તમારી નાનકડી તારીફ કોઈકના માટે મહત્ત્વની તારીખ બની શકે છે!

0
920

એક સરસ પત્ર આજે જ મળ્યો છે. લખનાર મિત્રે એટલી બધી આત્મીયતાથી વાતો લખી છે કે એ કોણ હશે? એવું પૂછવાની હિંમત નથી ચાલતી. ધીમે-ધીમે કંઈક સંદર્ભો ઊઘડતા જાય છે.
‘આપે મને સુંદર અક્ષરો માટે બિરદાવેલો… અને મારાં પેઇન્ટિંગ્સ માટે ખૂબ વખાણ કરેલાં…’
‘મને મનગમતી ડ્રોઇંગ ટીચરની નોકરી મળી ગઈ છે. તમે મારામાં રહેલી શક્તિઓને પિછાણી હતી…’
છેલ્લે સરસ વાત લખી છે, ‘તમે જ મારી દિશાના પથદર્શક છો…’ વગેરે વગેરે. શિક્ષક હોવાના કારણે એના શબ્દોમાં નાવીન્ય છે, આદર્શ પણ દેખાય છે. મારી કોઈ નાનકડી તારીફ કે વખાણથી એ વ્યક્તિ જીવનમાં આગળ વધવા માટેનું બળ મેળવી શકી હશે. કદાચ એનામાં શક્તિઓ તો અખૂટ પડી જ હશે, પરંતુ એની આસપાસમાં કોઈ એ જોઈ શકતું નહિ હોય. જો જાણતું હશે તો કહેવાની જરૂરિયાત કે ઉદારતા નહિ હોય. ગમે તે હોય, આ મરોડદાર અક્ષરોમાં એક નિખાલસ એકરાર વ્યક્ત થયો હતો. પોતાની શક્તિઓ અથવા પસંદગી માટે જીવનના યોગ્ય તબક્કે એકાદ-બે શબ્દોની સહાય તેને મળી ગઈ હતી, જેણે કમાલ કરી નાખી હતી. અને આજે એને એવું લાગી રહ્યું હતું કે પોતે મનગમતી જિંદગી જીવી રહી હતી!
ઘણી વાર આપણે જાણતા પણ ન હોઈએ એ રીતે આપણી વાતચીત કે વર્તન બીજાની ઉપર અસર કરતાં રહે છે, જેમાં નકારાત્મક અને હકારાત્મક બન્ને પ્રકારની અસરો જોવા મળતી રહે છે. કોઈકની લાગણીને આપણા સામાન્ય શબ્દો કે આશ્વાસન થકી ઝંકૃત પણ કરી શકાય છે અને એ જ રીતે કઠોર શબ્દો થકી તેના અસ્તિત્વને ઘસરકો લગાવવાનું કામ પણ થઈ જતું હોય છે. એક સામાન્ય લાગતી વાત છે કે આપણી સરળ અને હકારાત્મક અભિવ્યક્તિ જો આટલી પ્રબળ અસર ઊભી કરી શકતી હોય તો શા માટે આપણે કોઈકને બે સારા શબ્દો કહી શકતા નથી. જગતમાં સહાય એટલે ભૌતિક બાબતો અથવા નાણાં કે કીમતી બાબતોની જ હોઈ શકે એવું આપણે માનતા રહીએ છીએ. શબ્દોની સહાય નિરાળી છે. એમાં આપણે કશું ગુમાવતા નથી, પરંતુ એ જેને મળે છે એમાંથી એને મબલક મળતું હોય છે.
ટૂંકી વાર્તાના મહાન સર્જક ઓ હેન્રી એક સરસ વાત કરે છેઃ ‘જિંદગી ડૂમો, ડૂસકાં અને સ્મિત સિવાય બીજું કંઈ નથી. એમાં ડૂસકાંનું પ્રમાણ વધારે છે! આમાં ડૂમો અને ડૂસકાંનું નિવારણ સ્મિતમાં રહેલું છે. ક્યારેક શબ્દો થકી કોઈને બિરદાવી ન શકાય તો એકાદું સ્મિત કે નાની અમથી ચેષ્ટા થકી પણ માણસને પ્રેરણા આપી શકાય. જાણેઅજાણે આપણે આ બાબતે કંજૂસ રહેતા હોઈએ છીએ. આપણા આશ્વાસનમાં કેટલી તાકાત રહેલી હોય છે એનો અંદાજ આપણને હોતો નથી.
આપણું મિલનસારપણું જ્યારે સામૂહિક રીતે ટોળું બનીને વ્યક્ત થાય છે ત્યારે એમાંથી ઉપહાસ જ આવતો હોય છે. આપણે એ ન ભૂલવું જોઈએ કે પ્રત્યેક કાળાડિબાંગ વાદળને પણ એક રૂપેરી કિનાર હોય છે, જેમાંથી ઝગમગતો પ્રકાશ સમગ્ર કાળા દેખાવને બદલી નાખવા સમર્થ હોય છે. આપણું બંધિયારપણું અથવા પ્રયત્નપૂર્વક રાખવામાં આવતી ચુપકીદી ઘણી વાર ઘાતક હોય છે. જગતમાં દરેક વ્યક્તિ કોઈક ને કોઈક તબક્કે શરૂઆત કરતી હોય છે અને ત્યારે તેની સ્વીકૃતિ માટે કોઈને પડી હોતી નથી. આપણે ઊગતા સૂરજને પૂજનાર માણસો છે. સફળ કે નીવડેલી વ્યક્તિ માટે આદરભાવ સ્વાભાવિક રીતે વ્યક્ત થતો જોવા મળે છે, પરંતુ ખીલતી કળીનું સૌંદર્ય કે પ્રથમ વાર ઊપડેલા ડગનો જુસ્સો આપણે જોઈ શકતા નથી. અને એટલે જ જ્યારે આવા તબક્કે કોઈકે સાવ સાહજિકપણે બિરદાવેલી આપણી કોઈ તાકાત કે વિશેષતા અંગે આપણા મનમાં અનેરો ખ્યાલ હોય છે, આપણે એને જિંદગકી પર્યંત ભૂલી શકતા નથી. માણસ માત્રને કોઈકની દુવા કે સ્નેહની ઝંખના રહે છે. આધુનિક તબીબીશાસ્ત્ર પણ માને છે કે આજની બીમારીઓ ફક્ત દવાથી નહિ, ક્યારેક દુવાથી પણ મટતી હોય છે. માણસની પ્રેમની પ્યાસ વિશે આ પંક્તિઓ જુઓઃ
‘ઘણું જ ત્રસ્ત છે જગત, બધે જ પ્યાસ પ્રેમની
હજીયે આજ વિશ્વને કબીરની જરૂર છે.’
આનો અર્થ એવો પણ નથી કે કોઈકની શક્તિઓને જાણ્યા વગર માત્ર ખુશામત કે અમસ્તા આપણે તેને બિરદાવતાં રહેવું. કહેવાનું તાત્પર્ય એટલું જ કે ક્યારેક રૂટીન લાગતા આપણા શબ્દોમાં ગજબની તાકાત રહેલી હોય છે. કોઈકને માટે સદ્ભાવ કે શુભેચ્છાથી સરી પડેલા શબ્દો તેના માટે પ્રેરણાનું ભાથું બની રહે છે. આપણી નાનીસરખી તારીફ કે રીત કોઈના જીવનની મહત્ત્વની તારીખ બની રહેતી હોય છે!

લેખક વરિષ્ઠ સરકારી અધિકારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here