીલીઝુમેપ નામનું કિંમતી ઇન્જેક્શન આપવાથી દર્દીની સ્થિતિમાં ઘણો સુધારો જોવા મળે છે. આ ઇન્જેક્શન ડોક્ટર્સ નક્કી કરે એવા પેશન્ટ્સને આપવા માટે સરકાર સ્તરે ખરીદી કરવાની દરખાસ્ત પણ મંજૂર કરી દેવાઇ છે.

આ ઉપરાંત હુના સંકલનમાં બી.જે. મેડિકલ કોલેજ ખાતે ચાલી રહેલા સોલિડારિટી ટ્રાયલ્સમાં લેવાયેલા દર્દીઓને સારવાર માટે અમેરિકાની પેટન્ટેડ દવા પણ અમદાવાદ આવી પહોંચી છે આ રેમ્ડેસીવીર નામની દવાનો પ્રયોગ આવનારા દિવસોમાં કેવા પરિણામ આપે છે એ પણ જાહેર થશે. આ સાથે ઇન્ટરફિરોન દવા પણ દર્દીઓને આપવામાં આવશે. એ પણ આવી ગઇ છે.

કેસઃ અમદાવાદ ૬૬૪૫, વડોદરા ૫૯૨, સુરત ૯૬૭, રાજકોટ ૬૬, ભાવનગર ૧૦૦, આણંદ ૮૦, ભરૂચ ૩૨, ગાંધીનગર ૧૪૨, પાટણ ૩૧, પંચમહાલ ૬૬, બનાસકાંઠા ૮૨, નર્મદા ૧૩, છોટાઉદેપુર ૧૭, કચ્છ ૧૪, મહેસાણા ૬૭, બોટાદ ૫૬, પોરબંદર ૩, દાહોદ ૨૦, ગીર સોમનાથ ૧૮, ખેડા ૩૩, જામનગર ૩૩, મોરબી ૨, સાબરકાંઠા ૨૭, અરવલ્લી ૭૬, મહીસાગર ૪૭, તાપી ૨, વલસાડ ૬, નવસારી ૮, ડાંગ ૨, સુરેન્દ્રનગર ૩, દેવભૂમિ દ્વારકા ૧૨, જુનાગઢ ૪, અમરેલી ૧, અન્ય રાજ્ય ૧. કુલ ૯૨૬૮. ડિસ્ચાર્જ ૩૫૬૨.

મૃત્યુઃ અમદાવાદ ૪૪૬, વડોદરા ૩૨, સુરત ૪૩, ભાવનગર અને આણંદ ૭-૭, ગાંધીનગર ૫, પંચમહાલ ૪, બનાસકાંઠા ૩, રાજકોટ, જામનગર, મહેસાણા સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, ભરૂચ ૨-૨, કચ્છ, બોટાદ, ખેડા, મહીસાગર, વલસાડ ૧-૧. કુલ ૫૬૬.