તમિળ ફિલ્મોના સુપર- સ્ટાર અભિનેતા રજનીકાન્તે સીએએ અંગે પોતાનો પ્રતિભાવ રજૂ કર્યોઃ સીએએ મુસલમાનો માટે જોખમકારક નથી…

0
968

 

     તમિલ ફિલ્મોના સુપર સ્ટાર અભિનેતા રજનીકાન્તે આખરે બહુચર્ચિત કાનૂન – નાગરિકતા સંશોધન કાનૂન – સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એકટ – સીએએ અંગે જાહેરમાં પોતાનો પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સીએએ મુસલમાનો માટે ભયજનક નથી. એનાથી મુસલમાનોએ ડરવાની લેશ માત્ર જરૂર નથી. આ કાનૂનને લીધે દેશના નાગરિક મુસલમાનોને કોઈ પણ જાતની હેરાનગતિ થશે તો એનો વિરોધ કરનારી હું પ્રથમ વ્યક્તિ હોઈશ. ભારતની કેન્દ્ર સરકારે પણ વારંવાર એવી ખાત્રી આપી છેકે, સીએએના કાનૂનને લીધે દેશના તમામ નાગરિકોને કોઈ જ પરેશાની નહિ થાય .

 સીએએ કાનૂન સંસદમાં પસાર થયા બાદ રાષ્ટ્રપતિની મંંજૂરી મળ્યા પછી આ કાયદો અમલમાં મૂકવામાં આવ્યો હતો. આ કાનૂન લાગુ કરવામાં આવ્યા બાદ દેશભરમાં એના વિરોધમાં દેખાવો – પ્રદર્શનો યોજવામાં આવ્યા હતા. સુપર સ્ટાર રજનીકાન્તે ખૂબજ આશ્ચર્યજનક અંદાજમાં કહ્યું હતું કે, દેશના ભાગલા પડ્યા બાદ  જે મુસલમાનોએ ભારતમાં રહેવાનું પસંદ કર્યું હતું, તેમને દેશની બહાર કેવી રીતે કાઢી મૂકાય??

     તેમણે જણાવ્યું હતું કે, કેટલાક રાજકીય પક્ષો પોતાના અંગત સ્વાર્થને સાધવા માટે લોકોને સીએએનો વિરોધ કરવા માટે ઉશ્કેરી રહ્યા છે. રજનીકાન્તે રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટરનું પણ સમર્થન કર્યું હતું. બહારથી આવીને દેશમાં ગેરકાયદે ઘુસેલા લોકોને શોધીને બહાર કાઢવા માટે આ કાનૂન પણ  હોવો જરૂરી છે.