તમે કદાચ અનાથ હશો, પણ હવે મારા નાથ છો!

0
951

નો સોરી, બેટા
‘તમે આમ ઊખડેલા ઊખડેલા કેમ છો? સહેજ પણ શાંતિથી બોલતાં જ નથી શીખ્યા? આપણે હનીમૂન પર આવ્યાં છીએ…’
‘તો?’ અપૂર્વ ગુસ્સાથી બરાડ્યો, ‘હનીમૂન, હનીમૂન શું મંડી છે? યુ સ્ટુપિડ ગર્લ….’ વાઇનનો ગ્લાસ છુટ્ટો ફેંકતાં તે બોલ્યો.
શ્રદ્ધા થોડીક ગભરાઈ, બઘવાઈ, પણ બીજું કશું બોલવાનું સૂઝ્યું નહિ એટલે ‘સોરી, બસ સોરી’ કાન પકડતાં બોલી.
અપૂર્વ તેને જોઈ રહ્યો. શાંત થયો. બોલ્યો, ‘આઈને ઠેકાણે… હવેથી મને બહુ ટોકવાનો નહિ, તને ખબર છે ને હું કરોડપતિ બાપનો એકનો એક બેટો છું… એ મને કશું કહેતો નથી ને તું…. આજકાલની આયેલી… સમજી? ના સમજી હોય તો સમજી જા.’

‘બાપા, તમે તો કહેતા’તા કે મારી સાથે મેરેજ પછી અપૂર્વ શાંત થઈ જશે, પણ આ તો… જબરું વિકૃત મગજ છે. ગુસ્સો તો નાકની અણી પર જ છે… અને બોલવાનું તો…’
‘હા બેટા, આ મારો જ વિચાર હતો. મેં જ શેઠને કહેલું કે અપૂર્વભાઈ આડે રસ્તે ચઢી ગયા છે, બહુ ગુસ્સે થઈ જાય છે તો આપણે એમને પયણાઈ દઈએ… શ્રદ્ધાના બાપા માથે હાથ દઈને બોલતા’તા, પણ મને શી ખબર કે શેઠ તારો જ હાથ માગશે, અને અપૂર્વભાઈ હાય પાડી દેશે. આ તો મેં તને ફસાવી દીધી. બાપાની આંખ જરા ભીની થઈ ગઈ.’
‘બાપુ, તમે સહેજે ઢીલા ન થતા, તમારી જાતને કોસતા પણ નહિ. ઉપરવાળો કોઈ રસ્તો તો કાઢશે જ ને?’
‘મને નથી સમજાતું. આ તો આખી જિંદગી શેઠની મુનીમગીરી કરી તેથી હું શેઠની વાત ટાળી ન શક્યો. અને તું…’
‘જો બાપા, ઘર સારું છે. પપ્પા-મમ્મીજીનો સ્વભાવ પણ સારો છે. એક અપૂર્વના સ્વભાવમાં જ… હા, તે પૈસા પણ ધૂમ ઉડાડે છે. પપ્પાજીનું તો કંઈ સાંભળતા જ નથી અને મમ્મીજીને તો તેઓ કંઈ ગણતા જ નથી. છણકા કર્યા કરે છે…’
‘બેટા, તું ભણેલી છે, કંઈક વિચાર, જરૂર રસ્તો નીકળશે.’

અને એક વાર તો અપૂર્વે શ્રદ્ધાને કોઈ વાંકગુના વગર બે-ચાર તમાચા લગાવી દીધા, ને બોલ્યો, તું મને પૂછનાર કોણ? હું ગમે તેટલા વાગ્યે આવું, તારું શું જાય છે? મારાં મા-બાપે નથી પૂછ્યું તો તું કોણ?’
બરાડા સાંભળીને રાતે બાર વાગ્યે પપ્પા-મમ્મી જાગી ગયાં. રૂમની બહાર આવીને જોયું તો અપૂર્વ લથડિયાં ખાતો બરાડા પાડ્યે જ જતો હતો.

