તાલિબાનના બે જૂથ સરકાર રચવાના મુદે્ અલગ થઈ ગયા છેઃ  અફઘાનિસ્તાનમાં નવી સરકારની રચના વિલંબમાં પડી..

 

    અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સશસ્ત્ર દળોની અમેરિકા વાપસી બાદ તાલિબાને  જાહેર કર્યું હતું કે, તેઓ  ટૂંક સમયમાં  નવી સરકારનું ગઠન કરશે, પણ એ હજી શક્ય બનતા વાર લાગશે. તાલિબાનના બે જૂથ સરકારની રચનાને લઈને અલગ થઈ ગયા છે. અફઘાનિસ્તાનમાં મુલ્લા હિબતુલ્લા અખુદઝાદા સાથે સાથે સરકાર બનાવવાને મુદે્ તાલિબાન નેતૃત્વ અને હક્કાની નેટવર્ક વચ્ચે ટકરાવ ચાલી રહ્યો છે. પરંતુ તાલિબાનની નેતાગીરી વિશ્વને એવું બતાવવાનો પ્રયાસ કરી રહી છે કે, તેમની વચ્ચે કોઈ આપસી સંઘર્ષ થયો જ નથી. તાલિબાનના જૂથો વચ્ચેનો આંતરિક વિવાદ ધીમે ધીમે જાહેર થઈ રહ્યો છે. વાસ્તવમાં તાલિબાનની સ્થાપના કરનાર મુલ્લા ઉમરનો પુત્ર મુલ્લા યાકુબ ઈચ્છે કે રાજકારણ સાથે જોડાયેલાં લોકોને બદલે સૈન્ય સાથે સંબંધ ધરાવનારા લોકોને નવી કેબિનેટમાં સ્થાન આપવામાં આવે. કાબુલથી મળેલા સત્તાવાર સમાચાર સૂત્રોના જણાવ્યા અનુસાર, મુલ્લા યાકુબે ખુલ્લેઆમ કહ્યું છેકે, જે લોકો દોહામાં શાહી એશઆરામથી જીવન જીવી રહ્યા છે તેવા લોકોએ  અમેરિકાના સૈન્ય સામે જેહાદ કરનારા લોકોને નિયમો શીખવવાથી દૂર રહેવું જોઈએ. 

       મુલ્લા બરાદર અને શેર મહોમ્મદ દોહાથી તાલિબાન રાજકારણનું નેતૃત્વ કરી રહ્યા છે, બન્નેએ  અમેરિકાના રાજદૂત સાથે, તેમજ પાકિસ્તાન અને બ્રિટન સાથે વાતચીત કરી હતી. અત્યારે કાબુલ પર અંકુશ ધરાવતા હક્કાની આતંકવાદી નેટવર્ક અને મુલ્લા યાકુબ વચ્ચે તણાવ સ્પષ્ટ દેખાય છે. હકીકતમાં ઝઘડો બિન- પશ્તુન તાલિબાન અને કંદહાર જૂથ વચ્ચે છે. તાલિબાનનું દરેક જૂથ પોતાના ફાયદા માટે લડી રહ્યું હોય તેવી સ્થિતિ લાગી રહી છે. અમેરિકાના લશ્કરે ભલે અફઘાનિસ્તાન માંથી વિદાય લીધી હોય પરંતુ તેણે 85 મિલિયન ડોલરની કિંમતના હથિયારો અને દારૂગોળો અફઘાનિસ્તાનમાં જ મૂકી દીધો છે. હવે તાલિબાનો એનો ઉપયોગ કરશે.