તિબેટમાં બ્રહ્મપુત્ર નદી પર બંધનું નિર્માણ કરશે ચીન, ભારત માટે મોટો પડકાર

 

નવી દિલ્હીઃ વિસ્તારવાદની નીતિથી પીડાઇ રહેલા ચીને ભારત વિરુદ્ધ નવો પેતરો રચ્યો છે. ચીને હવે તિબેટમાં બ્રહ્મપુત્ર નદી પર પ્રમુખ બંધ બાંધીને વીજળી પેદા કરવાની જાહેરાત કરી હતી. ચીન અને તિબેટમાં બ્રહ્મપુત્ર નદીને યારલંગ જાંગ્બો કહેવામાં આવે છે. બ્રહ્મપુત્ર પર બંધ બાંધવાથી ભારત માટે મોટી સમસ્યા ઉભી થાય એમ છે કારણ કે ૨૯૦૦ કિમી લાંબી આ નદીનો મોટો હિસ્સો અને તેની ડાઉનસ્ટ્રીમ ભારતમાં આવે છે. જેનાથી ચીન ચાહે ત્યારે પાણીના વહેણને રોકી શકે છે. 

તિબેટમાં બ્રહ્મપુત્ર પર બંધ બાંધવાનું કામ ચીન આવતા વર્ષે શરૂ થનારી ૧૪મી પંચવર્ષીય યોજના હેઠળ શરૂ કરશે. આ યોજના પર ચીન દાવો માંડી રહ્યું હતું કે તેનાથી જળ સંસાધનો અને ઘરેલું સુરક્ષાને મજબૂત કરવામાં મદદ મળશે, પરંતુ બંધના નિર્માણ પછી ભારત, બાંગ્લાદેશ સહિત પડોસી દેશોને દુકાળ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડશે. બંધના નિર્માણથી ચીન ચાહે ત્યારે બ્રહ્મપુત્ર નદીનું પાણી રોકી શકશે અને જ્યારે ઇચ્છે ત્યારે બંધના દરવાજો ખોલતા ભારે વહેણથી પાણી ભારતના ઉત્તર-પૂર્વ રાજ્યો તરફ વધી શકે છે. એનાથી અરુણાચલ પ્રદેશ અને આસામ સહિત રાજ્યોમાં પૂર આવી શકે છે. 

ચીનના સરકારી સમાચાર પત્ર મુજબ બંધ નિર્માણ કાર્ય પાવર કન્સ્ટ્રક્શન કોર્પોરેશન ઓફ ચાઇનાને સોંપાયુ છે. એના પ્રમુખ યાંગ જિયોંગના જણાવ્યા મુજબ ચીન યારલંગ જાંગ્બો નદીના નીચાણવાળા ભાગમાં હાઇડ્રોપાવર પ્રોજેક્ટ શરૂ કરશે. જાહેરાત મુજબ આ યોજના ૨૦૩૫ સુધી પૂર્ણ થશે. જોકે પ્રોજેક્ટને લઇને ચીનની સરકારે કોઇ સત્તાવાર જાહેરાત કરી નથી. 

બ્રહ્મપુત્ર નદી તિબેટથી શરૂ થઇને ભારત અને બાંગ્લાદેશ થતાં બંગાળની ખાડીમાં મળે છે. આ દરમિયાન તે ૨૯૦૦ કિમીની સફર કરે છે. ભારતમાં આ નદીનું એક તૃતીયાંશ પાણી આવે છે. જે ઉત્તર-પૂર્વના રાજ્યોને પાણી પૂરવઠો પૂરો પાડે છે. 

વર્ષ ૨૦૦૮માં ભારત-ચીને સંધિ કરી હતી કે સતલજ અને બ્રહ્મપુત્ર નદીઓના પાણીના વહેણને પરસ્પર સંમતિથી જ ઉપયોગમાં લેવાશે. પરંતુ ૨૦૧૭માં ડોકલામ વિવાદ પછી ચીને બ્રહ્મપુત્રના હાઇડ્રોલોજીકલ ડેટા ભારત સાથે શેર કર્યો નથી. જેના લીધે એજ વર્ષે અસામમાં ભારે પૂર આવ્યું હતું. 

ખાસ મુદ્દો એ પણ હતો કે ચીનમાં ઉત્પાદન થતી વીજળીનું ૩૦ ટકા ઉત્પાદન તિબેટ વિસ્તારમાં થાય છે અને જો બ્રહ્મપુત્ર પર બંધ બની જાય તો માત્ર વીજળી ઉત્પાદન જ નહીં, પર્યાવરણ, રાષ્ટ્રીય સુરક્ષા, લોકોનું જીવન ધોરણ, ઉર્જા જેવા પરિબળો પર પ્રભાવિત થશે.