તાઈવાનના રોકાણથી ભારતમાં ૬૫,૦૦૦ લોકોને નોકરીઓ મળી

 

તાઈપેઈઃ ચીનની નારાજગીની પરવા કર્યા વગર ભારત તાઈવાન સાથે સબંધો સુધારવા માટે એક પછી એક પગલા ભરી રહ્યું છે. ભારતે તાઈવાન સાથે એક અલગ દેશ તરીકે ટ્રેડ ડીલ કરવા માટે વિચારણા શરૂ કરી છે ત્યારે તાઈવાનના વિદેશ મંત્રી જોસેફ વુએ એક મહત્ત્વનું નિવેદન આપ્યું છે. ભારત અને તાઈવાનના સબંધો માટે તેમણે કહ્યું છે કે, ૨૦૧૬થી તાઈવાન ભારત સાથેના સબંધો ગાઢ બનાવવા માટે પ્રયાસો કરી રહ્યુ છે. બંને દેશના લોકો વચ્ચે સબંધો સુધરે તે માટે પણ અમે ભાર મુકી રહ્યા છીએ. એક ન્યૂઝ ચેનલને આપેલી મુલાકાતમાં વુએ કહ્યું હતું કે, ભારત અને તાઈવાન વચ્ચે સ્વાસ્થ્ય, કૃષિ અને શિક્ષણ ક્ષેત્રમાં સહયોગની દિશામાં સારી પ્રગતિ થઈ છે. ભારતમાં તાઈવાનનુ રોકાણ વધી રહ્યું છે. હાલમાં તાઈવાનનુ રોકાણ ૧૬,૦૦૦ કરોડ રૂપિયા જેટલુ છે. જેનાથી ભારતમાં ૬૫,૦૦૦ લોકોને રોજગારી મળી છે. આ સારી ગુણવત્તાવાળી નોકરીઓ છે.