‘તમે શાંતિ રાખો તો… મને શાંતિથી સાંભળો તો તમને એક વાત કહેવી છે…’
‘બેસ, બેસ, હવે મારે તારી કોઈ વાત સાંભળવી નથી.’
‘જુઓ, આજે મારે અપવાસ છે એટલે…’
‘તારે અપવાસ હોય તો મારા કેટલા ટકા?’
‘ખરા જ… મારું અડધું પુણ્ય તમને જ મળવાનું ને?’
‘નથી જોઈતું મારે’
‘પણ મારી વાત તો સાંભળો… પ્લી…ઝ…’
‘સારું બોલ…’
‘ગુસ્સો ના કરશો. સાંભળો આપણા પેલા એંશી વર્ષના માળીકાકા ખરાને…’ શ્રદ્ધા થોભી. અપૂર્વના ચહેરાને નીરખ્યો. પછી ધીમેથી બોલી, ‘તે રાત્રે તમે મોટેથી બરાડતા’તા ને તે… તે…’
‘શું તે તે કરે છે? ભસને ભસતી હોય તો…’
‘ઓ. કે. સોરી… બસ…’
‘તે એમણે મને સવારે કહ્યું, ‘અપુ બાબા તમારા બધાય પર આટલા બધા ગુસ્સે થાય છે, બહુ જ પૈસા ઉડાવે છે…’
‘એ ડોસલાએ એવું કહ્યું?’
‘એવું બોલાય?’ શ્રદ્ધા અપૂર્વનો હાથ પંપાળતાં બોલી, આપણા વડીલ છે. તમને તો એમણે ખોળામાં રમાડ્યા છે…’
‘ઓ. કે. બોલ આગળ…’
‘એમણે કહ્યું કે… બિચારા શેઠ, અપુ બાબાને અનાથાશ્રમમાંથી એ દસ દિવસના હતા ને…’
‘શું કહ્યું? હું અનાથ છું?’ અપૂર્વ એકદમ ધીમા અવાજે બોલ્યો, અને શ્રદ્ધાને પૂછ્યું, હું અનાથ છું? શ્રદ્ધા, હું ખરેખર અનાથ છું? એમ બોલતાં બોલતાં શ્રદ્ધાના ખોળામાં માથું મૂકીને રડવા માંડ્યો, શ્રદ્ધા હું ખરેખર અનાથ છું? તને ખાતરી છે.’
‘શ્રદ્ધા મૂંઝાઈ, કંઈ બોલી ન શકી.’
‘તોય મારાં મમ્મી-પપ્પા મને ઠપકાનો શબ્દેય કહેતાં નથી. હું આટલો બધો પજવું છું છતાંય… શ્રદ્ધા, બોલને…’ શ્રદ્ધાના ખોળામાં માથું પછાડતો, વાળ પીંખતો તે બોલતો હતો, શ્રદ્ધા બોલને? બોલને શ્રદ્ધા?’
શ્રદ્ધાને આ અણધાર્યો ફેરફાર મૂંઝવતો હતો. છતાંય એને થાબડ્યો. પંપાળ્યો. એના ચહેરા પરનાં આંસુ લૂછ્યાં. એક ચૂમી ભરી. અને પોતાની છાતી પર અપૂર્વનું માથું મૂકી દીધું… અને બોલી, ‘તમે કદાચ અનાથ હશો, પણ હવે મારા નાથ છો, હું તમારી છું, તમે અનાથ નથી…’
‘શ્રદ્ધા, હું આજે જ મમ્મી-પપ્પાને…’
‘બેટા, અપૂર્વના પપ્પા રડતાં રડતાં શ્રદ્ધાને પૂછતા હતા, ‘તને આ અનાથવાળી વાતની ખબર કેવી રીતે પડી?’
શ્રદ્ધા પપ્પાજી સામે જોઈ રહી. થોડીક વાર માટે આંખો મીંચી ફરીથી પપ્પાજી સામે જોઈ રહી. અને બોલી, ‘પપ્પાજી, મેં શોક ટ્રીટમેન્ટ વિશે ક્યાંક વાંચેલું અને મેં અપૂર્વને શોક ટ્રીટમેન્ટ આપી… મેં તો પપ્પાજી, બિલકુલ ગપ્પું… મને માળીકાકાએ કશું કહ્યું જ નથી! સોરી પપ્પા… સોરી…’
નો સોરી, બેટા… આ ગપ્પું નથી…’
2004ના મે મહિનાની એ ગુલાબી સવારે હું અને મારો મિત્ર, માથેરાનના પેનોરમા પોઇન્ટના રસ્તે, ચાલતાં જવું કે સાઇકલ લઈને જવું એની ચર્ચા કરતાં રોડની સાઇડે ઊભા હતા ત્યાં જ ઘોડાના ડાબલાના અવાજની દિશામાં અમારું ધ્યાન ગયું. આછા કોફી-વ્હાઇટ કલરના ઘોડા પર એકદમ ડાર્ક-બ્લેક કલરના જીન્સ પર એવું જ ટી-શર્ટ પહેરીને રાઇડ કરતી, ગોરી ગોરી, બ્યુટિફુલ યુવતીની રાઇડને કારણે તાલબદ્ધ ઊંચીનીચી થતી છાતી અને છાતીની સાથે આછાં ઊછળતાં શોલ્ડરકટ વાળનાં જુલ્ફાંએ અમારું એટેન્શન એના તરફ દોર્યું.
ેલગભગ ત્રીસ વર્ષની એ યુવતી ચહેરેનકશે કોઈ હિરોઇનને ટક્કર મારે એવી હતી. કદાચ એકલી જ હતી. એની આગળપાછળ કોઈ ઘોડા નહોતા એટલે અમે અનુમાન કર્યું.
પેનોરમા પહોંચ્યા ત્યારે એક ખૂણામાં એકલી બેઠી બેઠી સામેનો સમગ્ર વ્યુ નીરખી રહી હતી. તેની સાથે વાત કરવી’તી, પણ હિંમત ન ચાલી. છતાંય… છતાંય મારો ફ્રેન્ડ ફોટા પાડતો હતો જુદા જુદા એંગલથી એ જોઈને –
એનો કેમેરા લઈને તેની પાસે જઈને પૂછ્યું – તમારો અને આ સીનનો એકસાથે સ્નેપ લઈ શકું?
સંમતિસૂચક સ્મિત – સહેજ સરખી કરી પોતાની જાતને, વાળ વ્યવસ્થિત કર્યા…
ઊભી થાઉં?
‘વેલ એન ગુડ’
તે ઊભી થઈ. ટી-શર્ટ ખેંચ્યું. મારી સામે જોયું. હસી, અને મેં એનો સ્નેપ લીધો. તેના ફિગરને પૂરો કવર કરી અને બેકગ્રાઉન્ડમાં પેનોરમાનો વ્યુ.
‘લેટ મી સી’… મેં કેમેરા તેના હાથમાં આપ્યો. મને એમ કે ડિલીટ કરી નાખશે. પણ તેણે ફોટો જોયો, ફરીથી મસ્ત મસ્ત હસી અને બોલી, ‘ફોટો સુપર્બ એન્ગલથી લીધો છે…. ‘આય એપ્રિસિયેટ’ મસ્ત યૌવના આંખો નચાવતાં બોલી.
‘કઈ હોટેલમાં ઊતર્યાં છો?’ એમ પૂછ્યું, પણ બોલી નહિ એટલે મેં ઉમેર્યું, ‘ફોટાની કોપી આપી જાઉંને?
મારી સામે જોયું. હસી અને બોલી, ‘જરૂર નથી… માથેરાન ક્યાં મોટું છે? મળી જઈશું ક્યાંક… ઓ.કે.?
એની વાત સાચી હતી. બીજે દિવસે નાનકડા બજારમાં મળી ગયાં. તેણે હાથ ઊંચો કરી ‘હાય’ કહ્યું. હું પાસે ગયો. ફોટો આપ્યો. તેણે જોઈને કહ્યું, ‘આને એન્લાર્જ કરાવવો પડશે.’
‘કેટલી સાઇઝ…’
‘નહિ, પછી સહેજ વિચારીને બોલી, ‘આ સાઇઝ ચાલશે.’
‘રોકાવાનાં હો તો કાલે આપી દઉં.’
‘રોકાવાની તો છું જ, પણ…’
‘સાંજે ફ્રી છો?’
‘કેમ મને ડિનર પર ઇન્વાઇટ કરવી છે?’
‘ના, સાંજે ઈકો પોઇન્ટ જવું છે. તમે કંપની…’
‘ડન’ એમ કહીને તેણે હોટેલનું નામ કહ્યું, અને ઉમેર્યું, ‘સાંજે છ વાગ્યે આવી જજો. ત્યાંથી ઈકો નજીક પડશે.’

ઈકો પોઇન્ટ પર… ‘હાય’, ‘હાવ આર યુ?’, ‘આઇ લવ યુ’ના પડઘા પડતા હતા.
હું શાંત હતો. એ આજુબાજુના સહેલાણીઓને ઓબ્ઝર્વ કરતી હતી. ધીરે ધીરે સહેલાણીઓ ઓછા થતા જતા હતા અને સૂર્યાસ્તે અંધારું પાથરવાનું શરૂ કર્યું હતું.
મેં તેની સામે જોયું. અને મને શું થયું, ખબર નહિ, મેં તેનો ચહેરો હાથમાં લઈ તેના હોઠ પર હોઠ મૂકી દીધા, પણ તરત જ તેણે હળવેથી મારો ચહેરો ખસેડી દીધો. દર્દભર્યું હસી અને બોલી, ‘મને કિસ કરીને ખુશ થઈ ગયા? મને હતું જ કે આવું જ થશે, પણ હું તમારું નામ નથી જાણતી. મારું નામ નિશા છે. મારા માટે તમારું ચુંબન મૃત્યુ પામેલું ચુંબન છે.’ પછી સહેજ અટકીને બોલી, ‘સાંભળો. 1999ના કારગિલ યુદ્ધમાં મારો વર શહીદ થઈ ગયો, 1996માં અમારું લગ્ન. હનીમૂન માથેરનામાં. ફરીથી આવવાનું નક્કી કર્યું હતું, પણ 1999-એ…..
એની આંખમાનાં આંસુ તેણે લૂછ્યાં, અને બોલી, ‘એની યાદ સતાવે ત્યારે મારા સનને મમ્મીને સોંપી માથેરાન આવી જાઉં છું. આ પાંચ વર્ષમાં બીજી વાર આવી. મને એની યાદો ગમે છે. માથેરાન આવું ત્યારે તેના બધા જ પત્રો લઈને આવું છું. કારગિલથી લખેલા પણ. એકલી એકલી વાંચું છું. એકલી એકલી ફોટાઓ જોઉં છું અને એ જ હોટેલમાં ઊતરી એન્જોય કરેલી હનીમૂનને એકલી એકલી વાગોળું છું. એટલે મારા માટે તમારું ચુંબન… ‘સહેજ દર્દભર્યું હસી, ગળું સાફ કર્યું અને બોલી, ‘મૃત્યુ પામેલું ચુંબન છે.’
બસ એમ જ, થઈ ગયું…
તેં બાળકોનોય વિચાર ના કર્યો? હવે તો બધું જ સમજે છે.’
મૌન.
‘એવા તે કેવા સંજોગો ઊભા થયા તે તું એનાથી આકર્ષાઈ ગઈ?’
મૌન.
‘આ ઉંમરે, એક માતાને આવું શોભે છે?’
મૌન.
‘તું બોલ તો ખરી?
‘શું બોલું? બોલવા જેવું કંઈ છે ખરું?
‘આ થયું કેમ? મારાથી…’
તરત જ તેણે મોં પર હાથ મૂકી તેને અટકાવ્યો.
‘તો શું છે?’ એકદમ ગુસ્સે થઈને તે બોલ્યો, ‘શું કારણ છે?’
‘બસ એમ જ. મારી પાસે કોઈ કારણ નથી. થઈ ગયું.
‘એવું તો બને જ નહિ’
‘ખરેખર, પાર્ટીમાં અમે મળ્યાં. તમે બીજા ગ્રુપમાં હતા. ખબર નહિ, કેમ એણે પૂછ્યું, ‘મારી કંપની ગમશે?’ અને બસ મેં હા પાડી દીધી.’
‘લગ્ન કરવાં છે, એની સાથે?’
‘ના’
‘તો પછી…’
‘મેં કહ્યું ને’, તેનો અવાજ જરા ઊંચો થઈ ગયો, ‘થઈ ગયું. બસ એમ જ થઈ ગયું. એની સામે ઘણી સ્ત્રીઓને એવું થઈ ગયું છે. એમાં બે તો મારી ફ્રેન્ડ્સ છે. તેમણે કહ્યું એટલે મને ખબર પડી. એમના વરને આ ખબર જ નથી. તમે મને જોઈ નહિ પાર્ટીમાં એટલે…
‘નહિ તો ખબર ન પડત મને, એમ જ ને?’ સટાક દઈને એક તમાચો.
‘મારો, હજીયે મારો, વાંક મારો છે. ગુનો મેં કર્યો જ છે, પણ હું સાચું કહું છું – એ એમ જ થઈ ગયું. મને આમ એના પ્રત્યે પ્રેમ નથી. પ્રેમ તો હું તમને જ કરું છું. કરે જ છે ને? ‘મને? પ્રેમ? વ્હોટ નોનસેન્સ?’ અને બીજો તમાચો.

તને આમ સ્ત્રીઓને ફસાવવાની ફાવટ આવી ગઈ છે?’
‘અરે, એ, બોલતાં શીખ, હું કોઈને ઇન્વાઇટ કરતો નથી, ફસાવતો નથી, સ્ત્રી સામેથી આવે તો હું ના કેવી રીતે પાડું? મૂરખ નથી હું.’
‘તો લગ્ન કરી લે ને? મારી પત્નીને ફસાવી… લગ્ન કરવાં છે? હું કરાવી આપું…’
‘વાહ આદર્શ પતિ, વાહ… હું જો એવું કહું તો મારા જનાનખાનામાં જગ્યા જ ન રહે…’ અને તે ખડખડાટ હસ્યો અને પછી બોલ્યો, ‘જા અહીંથી તારી પત્નીને સાચવી શકાતી ન હોય તો બીજાના ઘરમાં બેસાડ. યુ ઇમ્પોટન્ટ હસબન્ડ… જસ્ટ ગો અવે ગેટ લોસ… યુ સ્ટુપિડ… યુ…
‘યુ બાસ્ટર્ડ… યુ રાસ્કલ…’ અને તેનાથી ટ્રિગર દબાઈ ગઈ.

લેખક કેળવણીકાર છે.